SURAT

ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે ઉકાઈ ડેમમાંથી ફરી આટલું પાણી છોડાયું

સુરતઃ સુરત (Surat)શહેર જિલ્લામાં તથા ઉપરવાસમાં વરસાદે(Rain) છેલ્લા ત્રણેક દિવસથી ફરી રમઝટ જમાવી છે. શહેરમાં તો છુટા છવાયા વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને ફરી હરિયાળી પણ ફેલાઈ છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમ(Ukai Dam)માં આજે બે લાખ કયુસેક પાણી(Water)ની આવક થઈ હતી. જેની સામે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા 97 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું છે.

હજુ 3 દિવસ વરસાદ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓરિસ્સા તરફથી લો પ્રેશર સિસ્ટમ મુવ થઈને દક્ષિણ ગુજરાત તરફ આવતા ફરી ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આગામી બે-ત્રણ દિવસ આ માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. શહેર અને જિલ્લામાં આવેલા કામરેજ તાલુકામાં 7 મીમી, પલસાણામાં 3 મીમી, મહુવામાં 4 મીમી, માંગરોળમાં 3 મીમી, માંડવીમાં 13 મીમી અને સુરત શહેરમાં 9 મીમી વરસાદ આજે સવારથી નોંધાયો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.

હથનુર અને પ્રકાશા ડેમ છલકાયા
છેલ્લા 24 કલાકમાં પણ ધોધમાર વરસાદને પગલે હથનુર અને પ્રકાશા ડેમ છલોછલ ભરાઈ ગયા છે. જેને કારણે હથનુર ડેમમાંથી 16 ગેટ અઢી મીટર ખોલીને 93 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રકાશના બાર ગેટ પૂરેપૂરા ખોલીને 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનો મોટો જથ્થો ઉકાઈ ડેમમાં આવતા ઉકાઈ ડેમમાં આજે સવારે 2.02 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જેની સામે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઇ ડેમમાંથી 97 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 8 ગેટ પાંચ ફૂટ ખોલી દેવાયા છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી સવારે 340.59 ફૂટ નોંધાઈ હતી. ડેમનું રૂલ લેવલ 340 ફુટ છે એટલે કે ડેમ હાલ રૂલ લેવલ કરતા વધારે ચાલી રહ્યો છે. આગામી 16મી સપ્ટેમ્બરથી રૂલ લેવલ 340 ને બદલે 345 ફૂટ રહેશે.

ઉપરવાસમાં નોંધાયેલો વરસાદ
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઈનગેજ સ્ટેશનોમાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયો હતો. ટેસ્કામાં 13.20 મીમી, ચીકલધરામાં 15.80 મીમી, ગોપાલખેડામાં 12.40 મીમી, ધુલિયામાં 25.40 મીમી, સાવખેડામાં 22.20 મીમી, સાગબારામાં 62 મીમી, નિઝામપુરમાં 10.40 મીમી અને ખેતીયામાં 37 મીમી વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top