Business

આવું પણ એક ગામ આપણા ગુજરાતમાં હોય…

 સાડા ત્રણ અક્ષરનો એક જાદુઈ શબ્દ છે. આ શબ્દ છે ‘પુસ્તક’.. એ પારસમણિ જેવો છે. આના સ્પર્શ માત્રથી તમને અવનવી અનુભૂતિ થાય. એના વાંચનમાત્રથી તમારી કલ્પનાના સિમાડા વિસ્તરી જાય. તમારું સમગ્ર વિશ્વ પલટાઈ જાય અને એટલે જ આવાં જાદુઈ છડી જેવાં પુસ્તકોનો જ્યાં સંગ્રહ હોય એવાં પુસ્તકાલય વાચક માટે એક તીર્થસ્થળ સમાન છે. આજે અહીં પુસ્તક અને એનાં વાંચનની વિશેષ વાત એ માટે કરી કે હમણાં જ આ ૧૨ ઑગસ્ટ ‘વર્લ્ડ લાઈબ્રેરી-ડે’ તરીકે ઊજવાયો. જરૂરી નથી કે બધા દેશ એક જ દિવસે સાથે ઉજવણી કરે.

પ્રત્યેક દેશ પોતાની અનુકુળતા મુજબ આ લાઈબ્રેરી-ડેની ઉજવણી કરે છે. રશિયા ૨૭ મે ના ઉજવે છે તો ક્રોએશિયા ૧૧ નવેમ્બર અને સ્લોવેનિયા ૨૦ નવેમ્બર – યુક્રેન ૩૦ સપ્ટેમ્બર -દક્ષિણ આફ્રિકા ૧૦ જુલાઈ- ઈક્વાડોર ૨૪ ઑકટોબર તો આપણું પાડોશી પાકિસ્તાન ૨૦ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય સ્તરે લાઈબ્રેરીને યાદ કરે છે. બીજી તરફ, બોસ્નિયાના સારા જેવા શહેરની વિખ્યાત લાઈબ્રેરી ૧૯૯૨ના એક યુદ્ધમાં નષ્ટ પામી હતી એની સ્મૃતિમાં સ્પેન ૨૪ ઑકટોબરના એની ખાસ ઉજવણી કરે છે.

કેટલાક દેશ તો પ્રત્યેક વર્ષે અલગ અલગ થીમ- વિષય સાથે એની ઉજવણી કરે..ઉદાહરણ તરીકે કોઈ દેશ નાટક કે ફિલ્મ જેવો વિષય લે પછી એ વિષયને લગતાં જ પુસ્તકોનું વાંચન થાય- સમુહ ચર્ચા-વિચારણા થાય. અમેરિકાએ આ વર્ષે ૩ અને ૪ એપ્રિલની ઉજવણી વખતે કોરોના-કાળના લોકડાઉનમાં પુસ્તકો કઈ રીતે ઉપયોગી નીવડે એ વિશે ઓનલાઈન ચર્ચા ગોઠવી હતી. અમુક દેશ તો માત્ર એક જ દિવસ જ નહીં, આખું અઠવાડિયુ ‘પુસ્તકાલય -દિવસ’ ઉજવે ! દાખલા તરીકે, પોલેન્ડ ૮ થી ૧૫ મે-ફિલિપાઈન્સ ૨૪થી ૩૦ નવેમ્બર સુધી ‘લાઇબ્રેરી-ડે’ ઉજવે. એ જ રીતે, બેલ્જિયમ ઑકટોબરમાં તો આયર્લેન્ડ નવેમ્બરમાં આ જ રીતે એક અઠવાઠિયાનું આયોજન કરે છે. બ્રિટન તો ૯ થી ૧૪ ઑકટોબર દરમિયાન લાઈબ્રેરીમાં જ વાંચન- વાર્તાલાપથી લઈને હૉબી- બૉડી ફિટનેસને લગતાં કાર્યક્ર્મ પણ યોજે છે..! આ બધા વચ્ચે ગ્રીસ – પોર્ટુગલ જેવાં પણ દેશ છે, જયાં આજ સુધી લાઈબ્રેરી-ડેનું આયોજન નથી થયું !

આપણી વાત કરીએ તો આ ૧૨ ઑગસ્ટ ‘વર્લ્ડ લાઈબ્રેરી-ડે’ તરીકે ઊજવાયો એ જ દિવસે આપણે પણ ‘રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ’નું આયોજન કર્યું. આ દિવસ આપણે ‘નૅશનલ લાઈબ્રેરિયન ડે’ તરીકે પણ યાદ કરીએ છીએ, કારણ કે આ દિવસે આપણે દેશના પુસ્તકાલયોના પિતામહ ગણાતા એવા લાઈબ્રેરી સાયન્સના પ્રોફેસર ડૉ. એસ.આર રંગનાથન( ૧૮૯૨-૧૯૭૨)ને વિશેષરુપે બિરદાવીએ છીએ. આમ તો રંગનાથન ગણિતના કુશળ પ્રધ્યાપક ,પરંતુ આઝાદ ભારતમાં પુસ્તકાલયોની સ્થાપના-વિકાસમાં એમનું જબરુ પ્રદાન રહ્યું છે.

વાચન એક એવો નશો કે આદત છે કે એ જલ્દી ન છૂટે. કોઈ ફરફરિયુ કે છાપું કે પછી ચોપડી- પુસ્તક જેવું હાથમાં આવે કે ગમે ત્યાં-ગમે તે ખૂણે બેસીને એનાં વાંચનમાં ડૂબી જવું એ એક અચ્છા વાચકનો ગુણ કે લાક્ષણિકતા ગણા્ય. લખી ન શકતા લોકો પણ સારા વાચક હોય છે. આપણે ત્યાં દૂર દૂરનાં ગામમાં પણ વિદ્યાર્થી વાચક જોવા મળે. એમનાં લાભાર્થે આપણાં ગ્રામ્યવિસ્તારમાં વાંચનાલય હવે આપણે ન કલ્પ્યા હોય એવી ઝડપથી વધી રહ્યાં છે. પછી એ પંચાયતની કચેરી પાસે હોય કે પછી એ ગામના ચોતરા પાસે હોય.

ઉત્તર ભારત,ખાસ કરીને દિલ્હીથી પચાસેક કિલોમીટરના અંતરે આવેલા ખોબા જેવા કાલડા ગામથી લઈને નોઈડા- ગાઝિયાબાદ-મેરુતની આસપાસનાં ગામવિસ્તારોમાં ગ્રામપાઠશાળા યોજના હેઠળ ૧૦૦થી વધુ વાંચનાલય ખાસ કરીને આગળ અભ્યાસ કરવા ઈચ્છતા કિશોર -યુવાન વિદ્યાર્થીઓથી ધમધમી રહ્યાં છે. આવાં પુસ્તકાલય સરકારી સહાય ઉપરાંત ગામ લોકોના દાન રકમ તેમજ ભેટ મળતાં પુસ્તકોથી ચાલે છે. કોઈ પણ ગામમાં વાંચનાલયની સંખ્યા ત્યારે વધે જ્યારે ત્યાંના રહેનારાઓમાં વાંચનની ભૂખ ઊઘડે. ખાસ કરીને બાળકો-કિશોરોમાં આવી અદમ્ય ‘ભૂખ’ જગાડવાનું કામ કરે છે. શિક્ષકો- ગ્રામ્ય સેવકો અને સંનિષ્ઠ સરકારી અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલી વાચક અને વાંચનાલયોની આવી ક્રાંતિ વચ્ચે આપણે મહારાષ્ટ્રના આ ગામમાં પણ લટાર મારવી જોઈએ..

મહારાષ્ટ્રના પૂણે શહેરથી ૧૦૮ કિલોમીટરના અંતરે સતારા જિલ્લામાં નાનું એવું એક ગામ છે. નામ છે એનું ભિલાર. વસતિ છે માંડ ૩૫૦૦ની. આ ગામ આજે મરાઠીમાં ઓળખાય છે ‘પુસ્તકાંચ ગાવ’ અર્થાત પુસ્તકોનું ગામ. ત્રણેક વર્ષથી આવી ઓળખ એટલા માટે એણે મેળવી છે, કારણ કે ત્યાંના ૩૦ જેટલાં ઘરમાં છે ૩૦ હજારથી વધુ પુસ્તકો, જેને જેવા વાંચવા હોય એવા પુસ્તકો વાંચવા દૂર દૂરથી પુસ્તક રસિકો ઉમટે છે..

હકીકતમાં ગ્રેટ બ્રિટેનના એક ભાગરુપ વેલ્સનું એક વિલેજ એનાં પુસ્તકપ્રેમ અને બુકફેર્સ માટે જાણીતું છે એને નજર સામે રાખીને આ ભિલાર ગામની રચના થઈ છે. પંચગીની અને મહાબલેશ્વરની સમીપ આવેલા આ ગામનાં ૩૦ જેટલાં ઘર, જ્યાં જાતભાતનાં પુસ્તકો છે એની દીવાલોને ૭૦થી વધુ ચિત્રકારોએ એમની કળાથી એવી સરસ રીતે સજાવી છે કે પુસ્તકો ધરાવતાં એ ઘર સાવ અલગ જ તરી આવે. સ્વીટ સ્વીટ સ્ટ્રોબરી માટે જાણીતા આ ગામનો ખુશનુમા માહોલ પણ વાચનપ્રેમીઓ તેમજ સર્જકો સુધ્ધાં માટે બહુ લોભાવનારો છે.

અત્યારે તો ભારતના ‘એક માત્ર પુસ્તકોના ગામ’ તરીકે વિખ્યાત એવા આ ભિલાર ગામમાં જે ૩૦ હજાર પુસ્તકો છે એ માત્ર મરાઠી કવિ-લેખકોનાં જ છે. વધુ ને વધુ વાચકો-પ્રવાસીઓને આકર્ષવા અન્ય ભાષાનાં પુસ્તકો અહીં લાવવાની યોજના ઘડાઈ રહી છે. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ‘વાંચે ગુજરાત’ની જોરદાર ઝુંબેશ શરુ કરી હતી. અત્યારે એનાં ખબર-અંતરની લેટેસ્ટ જાણ નથી, પણ કોરોનાનું આક્ર્મણ સાવ નબળું પડે પછી મહારાષ્ટ્રના ભિલોર જેવું આપણા ગુજરાતમાંય પુસ્તકોનું એકાદ ગામ આકાર લે તો વાચકો એને જરૂર વધાવી લે..!

Most Popular

To Top