SURAT

‘સોરી માય ફેમિલી’ લખીને એન્જિનિયરીંગનો વિદ્યાર્થી ઘરેથી પાંચ હજાર લઇ ચાલ્યો ગયો

સુરત : લિંબાયતમાં (Limbayat) રહેતો અને વલસાડની (Valsad) ડિપ્લોમાં એન્જિનિયરીંગનો અભ્યાસ (Study) કરતો સગીર ‘સોરી માય ફેમિલી’ લખીને ઘરમાંથી રૂા. પાંચ હજાર લઇને ચાલ્યો ગયો હતો. મોડી રાત્રી સુધી પણ તે ઘરે નહીં આવતા પોલીસે (Police) અપહરણની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતો 17 વર્ષિય હિતેશ (નામ બદલ્યુ છે) વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમાંનો અભ્યાસ કરે છે. રજાના દિવસોમાં હિતેશ વલસાડથી સુરત આવી જાય છે. બે દિવસ પહેલા રક્ષાબંધનના તહેવારના કારણે હિતેશ વલસાડથી સુરત આવ્યો હતો અને બાજુમાં દાદાની સાથેના મકાનમાં સૂતો હતો. બીજા દિવસે સવારે હિતેશના પિતા ત્યાં ગયા ત્યારે હિતેશ હાજર ન હતો. તપાસ કરતા ઘરમાં હિતેશનો મોબાઇલ મળી આવ્યો હતો. આ ઉપરાંત હિતેશના પિતાએ ઘરમાં ચેક કરતા પાંચ હજાર પણ જોવા મળ્યા ન હતા. હિતેશ આ રૂપિયા લઇને કોઇક કામ માટે ગયો હશે તેવું માનીને પરિવાર પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયો હતો. મોડી સાંજ સુધી પણ હિતેશ ઘરે નહીં આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ દરમિયાન હિતેશની માતા તેના ચોપડા વ્યવસ્થિત મુકી રહ્યા હતા ત્યારે એક ચોપડામાં ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું ‘સોરી માય ફેમિલી’. આ બાબતે હિતેશના પિતાએ પરિવારના અન્ય સભ્યો તેમજ પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે લિંબાયત પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મુંબઇમાં રહેતા સેલ્સમેનની સુરતના ડાયમંડ વેપારી સાથે 16 લાખની ઠગાઇ
સુરત : મુંબઇમાં રહેતા એક સેલ્સમેને સુરતના ડાયમંડ વેપારીની પાસેથી રૂા.16 લાખની કિંમતની 31 નંગ ડાયમંડ રીંગ લઇને તેનો બારોબાર વેપારી કરી નાંખ્યો હતો. બાદમાં આ સેલ્સમેનએ ડાયમંડ રીંગ કે પેમેન્ટ પરત નહીં આપતા તેની સામે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. સેલ્સમેન દ્વારા 16 લાખનું ચિટીંગ કરવામાં આવ્યુ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોટા વરાછા સુદામા ચોક પાસે આંગન રેસીડેન્સીમાં રહેતા પરેશ ઘનશ્યામભાઇ માણિયા મહિધરપુરાના જરીવાલા કંપાઉન્ડમાં કિરણ હોસ્પિટલની પાછળ અન્ય ત્રણ ભાગીદારોની સાથે મળી ઇઝારા જ્વેલર્સ નામથી દાગીના બનાવવાનું કામ કરે છે. અને આ દાગીના સેલ્સમેન દ્વારા મુંબઇ અને સુરતના બજારોમાં વેચવામાં આવે છે. આ સેલ્સમેન માલ લઇ જાય અને વેપારીઓને બતાવીને જો માલ વેચાય તો પેમેન્ટ આપે નહીંતર તેઓ માલ પરત આપે છે. દરમિયાન તેઓએ મુંબઇના દહિસરમાં રહેતા મનોજકુમાર વિનોદકુમાર જોષીને સેલ્સમેન તરીકે રાખ્યો હતો. ફેબ્રુઆરી-2022માં મનોજ જોષીની સાથે ઘનશ્યામ માણિયા અને તેમનો ભાઇ દુબઇમાં હીરાના નવા માર્કેટ માટે ગયા હતા. અને ત્રણેયની પાસે અલગ અલગ 10 ડાયમંડ રીંગ હતી. દુબઇથી મુંબઇ પરત આવ્યા બાદ મનોજ જોષી મુંબઇ એરપોર્ટ પર ઉતરીને ઘરે જઇને આવું તેમજ એક પાર્ટીને 10 ડાયમંડ રીંગ બતાવતો આવું તેમ કહીને નીકળી ગયો હતો. બીજા દિવસે મનોજ જોષીએ ઘનશ્યામભાઇને ફોન કરીને એક ગ્રાહક તમામ રીંગ માંગે છે તેમ કહીને બાકીની 21 રીંગ પણ મંગાવી લીધી હતી. ત્યારબાદ મનોજ જોષીએ રૂા. 16 લાખની કિંમતની 31 ડાયમંડ રીંગનો વેપાર થઇ ગયો છે તેમ કહીને પેમેન્ટ ચૂકવવા માટે ઘનશ્યામભાઇને ધક્કે ચઢાવ્યા હતા. આ બાબતે ઘનશ્યામભાઇએ મનોજ જોષીની સામે ફરિયાદ આપતા મહિધરપુરા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top