‘શિક્ષણ અભડાઈ રહ્યું છે’

શિક્ષણમાં રાજકારણની દખલગીરી, આજકાલ સરકારને ભાવતુ પડ્યુ છે. સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોનો ઉપયોગ જાણે કે, ઉદ્દીપક તરીકે થાય છે. આ પ્રથા અત્યારની સરકારે પાડી છે. શિક્ષકની ગરિમાને રીતસર ખતમ કરી દેવાનું જાણે ષડયંત્ર રચવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષકોને સરકાર ક્લાસરૂમમાં રહેવા દેતી જ નથી. રોજ સૂર્યોદયની સાથે અવનવા પરિપત્રો અને તેના અમલમાં શિક્ષકસમાજને ફરજિયાત જોતરવાના આદેશ કરવામાં આવે છે. સરકારી કાર્યક્રમો ઉપરાંત બહારની પ્રવૃત્તિઓનાં કારણે શિક્ષક વર્ગખંડમાં પૂરતું ધ્યાન આપી શકતો નથી. ક્યારેક તો આવા કામોની એ હદે અતિરેક કરવામાં આવે છે કે માત્ર શિક્ષણ વિભાગમાં કાર્ય કરતા કર્મચારીઓ જ સરકારી પગાર લે છે.

બીજા કોઈ છે જ નહીં? યોગ્ય સૂચન, માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વિના જ દરેક કાર્યને ફરજિયાત કરવાનું. એ કામોમાં કેટલા માનવકલાકો બગડે તે નક્કી નહીં આમ તો શિક્ષણની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવી એ સરકારની ફરજ છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં કરવામાં આવતા પ્રયોગો તથા શિક્ષકોને અન્ય કાર્યોમાં જોતરી રાખવાની નીતિ પાછળ કંઈક તો વિચાર નહીં હોય ને કે વિદ્યાર્થી અને સમાજ સરકારી શાળાથી વિમુખ થાય. જેનાં કારણે સરકારી શાળા બંધ થાય. અને સરકાર પોતાની મૂળભૂત ફરજમાંથી મુક્ત થતી જાય! વળી શિક્ષણની ગુણવત્તાનો દોષનો ટોપલો શિક્ષકનાં માથે જ ઢોળાય. કડવી પણ વાસ્તવિક વાત છે. શિક્ષકો અને શિક્ષણ સાથે ખિલવાડનાં મુદ્દે સરકાર પોતાનો ચહેરો અરીસામાં જૂએ!?
બામણિયા        – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts