Dakshin Gujarat

ખેરગામમાં ખેતરમાં કામ કરતી મહિલાને ભૂંડએ બચકું ભરતાં 10 ટાંકા આવ્યા

ખેરગામ: (Khergam) ખેરગામ તાલુકાના નાંધઈ ગામના વાળી ફળિયામાં ખેતરમાં કામ કરી રહેલી વૃદ્ધ મહિલા (Old Lady) ઉપર જંગલી ભૂંડના (Pig) ઝૂંડે હુમલો કરી મહિલાના પગમાં બચકું ભરી દીધું હતું. આ ઘટનામાં મહિલાને સારવાર (Treatment) માટે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન પગમાં 10 જેટલા ટાંકા લેવા પડ્યા હતા.

ખેરગામ તાલુકામાં જંગલી ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડવાની સાથે લોકો ઉપર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ખેરગામના નાંધઇ ગામના વાળી ફળિયામાં રહેતી ઉષાબેન બાલુભાઈ પટેલ (ઉં.વ.50) રવિવારે સવારે 10:30 વાગ્યે પોતાના ખેતરમાં કામ કરી રહી હતી. એ દરમિયાન એક જંગલી ભૂંડનું ઝૂંડ ધસી આવ્યું હતું. મહિલા ઉપર અચાનક એક ભૂંડે હુમલો કરી દેતાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવતાં જંગલી ભૂંડનું ઝૂંડ ભાગી ગયું હતું. આ બનાવમાં મહિલાના પગના ભાગે ભૂંડે બચકું ભરી દેતાં મહિલા લોહીલુહાણ થઈ જતા ખેરગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં મહિલાના પગના ભાગે 10 ટાંકા લેવાની નોબત આવી હતી. મહિલાના ઉપર જંગલી ભૂંડના હુમલા બાદ સ્થાનિક લોકોમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે તંત્ર ગંભીરતા દાખવી જંગલી ભૂંડોને પકડવાની તજવીજ હાથ ધરે તેવી માંગ લોકોમાં ઊઠી છે.

ગણદેવા ગામે રસ્તામાં કુતરા આવી જતા મોપેડ સ્લીપ થઈ, મહિલાનું મોત
નવસારી : ગણદેવા ગામે રસ્તામાં કુતરા આવી જતા બહેનને સાસરે મુકવા જતા ભાઈની મોપેડ સ્લીપ થઇ ગઈ હતી. જે અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના સરપોર-પારડી ગામે મોટા ફળીયામાં વિમલભાઈ કેશવભાઈ પટેલ (ઉ.વ. 44) તેમના પરિવાર સાથે રહે છે. ગત 18મીએ વિમલભાઈ તેમની પત્ની કામીનીબેનને ગણદેવા ગામે મોટા ફળિયા ખાતે આવેલા પિયરે મુકવા ગયા હતા. જ્યાંથી વિમલભાઈ તેમની પત્નીને પિયરે મૂકી પરત ઘરે આવી ગયા હતા. સાંજે કામીનીબેનને સાસરે મુકવા માટે તેના ભાઈ કલ્પેશભાઈ સાથે મોપેડ (નં. જીજે-21-બીકે-8138) લઈને નીકળ્યા હતા.

દરમિયાન ફળિયાના રસ્તા ઉપર ઘણા બધા કુતરા સામે આવી જતા કલ્પેશભાઈએ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા મોપેડ સ્લીપ થઇ ગઈ હતી. જેના પગલે કામીનીબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખારેલ સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પતિ વિમલભાઈએ સાળા કલ્પેશભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.

Most Popular

To Top