SURAT

ચોરીની એક બાઈક સુરત પોલીસને મોટા કૌભાંડ સુધી લઈ ગઈ, હકીકત જાણી ચોંકી જશો

સુરત: ઉત્રાણ પોલીસની ટીમે ચોરીની બાઈક સાથે આરોપીને પકડતા એક મોટી સફળતા હાથ લાગી હતી. આરોપીઓ આરટીઓ એજન્ટ અને ગેરેજવાલા સાથે મળીને બાઈકની બોગસ આરસી બુક બનાવડાવી વેચી દેતા હતા. પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યા હતા.

  • ઉત્રાણ પોલીસે આરોપીને પકડી પુછપરછ કરતા સમગ્ર કૌભાંડમાં ઓલપાડ, રાંદેર-અડાજણ અને નવસારીબજારનાં ઈસમો સામેલ હોવાનું બહાર આવ્યું
  • ચોરીની બાઈક સાથે આરોપીને પકડતાં તેમાંથી બોગસ આરસી બુક બનાવી વેચવાનું આખું કૌભાંડ પકડાયું

ઉત્રાણ પોલીસની ટીમને ફિરોઝ તથા બીજો મારવાડી ચોરીની બાઈક લઈને ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે ચામુંડા ચાની દુકાન પાસે ઉભા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ઉત્રાણ પીઆઈ એ.ડી.મહંતે તેમની ટીમના પીએસઆઈ એ.આર.પાટીલ તથા સર્વેલન્સ ટીમને સૂચના આપી હતી.

બાતમીના આધારે ફિરોઝખાન સલીમખાન પઠાણને તેની પાસેની બાઈક (જીજે-05-પીએફ-3359) સાથે ઝડપી પાડ્યો હતો. તેના બાઈકના ડૉક્યુમેન્ટ ચેક કરતા વાહન માલિક બાબતે પુછપરછ કરી હતી. દરમિયાન અસલ માલિકના નામઠામ વાળી આરસી બુક ડુપ્લિકેટ જણાઈ આવી હતી. આ અંગે તપાસ કરતા ચોરીની બાઈકના બોગસ આરસી બુક બનાવી તેને વેચવા માટે ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

વધુ તપાસ કરતા બાળકિશોરે મોજશોખ માટે ઉત્રાણ એન્જલ સ્ક્વેરમાંથી બાઈકની ચોરી કરી હતી. બાદમાં બાઈક વેચવા માટે ઓએલએક્સ પર મુકી હતી. જે જોઈને બાઈક ખરીદવા માટે વસીમ પટેલે સંપર્ક કર્યો હતો. વસીમે તેણે ફિરોઝખાન સલીમખાન પઠાણને વેચી હતી. આ ફિરોઝખાન પઠાણે જય ઉર્ફે જીમ્મી અછરા દ્વારા બાઈકની ડુપ્લિકેટ આરસી બુક બનાવડાવી હતી. નોપારામ ખીમચંદ્ર પઢીયાર(મારવાડી) ને ડુપ્લિકેટ આરસી બુક અસલ દર્શાવી ચોરીની બાઈકના માલિક બની વેચી હતી. બોગસ આરસી બુક બનાવવામાં જય ઉર્ફે જીમ્મી અને હિતેશની સંડોવણી છે. જેમાં હિતેશને વોન્ટેડ જાહેર કરાયો છે.

અન્ય ત્રણની ધરપકડ, આરસી બુક બનાવનાર વોન્ટેડ
ચોરીની બાઈકનું ડુપ્લિકેટ આર.સી.બુક બનાવવાનુ કૌભાંડ તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. અને આ ડુપ્લિકેટ આર.સી.બુક બનાવમાં અન્ય ત્રણને પણ પકડી પાડ્યા હતા. જ્યારે આર.સી.બુક બનાવનારને વોન્ટેડ જાહેર કરાયો છે. તેમજ તેની દુકાનેથી ડુપ્લિકેટ આર.સી.બુક બનાવવાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ચોરીની બાઈક, 3 બોગસ આરસી બુક, 5 મોબાઈલ ફોન, આરસી બુક બનાવવા માટે સ્માર્ટ કાર્ડ, ડીવીડી, બીલબુક, કટીંગ મશીન અને કોમ્પ્યુટર સિસ્ટમ સહિત 1 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

પકડાયેલા આરોપીઓ
(૧) ફિરોઝખાન સલીમખાન પઠાણ (ઉ.વ.૩૨, ધંધો-ઓટો ગેરેજ રહે.સૈયાદભાઇ શેખના મકાનમાં ભાડેથી, દિલદારનગર અસ્નાવાડ સ્કુલ પાસે, ઓલપાડ જી.સુરત), (૨) વસીમ મહંમદ પટેલ (ઉ.વ.૩૧, ધંધો ગાડી લે વેચ રહે.અડાજણ દરગાહ કંપાઉન્ડ, દીપા કોમ્પ્લેક્ષની સામે, અડાજણ પાટીયા), (૩) 15 વર્ષનો કિશોર, (૪) જય ઉર્ફે જીમ્મી વિજયભાઇ અછરા (ઉ.વ.-૩૧ ધંધો- ઓટો ગેરેજ રહે. રૂમ નં. ૫૪૮ સિંધી સમાજની વાડી સામેની ગલી, રામનગર, સિંધી કોલોની, રાંદેર), (૫) કપિલ ઇશ્વરલાલ કાપડીયા (ઉ.વ.-૪૨, ધંધો- RTO એજન્ટ રહે. ઘર નં. ૮૦૮ તક્ષશીલા એપાર્ટમેન્ટ, આનંદમહેલ રોડ, અડાજણ), (૬) અમીરસ ઉર્ફે અજય ચંન્દ્રકાંતભાઇ રાણા (ઉ.વ.-૨૮ ધંધો- લાઇન્સસ રીન્યુ છુટક કામ, રહે. રૂદરપુરા, મહાદેવશેરી, નવસારી બજાર), (૭) વોન્ટેડ આરોપી – હિતેશ ઉર્ફે બોબી હરેશભાઇ ખડુસકર

Most Popular

To Top