Vadodara

વડોદરા લીલુદરા બને તે માટે પર્યાવરણ દિવસે પ્રયાસ

વડોદરા: વડોદરા નગર સેવાસદન દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારમાં તેમજ રોડ ડિવાઈડર વચ્ચે વિવિધ પ્રકારના છોડ રોપવામાં આવ્યા હતાય. આઠ સ્થળે અર્બન ફોરેસ્ટ બનાવવા માટે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. જેમાં ત્રણ સ્થળે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.મિયાવાકી પદ્ધતિ દ્વારા કોર્પોરેશનએ આ અગાઉ પણ વિવિધ સ્થળે શહેરી વન તૈયાર કર્યા છે. વિશ્વના અનેક દેશોએ વનસ્પતિશાસ્ત્રી મિયાવાકીની આ પધ્ધતિ અપનાવી વનનિર્માણ કર્યું છે. આ પધ્ધતિથી નાના વિસ્તારમાં પણ ઝડપથી વન ઉગાડી શકાય છે. આ પધ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા વૃક્ષો વાવવામાં આવે છે.

પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં નાથીબા, હરણી તેમજ ભાયલીમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું છે. અહીં આશરે 8000 વૃક્ષ રોપવામાં આવશે. એ ઉપરાંત મોતીબાગ, મહાદેવ તળાવ, ટીપી ત્રણમાં નારાયણ સ્કૂલ પાસે શહેરી વન માટે વૃક્ષારોપણ થયું છે. વલ્લભાચાર્ય ગાર્ડનમાં પણ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. 17044 ચોરસ મીટર વિસ્તારમાં કોર્પોરેશન વધુ આઠ શહેરીવન તૈયાર કરશે. કોર્પોરેશન દ્વારા આજથી 30 જુન સુધી વૃક્ષારોપણની કામગીરી ચાલુ રહેશે. ચાર ઝોનમાં 30 કિલોમીટર વિસ્તારમાં રોડ ડિવાઇડર પર અને સાઈડમાં 21,900 છોડ તેમજ 4900 ઝાડ વાવવામાં આવશે તો કોર્પોરેશનનું આયોજન જુલાઈના એન્ડ સુધીમાં 70100 છોડ રોપવાનું છે. વિવિધ સ્થળે વૃક્ષારોપણના આજના કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓના કાર્યકરો પણ જોડાયા હતા.

Most Popular

To Top