Business

ACના રિમોર્ટની ખેંચતાણ ભલે ચાલુ રહે પણ સંબંધોની નહીં

ઉનાળો ચાલુ થતાં જ ગરમીથી બચવા Acનું મહત્ત્વ વધી જાય છે. આજે તો મોટાભાગના ઘરોમાં AC આવી ગયા છે જેથી આવી કાળઝાળ ગરમીમાં તેઓ શાંતિથી સૂઈ શકે. જો કે કેટલાંક લોકોને AC ની ઠંડક માફક નથી આવતી તો કેટલાંક લોકો તો AC વગર રીતસરના અકળાઈ જ જાય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે હસબન્ડ કે વાઇફને ACમાં બેસી રહેતા એલર્જી થઇ જાય છે અને છીંકાછીંક કરવા માંડે છે. ઘણીવાર તો ACનું ટેમ્પરેચર પણ શું રાખવું એ બાબતમાં આર્ગ્યુમેન્ટ્સ થતી હોય છે. બીજી કોઈ વાતમાં કપલના વિચારો મળી જાય તો પણ ACની બાબતમાં તો ભાગ્યે જ સામ્ય જોવા મળે છે. આ કારણે ક્યારેક હસબન્ડ વાઈફ ઝઘડી પણ બેસતા હોય છે તો કેટલાંક આ સમસ્યાનો અલગ જ તોડ કાઢી લે છે તો આજે આપણે ધોમધખતી ગરમીમાં ઠંડા AC વિષે કેટલાક કપલ્સના હોટ અને કોલ્ડ કિસ્સાઓ જાણીશું અને માણીશું…

વાઈફને બાળકોના રૂમમાં ઉંઘવા માટે મોકલી દઉં છુ: હિતેશભાઇ સોની
જ્વેલરીનો
બિઝનેસ કરતાં 49 વર્ષીય હિતેશભાઇ સોની જણાવે છે કે, ‘મને AC ની ઠંડક માફક નથી આવતી પણ આખો દિવસ દુકાનમાં AC તો ચાલુ રાખવું જ પડે અને જ્યારે હું સાંજે ઘરે આવું ત્યારે એવું વિચારું કે થોડી તાજી હવા લઉં, પણ જેવો હું ફ્રેશ થઈને રૂમમાં જાઉં કે મારી વાઈફ AC ઓન કરી દે છે એટલું જ નહીં એ સાથે પંખો પણ ફૂલ સ્પીડમાં ચાલુ રાખે છે, ત્યારે મારી હાલત ખરાબ થઈ જાય છે. હું વાઈફને બાળકોના રૂમમાં ઉંઘવા માટે મોકલી દઉં છુ, કારણ કે બાળકોના રૂમમાં ટાઈમર સેટ કરેલું છે.’ વધુમાં હિતેશભાઇ હસતાં હસતાં જણાવે છે કે, ‘ફકત ઉનાળા પૂરતી આ સમસ્યા હોય તો ચલાવી પણ લેવાય પણ મારે તો કડકડતી ઠંડીમાં પણ AC ની હવા ખાવી પડે છે. વાઈફની આ આદતના કારણે અમારી વચ્ચે ક્યારેક નોકઝોક પણ થઈ જાય છે પણ અમે આ બાબતને વધારે મહત્વ ન આપીને અમારા રિલેશન પર કોઈ અસર નથી પડવા દેતા.’

હું સૂઈ જાઉં પછી હસબંડ AC ચાલુ કરે છે: દિપીકા બહેન ખરવાસીયા
શહેરના
સિટિલાઈટ વિસ્તારમાં રહેતા દિપીકાબેન કહે છે કે, ‘AC ની ઠંડકના કારણે મારું નાક બંધ થઈ જાય છે જ્યારે મારા હસબન્ડ તેજસને AC વગર નથી ફાવતું અને હાલમાં પડી રહેલી ગરમીને કારણે તો એમનું AC વગર ઉંઘવું મુશ્કેલ થઈ જાય છે. જે મારી તકલીફના કારણે હું સૂઈ જાઉં પછી એ AC ચાલુ કરે છે અને વચ્ચે વચ્ચે ચાલુ-બંધ કરતા રહે છે. જો કે આ બાબતે ક્યારેક હળવો ગુસ્સો પણ કરી લે છે પણ પછી મારા પ્રત્યેના પ્રેમના કારણે એમણે મેનેજ કરવાનું શીખી લીધું છે.’

કેટલીક વાર AC નું રિમોટ છુપાવી દઉં છું : બેલા શાહ
શહેરના
મજૂરા ગેટ વિસ્તારમાં રહેતા હાઉસ વાઈફ બેલા શાહ જણાવે છે કે, ઉનાળામાં ગરમી લાગે એ વાત બરાબર પણ મને ફૂલ AC માં ઠંડી લાગે જ્યારે મારા હસબન્ડ મનોજને આખી રાત એકદમ ઠંડક હોય તો જ ઉંઘ આવે છે જેથી મારે ડબલ બ્લેંકેટ ઓઢીને સૂઈ જવું પડે અથવા તો શિયાળામાં જ્યારે વધુ ઠંડી હોય ત્યારે તો કેટલીકવાર હું AC નું રિમોટ જ છુપાડી દઉં છુ. જો કે મારા હસબંડને મારી આ આદતની ખબર હોવાથી એ મારી ચોરી પકડી લે છે ત્યારે હું પણ AC માં ટાઈમર સેટ કરવાની શરતે રિમોટ આપી દઉં છુ.’

4 દિવસ જમીન પર સૂવાનો વારો આવ્યો : કેતનભાઈ ખત્રી
ક્યારેક
એવું થાય ને કે જ્યારે જે વસ્તુની જરૂર હોય એ જ બગડી જાય. ઘોડદોડ રોડ પર રહેતા કેતનભાઈ ખત્રી સાથે પણ આવું જ થયું. કેતનભાઈ જણાવે છે કે, ‘શિયાળામાં અમારા રૂમમાં AC સ્લો ચાલતું હતું અને મને વધારે ઠંડકની આદત નથી જ્યારે મારા વાઈફને ફૂલ AC જોઈએ જેથી હવે જ્યારે ભયંકર ગરમી પડી રહી છે ત્યારે મારા વાઇફે AC રીપેરીંગવાળાને બોલાવી લીધો અને એ 4 દિવસ સુધી AC લઈને ગયો છે જેથી અમે દીકરીના રૂમમાં સૂઈ જવાનું વિચાર્યું તો ત્યાનું AC પણ ખરાબ. જેથી હવે 4 દિવસ માટે અમારે જમીન પર સૂવું પડશે. કારણ કે બીજા રૂમમાં AC તો છે પણ ઉંઘવા માટે બેડની વ્યવસ્થા નથી. ત્યારે આ બાબતે મારો વાઈફ સાથે ઝઘડો પણ થઈ ગયો છે. કારણ કે, એને AC વગર ચાલતું નથી અને શિયાળાને કારણે મેં AC રિપેર કરવામાં આળસ કરી હતી.’ 

Most Popular

To Top