Entertainment

એશા લવસ્ટોરી એકસ્પર્ટ બની

ટી.વી. સિરીયલોમાંથી ફિલ્મોમાં પ્રવેશ કરનારા કળાકારોની સંખ્યા સતત વધી રહી છે. આ અઠવાડિયે તેમાં એશા સીંઘને ઉમેરી શકો છો. ટી.વી. પર તેણે અઢળક કામ નથી કર્યું. અત્યારે જ તે ૨૩ વર્ષની છે તો અઢળક કામ હોય પણ કેવી રીતે? પણ તેણે તેની પહેલી જ ટી.વી. સિરીયલમાં યુવા વિધવા તરીકે અનેકનો પ્રેમ પામી હતી. આમ તો રાજકપૂરની ‘પ્રેમરોગ’નું જ એ ટી.વી. વર્ઝન હતું પણ એશા ગમી હતી. એ પહેલી સિરીયલ પછી ‘એક થા રાજા એક થી રાની’ માં અને ‘ઇશ્ક સુભાનલ્લાહ’ માં ઝારા સિદ્દીકી તરીકે પણ તે એવી જ જામી હતી.

સમજો કે તે એવી જ સિરીયલોમાં આવી છે જેમાં યુવાવય અને પ્રેમ કેન્દ્રમાં હોય. અત્યારે પણ વૂટ પર તેની ‘સિર્ફ તુમ’ ટી.વી. સિરીયલ લોકોએ માણી છે. જો આટલી સફળતા હોય તો ફિલ્મવાળાઓને થાય કે તેને પરદા પર ચમકાવી શકાય. રોમેન્ટિક લવસ્ટોરી માટે એશા પર્ફેકટ છે અને તેથી ‘મિડલ કલાસ લવ’ ફિલ્મમાં તે આવી રહી છે. ‘શાદી મેં જરૂર આના’ ફિલ્મનું દિગ્દર્શન કરી ચુકેલી રત્ના સિંહાની આ બીજી ફિલ્મ છે. ‘તુમબીન’, ‘રાવન’, ‘મુલ્ક’, ‘આર્ટિકલ ૧૫’, ‘અનેક’ ના દિગ્દર્શક અનુભવ સિંહાની તે પત્ની છે.

ફિલ્મના નિર્માતા પણ અનુભવ સિંહા જ છે એટલે આ ફિલ્મ મેચ્યોરલી બની હશે. ટીનેજર્સ લવસ્ટોરીમાં ટીનેજર્સ જરૂરી હોય છે ને ફિલ્મનો હીરો પ્રીત કમાની પણ એક ‘મસ્કા’ નામની ફિલ્મ સિવાય વધારેમાં આવ્યો નથી. આ ‘મિડલ કલાસ લવ’ જરૂર છે પણ દહેરાદૂન, ઋષિકેશ, પૂણે અને મુંબઇમાં તેનું શૂટિંગ થયું છે એટલે આંખને ઠારે તેવા લોકેશન જોવા મળશે. એશા ભોપાલની છે અને ‘મિડલ કલાસ લવ’ રજૂ થઇ રહી તેથી ખૂબ ખુશ છે. તે કહે છે કે મારા માટે ફરી એકવાર પ્રેમ કહાણીમાં જ કામ કરવાનું આવ્યું છે પણ જે રીતે પટકથા છે અને દિગ્દર્શન છે તે કારણે પ્રેક્ષકોને મઝા આવશે. હમણાં ટિનેજર્સ લવસ્ટોરી બહુ આવી નથી તેથી પણ ગમશે. એશા પોતાને ફિલ્મો માટે તૈયાર કરી ચુકી છે. અને હમણાં નવી ટી.વી. સિરીયલ્સ સ્વીકારી નથી. તે કહે છે કે ફિલ્મને રજૂ થવા દો પછી હું વધારે કહી શકું. પણ ટી.વી. સિરીયલ લાંબો સમય બાંધી રાખે છે એટલે ફિલ્મો સ્વીકારવી મુશ્કેલ પડે છે. પણ અત્યારે નવી ફિલ્મ પણ સ્વીકારી નથી. જો નિર્માતાઓને હું ગમીશ તો આપોઆપ એ બનશે. •

Most Popular

To Top