Comments

ડ્રગ્સ અને હથિયારોઃ સામી ચૂંટણીએ ગુજરાતની ‘કથા’માં નવી ‘રામાયણ’

આગામી ડિસેમ્બર 2022 માં ડ્યુ છે એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની અટકળો અને ચાલતી ગોઠવણોએ હમણાં નવો વળાંક લીધો છે. ગુજરાતમાં નવું દિલ્હી ભાળી ગયેલા આમઆદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે વહેલી ચૂંટણી આવશે ને ભાજપ ગુજરાત વિધાનસભાનું વહેલું વિસર્જન કરીને ચૂંટણી લાવવા માગે છે એવા પ્રકારનું તાજેતરમાં ટ્વિટ કરીને પથરો ફેંકતાં રાજકીય પાણીમાં વમળો જરૂર સર્જાયાં છે. ગુજરાત માટે કોંગ્રેસને જેટલી ઉતાવળ નથી એટલી ઉતાવળ કેજરીવાલને ચડેલી છે. પહેલાં અમદાવાદ અને ભરૂચ પછી હવે આગામી બુધવારે કેજરીવાલ રેલી કરવા રાજકોટ આવી રહ્યા છે. કેજરીવાલની પાર્ટી ગુજરાતમાં પોતાને કોંગ્રેસ કરતાં આગળ માની રહી છે. એટલે જ કદાચ પોતાના કાર્યકરોને એ વિવિધ પ્રોગ્રામ માટે ભાજપ કાર્યાલયોની સામે ધરણાં-દેખાવો-ઘેરાવ કરવા મોકલવા લાગી છે.

સામે ભાજપ કદાચ કેજરીવાલની પાર્ટીથી ગભરાયેલો હોય કે ગમે તેમ, પણ સુરતવાળી (મારામારી) કરવા સુધીની ઉગ્રતા દાખવવા લાગ્યો છે. ભાજપને ગભરાટ જરૂર છે જ, કારણ કે એના મહેનતુ પ્રદેશપ્રમુખ સહિતનું આખું યે સંગઠન ભલે ગમે તેટલી મહત્ત્વાકાંક્ષાઓ અને આયોજનો સાથે ચૂંટણીમેદાનમાં ઝંપલાવવા માગતું હોય, પરંતુ સાચી વાત એ લાગે છે કે ગુજરાતમાં ભાજપને આમઆદમી પાર્ટી કે કોંગ્રેસનો એટલો ડર નથી, જેટલો ઘરના ઘાતકીઓનો ડર છે. નો રિપીટની થિયરી જ્યારથી લાદવામાં આવી છે ત્યારથી પાર્ટીની અંદરનો અસંતોષ વધતો ચાલ્યો છે.

જેમને કાપવામાં આવ્યા છે, કાપવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં જેઓ કપાવાના છે, તેઓ સઘળા એમ કંઇ સખણા થોડા બેસવાના છે! પોતાના રાજકીય ભાવિ ખાતર પોતે તો સ્વર્ગવાસી થતાં શું થશે, પણ આવા અસંતુષ્ટો કંઇકને વિધવા બનાવીને -વૈધવ્ય આણીને જંપશે. છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતમાં જે પ્રકારનું રાજકીય કલ્ચર પેદા થયેલું છે, તેનામાં ટોલરન્સ એટલે કે સહિષ્ણુતાનો છાંટો જ નથી. જરા સરખો વાંધોવિરોધ થાય કે ટાંટિયા તોડી નાખવા પર જ લોકો ઉતરી આવે છે. જે રીતનો કટ્ટર માહોલ પેદા થઇ રહ્યો છે, તે જોતાં લાગે છે કે વિધાનસભાની ચૂંટણી વખતે તો શું નું શું યે થશે !  દરમિયાનમાં ગુજરાતમાં જે ડ્રગ કલ્ચર અને ગન કલ્ચર પેદા થવા બેઠું છે તે જોતાં લાગે છે કે સ્થિતિ ક્યાં જઇને અટકશે? કચ્છ અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે તો ખુલ્લેઆમ ડ્રગનાં કન્સાઇન્મેન્ટ ઉતરી રહ્યાં છે!

ગૃહ રાજ્યમંત્રીની ભાષામાં કહીએ તો ખબરીઓના મહેનતાણામાં વધારો કરી દેવાયો હોવાથી થોકબંધ નશીલી ચીજો પકડાવા લાગી છે, તો એનો અર્થ એ થયો ને કે અત્યાર સુધીમાં તો કેટકેટલું પગ કરી ગયું હશે! પોલીસ તો ઠીક પણ તંત્ર શું કરતું હતું? દરિયાકાંઠાના જ નહીં, સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાંથી પણ ડ્રગ-પાવડર પકડાવા લાગ્યા છે. કચ્છમાંથી પકડાતા ડ્રગનાં પગેરાં પંજાબ સુધી લંબાયાં છે. આમાં કોણે ખુશ થવું? કેજરીવાલે? ભાજપે કે કોંગ્રેસે? ડ્રગનું જેવું છે એવું હથિયારોનું છે. દેશી બનાવટનાં પિસ્તોલ કે તમંચા જેવાં હથિયારો મધ્યપ્રદેશથી જંગી પ્રમાણમાં સપ્લાય થઇ રહ્યાં છે. સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં આવા દેશી તમંચા વેચવાના ષડયંત્રનો ગુજરાત પોલીસની ત્રાસવાદવિરોધી ટુકડીએ પર્દાફાશ કર્યો છે.

આ તો એક જ સેઇઝર છે, આવું તો બીજે ઘણું ચાલતું હશે. ચૂંટણી વર્ષે આવાં હથિયારોની હેરાફેરી થવી એ ચિંતાનો વિષય છે. એ જોતાં વિધાનસભાની 2022 ની ચૂંટણી 2012 કે 2017 જેવી તો નહીં જ હોય. જો કે અત્યારની જેવી મોંઘવારી પણ અગાઉનાં વર્ષોમાં ક્યાં હતી। ભાવવધારાએ ભલભલાની બેવડ વાળી નાખી છે. ચૂંટણીમાં ભાજપને મોંઘવારીનો મુદ્દો નડ્યા વિના રહેવાનો તથી. એન્ટિઇન્કમ્બન્સીને પણ એ બુઠ્ઠી કરવાની ગમે તેટલી કોશિશ કરે, પણ ચૂંટણીમાં એ સામે આવીને જ ઊભી રહેશે. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની સામેનાં ભયસ્થાનોના સંદર્ભે આગળ જોઇએ તો બાકી રહી વાત ભ્રષ્ટાચારની.

કોઇ કરતાં કોઇ એવું કહી શકે એવી સ્થિતિમાં નથી કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર બહુ પરેશાન કરી રહ્યો છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને હટાવવાના સૂત્રને લઇને એક સમયે ભાજપ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો હતો, પરંતુ સરકારી તંત્રની ભ્રષ્ટાચારની ભૂખ વધતી જાય છે. તેને કારણે પ્રજામાનસ ભયથી કાંપી રહ્યું છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ભેગો હવે તો ભાવવધારો પણ ભળ્યો છે. લોકો બાપડા જાય તો જાય ક્યાં!

   જવાની વાત આવે, ક્યાંક જવાની વાત આવે એટલે ગુજરાતની રાજકીય ક્ષિતિજે બે નામો આજકાલ સપાટી પર આવે છે. એક છે, નરેશભાઇ પટેલ અને બીજા હાર્દિક પટેલ. નરેશભાઇએ કોંગ્રેસમાં (જ) જવું છે, પણ એમના મિત્ર પ્રશાન્ત કિશોરનું કોકડું ગૂચવાતાં બધું અટકીને પડેલું છે. તેઓ જ્યાં જાય ત્યાં લોકો એમને પૂછી પૂછીને થકવી નાખે છે કે પટેલ તમે કઇ પાર્ટીમાં જાવાના? હમણાં જામનગરમાં મૂળ કોંગ્રેસી અને બાદમાં ભાજપમાં જોડાઇ, મંત્રી થઇને નો રિપીટમાં કપાયેલા હકુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ જામનગરમાં યોજેલી પૂજ્ય ભાઇની શ્રીમદ્ ભાગવત કથાને લઇને જબરી રાજકીય રામાયણ થયેલી છે. નરેશભાઇ પટેલ હમણાં હમણાં ચારેક વાર આ કથામાં જઇ આવ્યા. દરેક વખતે નવા નવા રાજકીય નેતાઓ એમની સાથે મંચ પર ભેગા થઇ જાય છે ને  આલમમાં નરેશભાઇના રાજકીય પ્રવેશને લઇને નવાં ગતકડાં ઊઠે છે.હાલના ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, અલ્પેશ પટેલ, ધારાસભ્ય વલ્લભ કાકડિયા, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર, સાંસદ પૂનમબહેન માડમ વગેરે નેતાઓ સાથે નરેશભાઇ પટેલ જુદા જુદા સમયે એક મંચ પર દેખાતાં નરેશભાઇના ભાજપપ્રવેશની હવા શરૂ થઇ.

તેમાં હાર્દિક પટેલ પણ આ ભાગવત કથાના મંચ પર દેખાયા. હાર્દિકે તો કોંગ્રેસનાં ચિહ્નોને શરીર પર ઓઢવાનું તો ઠીક પોતાના સોશ્યલ મીડિયામાં પણ એને ક્યાંય ઓઢાડવાનું હમણાં હમણાંથી છોડી દીધું હોઇ, એમને માટે પણ અનેક અટકળો થઇ રહી છે. પ્રશાન્ત કિશોરનું સુરસુરિયું થઇ જતાં કંઇકના વ્યૂહ ઊંધા વળી ગયેલા છે. હવે તો પ્રશાન્ત કિશોર એમની નવી સ્ટ્રેટેજીના ભાગ રૂપે ત્રણ મહિના સુધી દેશમાં પ્રવાસ કરે ને પછી કંઇક એમના મનમાં બેસે ને કંઇક નિર્ણય કરે ત્યારે કંઇક થાય. ત્યાં સુધી તો નરેશભાઇ જેવા સ્ટેટસ્કો જ રહેવાના ને! બાકી ભાજપના પેલા રાષ્ટ્રીય પ્રભારી અને કર્ણાટકના હાર્ડલાઇનર પ્રચારક એવા બોમ્મારાબેટ્ટુ લક્ષ્મીજનાર્દન (બી. એલ.) સંતોષ આજકાલ ગુજરાતમાં આવીને હેતુપૂણ મીટિંગોમાં વ્યસ્ત છે.

કહે છે કે ભાજપ (મોદી) દ્વારા તાજેતરમાં કરાયેલા ખુફિયા સર્વેક્ષણમાં રાજ્યમાં ભાજપને માંડ 86 બેઠકો મળે એવા હાલ હોવાનું બહાર આવ્યું છે તે જોતાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજવી ને કેવી સ્ટ્રેટેજી રાખવી એનાં એસેસમેન્ટ બીએલ સંતોષ લઇ રહ્યા છે. આ એ જ સંતોષ છે, જેમના રિપોર્ટને પગલે વિજયભાઇ રૂપાણીની આખીયે સરકારને બદલીને ભૂપેન્દ્રભાઇ પટેલની નવી નક્કોર સરકારને રાતોરાત ગાદીએ બેસાડી દેવાઇ. વાવડ તો એવા છે કે આ બીએલ સંતોષ ગુજરાત ભાજપથી જોઇએ એવા ને એટલા સંતુષ્ટ તો નથી જ નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top