Comments

“ભાગી જઈને લગ્ન કર્યા”- આ વાક્ય જ અપરિપક્વ સમાજની નિશાની છે

“આપણને આપણાં જ સંતાનો ,પુખ્ત ઉમરનાં સંતાનો પ્રેમ કરે, પ્રેમલગ્ન કરે તે સામે ભરપૂર વાંધો છે. પણ જાહેરમાં કોઈ કોઈનું ગળું કાપી નાખે ,એસીડ ફેંકે ,રખડતાં ઢોર હુમલો કરી દે તે સામે બિલકુલ વાંધો નથી. જેમ સિગારેટના બોક્સ પર લખ્યું હોય છે કે સિગારેટ પીવી તબિયત માટે હાનિકારક છે તેમ ઘણાં જ્ઞાતિમંડળો, સમાજ આગેવાનો પોતાનાં સભ્ય પરિવારોમાં લેખિત સૂચન આપવા તલપાપડ છે કે “પ્રેમ કરવો હાનિકારક છે”- એક સજ્જ્ન આવેગપૂર્વક પોતાનો મત આપી રહ્યા હતા કારણકે તેમણે સાંભળ્યું કે હવે એવો કાયદો થવાનો છે કે યુવક યુવતી સ્વેચ્છાએ લગ્ન કરે, પ્રેમલગ્ન કરે ત્યારે લગ્ન રજીસ્ટ્રેશનમાં માતા પિતાની સહી ફરજીયાત હોવી જોઈશે. પ્રેમલગ્નમાં માતા પિતાની સંમતિ ફરજીયાત કરવાની વાતો વહેતી થઇ છે. જો કે માતા પિતા સંમત જ હોય અને સંમતિ આપતા જ હોય તો યુવક યુવતી માત્ર રજીસ્ટર મેરેજ શું કામ કરે? એ પ્રશ્ન તો છે જ, પણ વાત વહે તો વિવાદ થાય.

આમ તો સત્તાવાર કશું આવ્યું નથી, પણ સત્તાસ્થાને બેઠેલી વ્યક્તિ જયારે કશું બોલે ત્યારે તે વાત સાવ નાખી દેવા જેવી પણ ના હોય. એમાં પણ સત્તા પક્ષ અને વિપક્ષના લોકો એકસરખી વાત કરે તો પ્રજાએ સાવચેત થવું જરૂરી જેમકે વિપક્ષના એક ધારાસભ્ય પણ કાયમ આ વાત કરતા ફરે છે કે “-અમે સરકારને રજૂઆત કરીશું કે પ્રેમલગ્નમાં રજીસ્ટ્રેશન સમયે માતા પિતાની સહી ફરજીયાત કરાવે” અને હવે સત્તા પક્ષના પણ એક વરિષ્ઠ નેતા આવું જ બોલ્યા છે. માટે મુદ્દો વિચારવો રહ્યો.

 ભારત એક તરફ વિશ્વની પાંચ મોટી આર્થિક વ્યવસ્થામાં સામેલ છે. આપણી રાષ્ટ્રીય આવક વધી રહી છે ત્યારે જ જાણે આપણી રાષ્ટ્રીય સમજણને લૂણો લાગી રહ્યો છે. આપણે પરમ્પરા અને સામાજિક બંધનોમાંથી ઝડપથી ફેરફાર કરી શકતા નથી. જૂની કબીલા પ્રથા જીવાડવા આપણે મથી રહ્યા છીએ. આજે પણ આપણે સ્ત્રીને વસ્તુ અને તુચ્છ ગણીએ છીએ. આપણો સ્ત્રીઓ તરફનો જ્ઞાતિઓ માટેનો ધર્મ સમ્પ્રદાય માટેનો ભેદ ઓછો નથી થતો, એ તો વધતો જાય છે.

 આમ તો ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો છે. સ્વતન્ત્રતા સંગ્રામનો મહિનો છે. વડા પ્રધાનશ્રીએ સંસદનાં પગથિયાં પર વંદન કરીને જાહેર કર્યું હતું કે ભારત બંધારણ જ આપણો ધર્મગ્રન્થ છે અને આ બંધારણના આમુખમાં જ સ્વતન્ત્રતા, સમાનતા અને બંધુત્વ માટે આપણે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે અને અહીં સ્વતન્ત્રતા એટલે નિર્ણયની સ્વતન્ત્રતા! જ્યારે ભારતનું બંધારણ પ્રત્યેક નાગરિકને વ્યક્તિ સ્વાતંત્ર્ય આપે છે ત્યારે તેને વ્યવસાય પસંદગીની સ્વતન્ત્રતા ,ધર્મ પૂજાની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જીવનસાથીની પસંદગી કરવાની સ્વતન્ત્રતા પણ આપે છે અને તે માત્ર પુરુષોને સ્વતંત્રતા નથી આપતી સ્ત્રીઓને પણ આપે છે.

 ખલીલ જિબ્રાને માતા પિતાને ઉદ્દેશી લખ્યું છે કે -“બાળકો તમારા દ્વારા આવ્યા છે.તમારા માટે નથી આવ્યાં.”માતા-પિતા આજના સમયમાં પણ સંતાનોને પોતાની પ્રોપર્ટી ગણે છે. તે માનસિકતામાંથી આપણે બહાર નીકળવાનું છે. એમનાં લગ્ન એ ખરીદ-વેચાણ વ્યવસ્થા નથી કે તમારી સંમતિ જોઈએ! અને વિરોધાભાસ તો જુવો, એક તરફ આપણે સમાન નાગરિક ધારો લાવવો છે, બીજી તરફ આપણાં જ સંતાનોને આપણી ગુલામ માનસિકતામાં કેદ કરવાં છે.વળી આવી માગ સમાજના બધા જ્ઞાતિ સમૂહ તો કરતા નથી.

કેટલાક તો વળી આવો નિયમ માત્ર છોકરીના પક્ષે જ ઈચ્છે છે. યાદ રહે કે દેશના કાયદો એક બે જ્ઞાતિ સમુદાયની ઈચ્છાથી ઘડાય નહીં અને લગ્નના રજીસ્ટ્રેશનમાં માતા પિતાની સહી ફરજીયાત હોય તો છૂટાછેડાના કેસમાં પણ ફરજીયાત કરવી જોઈએ. સૌથી અગત્યનું તો એ છે કે માતા પિતાએ સુખી અને પ્રસન્ન દામ્પત્યની ગેરંટીમાં પણ સહી કરવી જોઈએ.  જો આપણે પરિપક્વ સમાજ તરફ આગળ વધવું હોય તો એ વિચારવું પડે કે છોકરો છોકરી પસંદગીના લગ્ન કરવા માગે ત્યારે તેમણે ઘર કેમ છોડવું પડે? એમણે ભાગી જઈને લગ્ન કર્યાં. આ વાક્ય જ સભ્ય સમાજમાં શોભા નથી દેતું. આપણાં જ બાળકોએ આપણાથી જ ભાગવાનું?

 પ્રેમલગ્ન સફળ થતાં નથી, આ બધા આવેગમાં લીધેલા નિર્ણય હોય છે. છોકરીઓ ઝડપથી ફસાઈ જાય છે.આવાં બધાં વિધાનો ઉપરછલ્લાં છે. બીજું, આ વિધાનો સાચાં હોય તો પણ લગ્નમાં ફરજીયાત સંમતિ માટે યોગ્ય તર્ક આપતા નથી.ખરી વાત તો એ છે કે જો છોકરો છોકરી લગ્નનું રજીષ્ટ્રેશન કરે છે તો છોકરાની પણ જવાબદારી નક્કી થાય છે. તે દગો કરે તો કાયદેસર પગલાં લઇ શકાય છે. લગ્નની લાલચ આપી છેતરનારા રજીષ્ટ્રેશનનું નામ પડતાં ભાગી જાય. જો છોકરો કાયદેસર લગ્ન કરે છે તો તે છેતરતો નથી તેવું સાબિત થાય. આવાં ફરજીયાત સહીનાં તુત લાવશો તો ખરેખર બદમાશોને ફાયદો થશે- ‘હું તો લગ્ન કરવા તૈયાર છું, તારાં મા-બાપ માનતાં નથી’નાં બહાનાં કાઢી શકશે. છોકરીઓનું વધુ શોષણ થશે.

આવો કોઈ તુક્કો કાયદો બને એવું માંગતા હોય તેમને કેટલાક મુદ્દા પહેલેથી વિચારવા જેવા છે જેમકે એક,આમાં બન્ને પક્ષની સહી ફરજીયાત કે માત્ર છોકરી વાળાની, બે, ધારો કે છોકરી બાજુએ મા રાજી હોય અને બાપ ના પાડતા હોય તો? સહી બન્નેની કે એકની જ? ત્રણ, આ કાયદો યુવાવસ્થામાં લગ્ન કરવા માગે છે તેમને જ લાગુ પડે કે મોટી ઉમરના બે વ્યક્તિ સ્વ પસંદગી કરે ત્યારે પણ લાગુ પડે? ચાર, થોડાં વર્ષો પછી એવું પણ બને કે છોકરો છોકરી કોર્ટમાં કેસ કરે કે “અમે બન્ને રાજી ખુશીથી લગ્ન કરવા માગીએ છીએ, અમારાં માતા પિતા અમને અમારા મૂળભૂત અધિકાર ભોગવવા દેતા નથી તો તેમને સહી કરવા ફરજ પાડવામાં આવે!” જેથી અમે મારા મૌલિક અધિકારો ભોગવી શકીએ.

અરે હા, પુખ્ત ઉંમરનાં યુવક યુવતી પોતાની પસંદગીથી જીવનસાથી પસંદ કરી શકે તે બંધારણે આપેલો મૌલિક અધિકાર છે. રાજ્ય સરકાર આ અધિકાર વિરુદ્ધનો કાયદો ઘડી શકે કે કેમ તે પ્રશ્ન છે અને પ્રશ્ન તો એ પણ છે કે ગુજરાતમાં નહીં તો રાજસ્થાન સહી ..છોકરા છોકરી ભાગ્યાં જ છે તો આબુ જતાં આવીએ એવું વિચારે તો એનું શું કરવાનું? કોઈ રાજ્કવિ પોતાની કવિતા બદલી નાખે એ ઝડપે દેશમાં બંધારણે આપેલા મૂળભૂત અધિકારો બદલી શકતા નથી તે યાદ રાખવું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top