Columns

એડવર્ડ જોસેફ સ્નોડેન અમેરિકાની પોલ ખોલનારી એક વ્યક્તિની કહાની

મારું નામ એડવર્ડ જોસેફ સ્નોડેન છે. પહેલાં હું સરકાર માટે કામ કરતો હતો પરંતુ હવે સામાન્ય લોકો માટે કરું છું. આ તફાવતને સમજવામાં મને લગભગ 3 દાયકા લાગ્યા અને જ્યારે હું આ બાબત સમજી ગયો ત્યાર પછી સરકારની ઓફિસમાં મારા માટે મુશ્કેલીઓ શરૂ થઈ. પરિણામે હવે હું સામાન્ય જનતાને એનાથી બચાવવાનો પ્રયત્ન કરું છું, જે હું હતો. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA) અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NSA)નો એક જાસૂસ. હું કોઈ એક યુવાન એન્જિનિયર જેવો હતો, જેને એવો ભ્રમ હતો કે તે દુનિયાને બહેતર તરફ લઈ જઈ રહ્યો છે.

પોતાની આત્મકથા ‘પરમેનન્ટ રેકોર્ડ’માં એડવર્ડ સ્નોડેને પોતાની ઓળખ કંઈક આ રીતે આપી છે. કોણ છે આ સ્નોડેન? આ વ્યક્તિનો પરિચય શોધવા જશો તો કંઈક આવી જ વાત સામે આવશે. CIAનો જાસૂસ, જેણે અમેરિકાના સૌથી ખતરનાક રહસ્યોનો પર્દાફાશ કર્યો હતો! જેમણે અમેરિકાના લોકોને કહ્યું કે સરકાર તેમના ફોનથી લઈને તેમના લેપટોપમાં ઘૂસણખોરી કરે છે. જેને તેમનો પોતાનો દેશ દેશદ્રોહી માને છે, જ્યારે બાકીની દુનિયામાં તેઓ જનતાના હીરો જેવા છે. જેને પણ તેના દેશમાં ભય લાગ્યો, તે રશિયા ભાગી ગયા. – અને, જેને વ્લાદિમીર પુતિને ગત 26 સપ્ટેમ્બરે રશિયાની કાયમી નાગરિકતા આપી છે.
આ છે – એડવર્ડ જોસેફ સ્નોડેન. આપણે જાણીએ એક થ્રિલર જેવી કહાની. શા માટે અમેરિકા સ્નોડેનને જીવતો કે મરેલો ઝડપી લેવા માગે છે? અને સ્નોડેનને રશિયન નાગરિકતા કેમ લેવી પડી છે? સ્નોડેનનો પરિવાર અમેરિકાના દક્ષિણ પૂર્વમાં સ્થિત નોર્થ કેરોલિનામાં રહેતો હતો. પરિવારમાં સૌથી બુઝુર્ગ હતા તેના દાદા. તેઓ ફેડરલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (FBI)માંથી નિવૃત્ત થયા હતા. પિતા કોસ્ટ ગાર્ડમાં હતા જ્યારે સ્નોડેનની માતા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીમાં કામ કરતી હતી. જ્યારે તે મોટો થયો ત્યારે તે પોતે US આર્મીમાં જોડાયો હતો.

પહેલા થોડા ફ્લેશબેકમાં જઈએ. વાત છે વર્ષ 1963ની. વિયેતનામ યુદ્ધ વેગ પકડી રહ્યું હતું. આ દરમિયાન વર્જીનિયામાં CIA હેડક્વાર્ટરમાં એક યુવકને નોકરી મળી. તેનું નામ સેમ એડમ્સ હતું. સેમનું કામ જમીન પરથી આવતી માહિતી વાંચીને રિપોર્ટ તૈયાર કરવાનું હતું. આવા લોકોને ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ કહેવામાં આવે છે. સેમે બે વર્ષ કોંગો ડેસ્ક પર કામ કર્યું, પછી તેને વિયેતનામ ડેસ્ક પર સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. તેણે દક્ષિણ વિયેતનામમાં હાજર દુશ્મનોની ગણતરી કરવાની હતી. સેમે તપાસ કરી તો સામે આવ્યું કે સાયગોનમાં અમેરિકન સેનાપતિઓ સફેદ જૂઠાણું બોલી રહ્યા હતા. તેઓ દુશ્મનનો નંબર અડધોઅડધ કહી રહ્યા હતા. આ એટલા માટે કે અમેરિકન જનતામાં વિજયનો ભ્રમ રહે. CIAમાં સેમના અધિકારીઓ પણ આ વાત જાણતા હતા પરંતુ તેને રાષ્ટ્રપતિ સુધી પહોંચવા ન દીધી. પરિણામે, વિયેતનામ યુદ્ધ આગળ વધ્યું અને જાનહાનિની સંખ્યામાં પણ વધારો થયો હતો. સેમ સત્ય બહાર લાવવા માટે એજન્સીની અંદર લડ્યા પણ કોઈ ફરક નહોતો. વિયેતનામ યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચીને સમાપ્ત થયું હતું.

સેમ એડમ્સે 1973માં એજન્સી છોડી દીધી હતી. બાદમાં તેણે વર્જીનિયામાં તેના પશુ ફાર્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેને અફસોસ એ હતો કે તે બહાર જઈને સત્ય માટે લડી શક્યો નથી. જો તેણે આમ કર્યું હોત તો વિયેતનામમાં હજારો અમેરિકન સૈનિકોના જીવ બચાવી શકાયા હોત. આ અફસોસ તેની સાથે જ જતો રહ્યો, ઓક્ટોબર 1988માં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. સેમ મૃત્યુ પામ્યા તે વર્ષે, એડવર્ડ, 6 વર્ષનો હતો. તેના જીવનનો પ્રથમ હેકિંગ કરી રહ્યો હતો. તેણે પોતાના ઘરની તમામ ઘડિયાળોનો સમય બદલી નાખ્યો, જેથી તેને ઊંઘ માટે વધુ સમય મળી શકે. એ પછી તો તેણે તેની શાળાની સિસ્ટમને હેક કરવાનું શરૂ કર્યું, તેણે અભ્યાસક્રમ સાથે પણ એવું કરવાનું શરૂ કર્યું હતું. ઓછી મહેનતે પરીક્ષા પાસ કરવાનો તેનો આશય હતો. આખરે, તેની એવું વર્તણૂકને લીધે 16 વર્ષની ઉંમરે તેણે શાળા છોડવી પડી હતી.

1990નું દશક ઈન્ટરનેટ-ક્રાંતિનું હતું. એડવર્ડ ઈન્ટરનેટનો ખાં બની ગયો હતો.તે કમ્પ્યુટરનો મિત્ર બની ગયો હતો. શાળા છોડ્યા પછી તેણે કોમ્યુનિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં તેણે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. 2004માં તે સેનામાં જોડાયો હતો. જો કે, ચાર મહિના પછી તેને ત્યાંથી પણ રજા આપવામાં આવી હતી. પછી તેણે યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના એક સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી લીધી હતી. તેની પાસે કોઈ ડિગ્રી નહોતી પરંતુ કમ્પ્યુટરના જ્ઞાને તેનો માર્ગ સરળ બનાવી દીધો હતો. 9/11ના હુમલા પછી અમેરિકન એજન્સીઓને ટેક્નોલોજીલક્ષી યુવાનોની જરૂર હતી. આ ક્રમમાં 2006માં એડવર્ડને પસંદ કરવામાં આવ્યો હતો. તેને CIAમાં કમ્પ્યુટર ટેક્નિશ્યન તરીકે નોકરી મળી હતી. અહીંથી તેની બુદ્ધિમત્તાની કારકિર્દી શરૂ થઈ હતી.

સ્નોડેન પોતાના કામમાં નિષ્ણાત હોવાથી તેણે ટૂંક સમયમાં સફળતાની સીડી ચડવાની શરૂઆત કરી હતી. 2009માં તેમણે CIAમાંથી રાજીનામું આપ્યું અને પછી તેણે NSA માટે ખાનગી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. એડવર્ડ ડેલ કંપનીનો કર્મચારી હતો પરંતુ વાસ્તવમાં તે NSA માટે કામ કરતો હતો. થોડા સમય પછી તેને જાપાન મોકલવામાં આવ્યો હતો. સ્નોડેનને એજન્સીનું વૈશ્વિક બેકઅપ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અલબત્ત, NSA હેડક્વાર્ટર ક્યારેય કોઈ કારણે કદાચ નાશ પામે, તો પણ તમામ ડેટા આ બેકઅપમાં રહે. NSAનો દાવો છે કે સ્નોડેને આ દરમિયાન ગુપ્તચર માહિતી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. જો કે, એજન્સીને લાંબા સમય બાદ આ વિશે જાણકારી મળી હતી.
2013માં સ્નોડેન હવાઈમાં NSAના રિજનલ ઓપરેશન સેન્ટરમાં કામ કરતો હતો. આ કેન્દ્ર ચીન અને ઉત્તર કોરિયા પર નજર રાખે છે. મે 2013માં તેણે મેડિકલ લીવ માટે અરજી કરી હતી. ત્યાંથી તે સીધો હોંગકોંગ ગયો. ત્યાં તેણે બ્રિટિશ અખબાર ગાર્ડિયન અને અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના તપાસકર્તા પત્રકારોને મળવા બોલાવ્યા હતા. અહીં સ્નોડેને પત્રકારોને ઇન્ટરવ્યૂ આપ્યા અને તેમની પાસેનો તમામ ડેટા આપ્યો હતો!

અખબારોએ સ્નોડેનનું નામ લીધા વિના અહેવાલો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. આ લીક્સે અમેરિકા સહિત સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું, જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા! પ્રથમ ખુલાસો જ એ હતો કે – US સરકાર તેના લાખો નાગરિકોને ટ્રેક કરી રહી હતી. લોકોની કોલ ડિટેલ્સ રેકોર્ડ કરવામાં આવી રહી હતી. તે પણ કોઈ પણ કોર્ટના વોરંટ વગર. ટેલિકોમ કંપનીઓ સરકારી એજન્સીઓ માટે એક માધ્યમ તરીકે કામ કરતી હતી. લીક પહેલાં, ગુપ્તચર એજન્સીઓ સ્પષ્ટપણે આવી દેખરેખ કરવાનો ઇનકાર કરી રહી હતી.

બીજું, એવું જાણવા મળ્યું હતું કે NSA અમેરિકન ટેક કંપનીઓ જેમ કે ગૂગલ, ફેસબુક, યાહૂ, માઈક્રોસોફ્ટ, યુટ્યુબ, એપલ અને સ્કાયપે વિશ્વભરના લોકો પાસેથી ડેટા કાઢે છે. તેમની પાસે આ કંપનીઓના સર્વર્સની ઍક્સેસ છે. આ પ્રિઝમ પ્રોગ્રામ તરીકે ઓળખાતું હતું. ધ ગાર્ડિયને ખુલાસો કર્યો હતો કે UKની એજન્સીઓ પણ આમાં સામેલ હતી.
સ્નોડેને 2013માં ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, NSAએ એવી સિસ્ટમ તૈયાર કરી છે કે કોઈ પણ વસ્તુ પર નજર રાખી શકાય. બસ તે વસ્તુ અમુક નેટવર્ક સાથે જોડાયેલ હોવી જોઈએ અને ત્રીજી વાત એ જાણવા મળી કે NSA પાસે દુનિયાભરના લગભગ દરેક વ્યક્તિનો ડેટા છે, જેણે ક્યારેય ફોન કે લેપટોપનો ઉપયોગ કર્યો હોય. આ યાદીમાં એવા દેશોના નાગરિકો હતા, જેની સાથે અમેરિકાના સારા સંબંધો હતા. એક જર્મન મેગેઝિન, ડેર સ્પીગેલે દાવો કર્યો હતો કે USAએ યુરોપિયન યુનિયનના કાર્યાલયોમાં જાસૂસી ઉપકરણો ગોઠવ્યાં છે.

અમેરિકી એજન્સીઓએ તત્કાલીન જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના ફોન કોલ્સ પણ ટ્રેક કર્યા હતા. જર્મન સરકારે આ અંગે ઓક્ટોબર 2014માં અમેરિકી રાજદૂતને બોલાવ્યા હતા. આ બધા સિવાય ઘણા દેશોના દૂતાવાસો અને લેટિન અમેરિકન સરકારો પર પણ નજર રાખવામાં આવી રહી હતી. અન્ય ઘણા ખુલાસાઓ હતા જે અખબારોએ શ્રેણીમાં પ્રકાશિત કર્યા હતા. આ બધું ચાલી રહ્યું હતું, પણ એડવર્ડ સ્નોડેનનું નામ અખબારોમાં ક્યાંય દેખાતું ન હતું પરંતુ 9 જૂન, 2013ના રોજ સ્નોડેને આગળ આવવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે જ્યારે મેં કંઈ ખોટું કર્યું નથી તો હું કેમ છુપાવું? ત્યાર બાદ ગાર્ડિયને તેનો ઈન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો. તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો – તમે વ્હિસલબ્લોઅર બનવાનું કેમ નક્કી કર્યું?

  • NSA પોતાની સિસ્ટમ દ્વારા લગભગ દરેક વસ્તુ પર નજર રાખી શકે છે. જો હું તમારી પત્નીના ફોન પર તમારા મેઇલ્સ તપાસવા માગું તો તે પણ થઈ શકે છે. હું તમારા બધા EMail, પાસવર્ડ, ફોન રેકોર્ડ, ક્રેડિટ કાર્ડ જોઈ શકું છું. હું એવા સમાજમાં રહેવા માગતો નથી જે આવી વસ્તુઓ કરે છે. હું એવી દુનિયામાં રહેવા માગતો નથી, જ્યાં બધું રેકોર્ડ કરવામાં આવે છે.
    બીજો સવાલ એવો પૂછવામાં આવ્યો હતો – તમને લાગે છે કે તમે જે કર્યું તે ગુનો છે?
  • સરકારે ગુના કર્યા છે. મારા પર આ આરોપ લગાવવો ખોટો હશે.
    ત્રીજો સવાલ – હવે તારું શું થશે?
  • કંઈ સારું તો નહીં જ થાય!
    પછી પૂછવામાં આવ્યું કે – તમે હોંગકોંગ કેમ પસંદ કર્યું?
    અખબારી સ્વતંત્રતા ન હોય એવી જગ્યાએ છુપાઈને રહેવું પડે એનાથી મોટી દુર્ઘટના એક અમેરિકન માણસ માટે શું હોઈ શકે? તેમ છતાં, સ્વતંત્રતાની દ્રષ્ટિએ હોંગકોંગ ચીન કરતાં વધુ સારું છે. અહીં મુક્ત વાણીની મજબૂત પરંપરા છે.
    આ ઈન્ટરવ્યૂ રીલિઝ થયા બાદ અમેરિકા પરેશાન થઈ ગયું હતું. તેણે સ્નોડેન પર જાસૂસી કાયદા હેઠળ કેસ ઠોકી દીધો હતો. સ્નોડેનના પ્રત્યાર્પણ માટે અમેરિકાએ અપીલ કરી હતી પણ હોંગકોંગે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, ત્યાં સુધીમાં સ્નોડેનનું હોંગકોંગમાં રહેવું જોખમી બની ગયું હતું. અમેરિકન એજન્ટો સ્નોડેન અને તેની સ્ટોરીઓ પ્રસિદ્ધ કરતાં પત્રકારોને મારી શકે છે એવી ચર્ચા હતી. ત્યાર બાદ વિકિલીક્સના શોધક જુલિયન અસાંજે દ્વારા સ્નોડેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સ્નોડેનને એક્વાડોરમાં આશ્રય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે હોંગકોંગથી મોસ્કો થઈને એક્વાડોર જવાનો હતો. સ્નોડેનનું જહાજ મોસ્કોમાં ઉતરતાની સાથે જ સમાચાર આવ્યા કે અમેરિકાએ તેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. પછી તેણે ઘણા દેશોમાં આશ્રય માગ્યો હતો, તેમાં રશિયા પણ હતું. એરપોર્ટના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ ઝોનમાં 40 દિવસ પછી રશિયાએ તેમને શરણાર્થીનો દરજ્જો આપ્યો હતો. 1 વર્ષ પછી, રશિયાએ તેને રહેઠાણ પરમિટ આપી હતી. 2017માં તેની સમયમર્યાદા વધુ 3 વર્ષ માટે લંબાવવામાં આવી હતી. 2020માં તેને કાયમી નિવાસનો અધિકાર મળ્યો હતો.
    એડવર્ડ સ્નોડેન છેલ્લા 9 વર્ષથી રશિયામાં રહે છે. તેણે અનેક પ્રસંગોએ પોતાના દેશ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક શરત સાથે, – તેની સાથે ન્યાયી ટ્રાયલ કરવામાં આવે પરંતુ તેને આ તક ક્યારેય મળી નથી. હવે તેની તકો લગભગ પૂરી થઈ ગઈ છે.
    છેલ્લે 26 સપ્ટેમ્બર, 2022ના રોજ રશિયન રાષ્ટ્રપતિ પુતિને એક વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત 75 વિદેશીઓને રશિયન નાગરિકતા આપવામાં આવી છે. આમાં એડવર્ડ સ્નોડેનનું પણ નામ છે. સ્નોડેન હવે રશિયાનો નાગરિક બની ગયો છે. જો કે, તેણે હજુ સુધી તેની USની નાગરિકતા છોડી નથી.
    રશિયન નાગરિકતા મળ્યા બાદ સ્નોડેને ટવીટ કરીને લખ્યું છે – મારા માતા-પિતાથી ઘણા વર્ષો અલગ થયા પછી, મારી પત્ની અને હું નથી ઈચ્છતા કે અમે અમારા બાળકોથી દૂર રહીએ. અમેરિકામાં સ્નોડેન પર 3 આરોપો હતા. ત્રણેય કેસમાં વધુમાં વધુ 10 વર્ષની જેલની જોગવાઈ છે એટલે કે જો સ્નોડેન અમેરિકા જાય અને તેના પર લાગેલા આરોપો સાબિત થાય તો તેને 30 વર્ષની જેલ થઈ શકે છે.
    મહત્ત્વની માહિતી લીક થયા બાદ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ NSAનો પક્ષ લીધો હતો. તેમણે કહ્યું હતું કે – અમેરિકાને બચાવવા માટે આ જરૂરી છે. ઓબામાએ એમ પણ કહ્યું હતું કે – NSAએ ક્યારેય કંઈ ખોટું કર્યું નથી. ઓબામા વહીવટીતંત્રે ઓગસ્ટ 2013માં સ્વતંત્ર પેનલની સ્થાપના કરી હતી. પેનલે સામૂહિક રેકોર્ડિંગ, વિદેશી નેતાઓની દેખરેખ અને ગુપ્તચર કાર્યક્રમોનું વધુ સારું સંચાલન સૂચવ્યું હતું. ઘણા સૂચનો અમલમાં મૂક્યા હતા. કેટલાક અમેરિકી સંસદમાં પહોંચ્યા હતા. તેના પર કાયદો બનાવવા માટે ચર્ચા શરૂ થઈ હતી. ઓબામાના કાર્યકાળના અંતે સ્નોડેનને માફીની માગ પણ તેજ થઈ હતી પરંતુ આ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો.
    બે અખબારો, ધ ગાર્ડિયન અને વોશિંગ્ટન પોસ્ટ, જેમણે પ્રથમ વખત સ્નોડેન દ્વારા લીક કરેલા દસ્તાવેજો પ્રકાશિત કર્યા હતા, તેમને 2014 માં પુલિત્ઝર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
    આ બધાની વચ્ચે એડવર્ડ સ્નોડેનના વારસા વિશે ચર્ચાનો દોર ચાલુ રહ્યો છે. આજે પણ ચાલે છે. એક વર્ગ સ્નોડેનને ફ્રીડમ ઓફ સ્પીચના હીરો તરીકે જુએ છે. અન્ય જૂથનું કહેવું છે કે સ્નોડેન રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે રમત રમ્યો હતો. તેના કારણે અમેરિકાની સુરક્ષાવ્યવસ્થા નબળી પડી હતી. એવો પણ આરોપ છે કે સ્નોડેને અમેરિકાની ગુપ્ત માહિતી રશિયાને શેર કરી છે એટલે જ તેને ત્યાં આશરો મળ્યો છે. સ્નોડેન અને પુતિન બંને આ વાતને નકારે છે.

Most Popular

To Top