Top News

જાપાનમાં શક્તિશાળી ભૂકંપના કારણે તારાજી: બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી, 2 લાખ ઘરોમાં અંધારપટ છવાયો

ટોકિયો: જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભૂકંપના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે 88 લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જાપાનના હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી છે. આ વખતે ભૂકંપ સામાન્ય કરતાં વધુ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. રાત્રે 8.06 વાગ્યે (જાપાનમાં 11.30) આવેલા ભૂકંપનું કેન્દ્ર ટોક્યોથી 297 કિમી ઉત્તર-પશ્ચિમમાં હોવાનું નોંધાયું હતું.

જાપાનમાં બુધવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે ભારે વિનાશ થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 જણાવવામાં આવી છે. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને 88 લોકો ઘાયલ થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બુધવારે રાત્રે લગભગ 8.06 વાગ્યે જાપાનના ટોક્યોથી 297 કિમી ઉત્તરપૂર્વમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ બાદ સુનામીની ચેતવણી
જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી 60 કિલોમીટરની ઉંડાઈએ હતું. જાપાનના મિયાગી અને ફુકુશિમા પ્રાંતમાં સૌથી વધુ આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અહી સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક ભાગોમાં એક મીટરના મોજાં આવવાની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. જેથી બંને પ્રાંતોમાં લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ઉત્તરપૂર્વ કિનારો જાપાનમાં ઉચ્ચ-તીવ્રતાના ધરતીકંપ નવા નથી, કારણ કે દેશ પ્રશાંત મહાસાગરમાં રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. ફુકુશિમામાં જ ભૂકંપના કારણે બે લોકોના મોત થયા છે.

બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી, કોઈને ઈજા નહિ
જાપાનની બુલેટ ટ્રેન ઓપરેટર કંપનીના જણાવ્યા અનુસાર તોહોકુમાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તે સમયે ટ્રેનમાં 100 મુસાફરો હતા. જોકે, તેમાંથી કોઈને ઈજા થઈ ન હતી. જાપાનની ઈસ્ટ નિપ્પોન કંપનીના જણાવ્યા અનુસાર ઘણા એક્સપ્રેસ વેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં ઓસાકીમાં તોહોકુ એક્સપ્રેસવે, મિયાગી પ્રીફેક્ચરમાં જેબાન એક્સપ્રેસવે અને સોમા, ફુકુશિમાનો સમાવેશ થાય છે.

લોકોને 2011નાં ભૂકંપની યાદ અપાવી
ભૂકંપના આંચકા બાદ જાપાનની રાજધાની ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. AFPએ ટોક્યો ઈલેક્ટ્રીક પાવર કંપનીને ટાંકીને જણાવ્યું હતું કે જાપાનમાં આવેલા ભૂકંપ બાદ ટોક્યો અંધકારમાં ડૂબી ગયું હતું. ભૂકંપના આ આંચકાઓએ જાપાનના લોકોને 2011ની યાદ અપાવી દીધી. 11 માર્ચ, 2011 એ જાપાન માટે અભૂતપૂર્વ અકસ્માતનો દિવસ હતો. આ દિવસે ઉત્તરપૂર્વ જાપાનના દરિયાકાંઠે 9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામી આવી હતી જેમાં હજારો લોકો માર્યા ગયા હતા તેમજ ભારે નુકસાન થયું હતું. આજે પણ જાપાન આ અકસ્માતમાંથી બહાર આવી શક્યું નથી. આ ભૂકંપના આફ્ટરશોક્સમાં 18 હજાર લોકોના મોત થયા હતા.

Most Popular

To Top