National

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને PMLA ખનન કેસમાં ઇડીનું તેડું

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી (ED) એ ઝારખંડ(Jharkhand)ના મુખ્યમંત્રી(CM) હેમંત સોરેન(Hemant soren)ને સમન્સ પાઠવ્યું છે. આ સમન પીએમએલએ|(PMLA)ના કેસમાં ગેરકાયદેસર ખનનને લઈને મોકલવામાં આવ્યું છે. હેમંત સોરેનને આવતીકાલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ED આ કેસમાં સોરેનના સહયોગી પંકજ મિશ્રાની ધરપકડ કરી ચૂકી છે. તપાસ એજન્સીએ 8 જુલાઈના રોજ ઝારખંડમાં સોરેનના સહયોગી પંકજ મિશ્રા અને તેના બિઝનેસ સહયોગીઓ સાથે જોડાયેલા 18 સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.

હેમંત સોરેનને સમન્સ મોકલવાનું કારણ?
સાહિબગંજમાં દરોડા દરમિયાન EDને પંકજ મિશ્રાના ઘરેથી એક પરબિડીયું મળી આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ એન્વલપમાં મુખ્યમંત્રીના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલ ચેકબુક હતી. જેમાં બે ચેક પર સહી પણ કરવામાં આવી હતી. આ સિવાય પ્રેમ પ્રકાશના ઘરેથી મુખ્યમંત્રી નિવાસની સુરક્ષા માટે તૈનાત જવાનોને ફાળવવામાં આવેલી બે AK-47 અને 60 બુલેટ પણ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. તે જ સમયે, પંકજ મિશ્રાને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન, EDને અધિકારીઓ સાથે ફોન પર વાત કરવા અને મુખ્યમંત્રીના નામ પર તેમને ધમકાવવાના પુરાવા પણ મળ્યા છે. EDને એવા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે પંકજ મિસ્ત્રી અને તેના સહયોગીઓ ગેરકાયદેસર માઇનિંગના મામલામાં મુખ્યમંત્રીના નામ પર જિલ્લા અધિકારીઓને ડરાવી-ધમકાવતા હતા.

ગેરકાયદેસર ખાણકામનો કેસ
EDએ આ વર્ષે માર્ચમાં પંકજ મિશ્રા અને અન્ય લોકો વિરુદ્ધ PMLA ફરિયાદ દાખલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ “ગેરકાયદેસર રીતે તેમની તરફેણમાં મોટી સંપત્તિ મેળવી છે.” આ પછી, ઇડીએ દરોડા પાડ્યા અને મિશ્રાના 37 બેંક ખાતાઓમાં જમા કરાયેલા 11.88 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા. સરકારી એજન્સીએ 5.34 કરોડ રૂપિયાની “બિનહિસાબી ચલણ” પણ જપ્ત કરી હતી. EDએ દાવો કર્યો હતો કે આ નાણાં ઝારખંડમાં ગેરકાયદેસર ખાણકામ સાથે સંબંધિત છે. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે ચાલતા પાંચ સ્ટોન ક્રશર અને એટલી જ સંખ્યામાં ગેરકાયદેસર બંદૂકના કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા.

અગાઉ ૩ લોકોની કરી હતી ધરપકડ
અગાઉ, તપાસ એજન્સી EDએ 19 જુલાઈ 2022ના રોજ પંકજ મિશ્રાની, 4 ઓગસ્ટે બચ્ચુ યાદવ અને 25 ઓગસ્ટે પ્રેમ પ્રકાશની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. ઇડીએ ઝારખંડના સાહેબગંજ જિલ્લાના બરહરવા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ પંકજ મિશ્રા અને અન્યો સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. બાદમાં, IPC, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલ ગેરકાયદેસર ખાણકામના સંદર્ભમાં ઘણી એફઆઈઆર પણ સુનિશ્ચિત ગુનાઓના દાયરામાં લેવામાં આવી છે.

Most Popular

To Top