Business

મોટે ભાગે ખાલી માર્જિન અને કોસ્ટીંગ પર જ ફોકસ રાખતા હોય છે

ગુજરાતી  બિઝનેસમેન  જેટલો સમય  મંદીની વાતો કરવામાં વેડફે છે એના ખાલી 5% જો પોતાની કંપનીની સિસ્ટમ અને પોલિસીને ઈમ્પ્રુવ કરવા માટે ફાળવે તો આખરે કંપનીને  ફાયદો થતો હોય છે. જયારે પણ ઇન્ટરનેશનલ કે નેશનલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો તેઓ ગુજરાતી એન્ટ્રપ્રેન્યોરને એપ્રિિશએટ તો કરે છે કારણકે  ગુજરાતીઓ પ્રોફિટ ઊભો કરવામાં માહિર હોય છે પરંતુ તેઓ નિરાશ  થાય  છે જયારે કંપનીની વર્કિંગ સ્ટાઈલની  એમને ખબર પડે છે. મોટા ભાગની નાનીમોટી ગુજરાતી કંપની સિસ્ટમ ડ્રિવન હોતી નથી. કંપનીના માલિકો પેઢી કલ્ચરમાંથી બહાર નીકળી શકતા નથી. ઘણા પ્રમોટર એવા હોય છે કે તેમના ઈરાદાઓ કંપનીને પ્રોફેશનલ બનાવવાના હોય છે પરંતુ જયારે કંપનીને પ્રોફેશનલ  બનાવવા માટે પૈસા ખર્ચવાની વાત આવે તેઓ કંજૂસ થઇ જાય છે અને આખરે બોલવાના અને ઈમ્પ્લિમેન્ટ કરવાના ભેદનો પર્દાફાશ થઇ જાય છે

એક સર્વે પ્રમાણે ફોરેન  ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ ગુજરાતી કંપનીઓમાં  સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઘણી આતુર હોય છે પરંતુ પ્રોફેશનલ  કલ્ચર, સિસ્ટમ એન્ડ પ્રોસેસ,  ગવર્મેન્ટ કમ્પલાઇન્સ, હ્યુમન રિસોર્સીસ પોલીસીઝ અને બિઝનેસ એનાલિસિસમાં તેઓ ગુજરાતી કંપનીઓને ઘણી ઊતરતી કક્ષાની ગણતી હોય છે. ગુજરાતી નાનામોટા એન્ટ્રપ્રેન્યોર પ્રોફિટ ઊભો કરવામાં માહિર હોય છે પરંતુ કંપનીના વેલ્યુએશનને કેવી રીતે મોટું કરવું તેમાં તેઓને બહુ ટપ્પો પડતો નથી હોતો. ઘણા પ્રમોટરને તો કંપનીનું વેલ્યુએશન શું હોય અને કેવી રીતે  વેલ્યુએશન નક્કી થાય છે તેની પણ માહિતી હોતી નથી. આખા ભારતની વાત કરીએ તો જે કંપનીઓ મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ કે પૂના જેવાં સિટીમાં હોય તે કંપનીનું કલ્ચર પ્રોફેશનલ હોય છે. આ શહેરની મોટાભાગની કંપનીઓમાં  ચાવવાના અને બતાવવાના દાંત એક જ હોય છે. તેઓ કમ્પ્લીટ ટ્રાન્સપરન્સીમાં બીલીવ કરતા હોય છે.

કમભાગ્યે ગુજરાતની કંપનીઓમાં પ્રોફેશનલ કલ્ચર બહુ ઓછું જોવા મળે છે. કંપનીઓ શોર્ટકર્ટ લેવામાં  માહિર હોય છે. કમર્ચારીઓને ઓછી રજા આપવી, રજાના દિવસે પણ કામ કરવા માટે બોલાવવા, એકશન પ્લાન વગરની મીટિંગ્સ કરવી અને એવાં બીજાં કેટલાંય કારણોથી ગુજરાતી કંપનીઓ ગ્લોબલ સ્ટ્રેટજિક ઇન્વેસ્ટરને આકર્ષી શકતી નથી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ભારતીય બજારમાં રોકાણ કરવા ઉત્સુક હોય છે, ભારતનું માર્કેટ ગ્રોથવાળું માર્કેટ છે અને જે ભારતીય કંપનીઓ પોતાનું વેલ્યુએશન વધારવા માંગતી હોય તેમાં રોકાણ કરવા કંપનીઓ ખૂબ જ આતુર હોય છે. રોકાણની સાથે સાથે તેઓ ભારતીય કંપનીઓને ગ્લોબલ નેટવર્ક, વર્લ્ડ ક્લાસ સિસ્ટમ અને કંપનીના ફંડામેન્ટલ્સને મજબૂત કરવા માટે સજ્જ હોય છે.

સિંગાપોર અને અમેરિકન ઇન્વેસ્ટર્સની સાથે સાથે જાપાનીઝ અને ચાઇનીઝ ઇન્વેસ્ટર્સ હંમેશાં રાઈટ રોકાણ કરવામાં ઉત્સાહી  હોય છે પરંતુ જો  ગુજરાતની કંપનીઓની વાત કરું તો મોટે ભાગે કંપની ફાઇનાન્શ્યલી મજબૂત હોય છે પરંતુ જયારે પણ સિસ્ટમની વાત પૂછવામાં આવે તો  ભારે નિરાશાજનક ફીડબેક મળતા હોય છે. ઇન્વેસ્ટર એવી કંપનીઓ શોધતા હોય છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ કંપની ટકી રહેતી હોય. ગ્રોથની સાથે ઇન્વેસ્ટર પોતાની સિક્યુરિટી પણ શોધતા હોય છે.

હ્યુમન રિસોર્સીસ મેનેજમેન્ટ એ કંપનીનું એક મજબૂત પાસું હોય છે. ગુજરાતી કંપનીઓ હ્યુમન રીસોર્સીસ પોલિસીમાં ઘણી નબળી હોય છે. પ્રમોટર ધ્યાન પ્રોફિટ ઊભો કરવામાં રાખે છે  પણ માણસોને ડેવલપ કરવામાં જરા પણ રસ બતાવતા નથી. એ રીતે કંપનીઓની બધી સિસ્ટમ્સ  ફુલ્લી ઑટોમેટિક હોવી ખૂબ જ જરૂરી છે. કંપનીની બધી પ્રોસેસ માણસો આધારિત નહિ પરંતુ સિસ્ટમ આધારિત હોવી જોઈએ. કર્મચારી કંપની છોડીને જાય તો પણ કંપનીને કોઈ અસર ન થવી જોઈએ. બીજું ઘણા ગુજરાતી પ્રમોટરને લશ્કર ક્યાં લડે છે તેનું ધ્યાન નથી હોતું.

કોઈ પણ ડેટા માંગો તો તમને ત્રણ દિવસ પછી મળે. તેઓ ખાલી માર્જિન અને કોસ્ટીંગ પર જ ફોકસ રાખતા હોય છે. જો તમારે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ જોઈતું હોય તો બધું જ ઓન લાઇન મળવું જોઇએ. મેનેજમેન્ટ કોઈ પણ ડેટા  માંગે તો ગણતરીની ક્ષણોમાં તે મળવા જોઈએ એ જરૂરી છે. ગુજરાતી કંપનીના માલિકોએ ટ્રાન્સફોર્મશન થવાની જરૂર છે. જો તમારી કંપની શ્રેષ્ઠ ક્લચર ધરાવતી હશે તો ભલે પ્રોફિટ ઓછો હોય પણ ઇન્વેસ્ટર્સ તમને શોધતા આવશે.

Most Popular

To Top