Comments

જીવનની હકીકત

રીનાના પપ્પા મૃત્યુ પામ્યા હતા. ઘરમાં બીજું કોઈ હતું નહિ.રીનાની મમ્મી એકલે હાથે મહેનત કરી રીનાને ઉછેરી રહી હતી.આમ તો રીના બહુ સમજુ હતી. કોઈ વાતે જીદ કરતી નહિ, પણ આજે શાળામાં રંગીન કપડાં પહેરી જવાનું હતું અને બધાં નવાં નવાં કપડાં પહેરીને આવ્યાં હતાં.રીનાએ ગયા વર્ષે જે પહેર્યું હતું તે જ ફ્રોક પહેર્યું હતું અને એટલે સ્કૂલમાં એક બે છોકરીઓ કાનાફૂસી કરી રીનાની મજાક ઉડાડી રહી હતી.આ રીનાએ સાંભળ્યું એટલે તેનું નાજુક મન રડી પડ્યું.

રીના સ્કૂલમાંથી ઘરે આવીને રડવા લાગી. બોલી, ‘મમ્મી મને પણ નવાં કપડાં જોઈએ છે.’ રીનાની મમ્મી બે ઘડી રીનાને જોતી જ રહી, પછી ધીમેથી બોલી, ‘કેમ દીકરા રડે છે શું કામ તને ખબર છે ને દિવાળી પર અને તારા જન્મદિવસ પર હું તને નવાં કપડાં અપાવું જ છું.’ રીના બોલી, ‘મમ્મી મને તું વર્ષમાં બે જ વાર એક એક નવો ડ્રેસ અપાવે છે, પછી આખું વર્ષ મારે તે જ બધે પહેરવો પડે છે અને મારી શાળામાં અમુક છોકરીઓ હંમેશા નવાં નવાં કપડાં પહેરીને આવે છે.અવનવી ફેશનનાં અને વળી મોંઘાં પણ….મમ્મી, મને ખબર છે આપણે મોંઘાં કપડાં ન લઈ શકીએ….પણ શું કયારેય બે થી વધારે કપડાં ન લઈ શકીએ? મન થાય ત્યારે નવાં કપડાં ન ખરીદી શકીએ? તેં તો  બે વર્ષથી નવો ડ્રેસ કે સાડી લીધાં જ નથી.આવું કેમ મમ્મી, કોઈ ઘણાં બધાં કપડાં લઇ શકે, કોઈ એક કે બે જ.’

આટલું બોલીને રીના મમ્મીને વળગીને રડવા લાગી.મમ્મીએ કહ્યું, ‘જો રીના, આજે રડી, ફરી ક્યારેય રડતી નહિ.જીવનમાં જે આપણી સ્થિતિ હોય તેનો સ્વીકાર કરવો જોઈએ. જીવનમાં જે મળ્યું છે,જેટલું મળ્યું છે અને જેવું મળ્યું છે તે દિલથી સ્વીકારીને ખુશ રહેતાં શીખવું જોઈએ.તું એ પણ જો કે ઘણાં એવાં છે જેની પાસે નવાં કપડાં જ નથી. છે તે પણ જુનાં અને ફાટેલાં છે.તું સમજ દીકરા, જેમ અમુક ફૂલો તડકામાં ખીલે…અમુક છાયડામાં. જેની જેવી બનાવટ જેનું જેવું ભાગ્ય…

આપણા નસીબમાં વધુ મહેનત છે…જીવન અઘરું છે, પણ આ તકલીફો જ આપણા જીવનને આગળ જતાં ખીલવશે…આપણને પડતી તકલીફો આપણને મજબૂત બનાવે છે અને હા, બીજાના જીવન સાથે કોઈ દિવસ આપણા જીવનની સરખામણી કરવી જ નહિ.’ મમ્મીએ પોતે જીવનની થપાટો ખાઈને શીખેલી વાત દીકરી રીનાને સરળતાથી સમજાવી અને સાચી હકીકતનો સ્વીકાર કરતાં શીખવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top