Gujarat Main

દુષ્કાળના ડાકલા, ઓગસ્ટ પૂરો થવા આવ્યો છતાં રાજયમાં 47 ટકા વરસાદની ઘટ

ચાલુ ઓગસ્ટ માસ પણ લગભગ વરસાદ વગર જ પસાર થઈ રહ્યો છે. બીજી તરફ આજે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોએ સરકાર સમક્ષ પાણી માટે પોકાર લગાવી છે. કારણ કે ખેતી માટે જોઈએ તેટલો વરસાદ વરસતો નથી, જયારે આખા વર્ષ માટે પીવાના પાણીની તંગી ના પડે તે માટે પીવાના પાણીનો જથ્થો યથાવત રાખીને ખેતીને પાણી અપાઈ રહયું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત દુષ્કાળના ડાકલા વાગી રહયા છે. ખેડૂતોનો ઊભો પાક બળી રહ્યો છે.

આજે હવામા વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસ માટે સારા વરસાદના અણસાર નથી. તે પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. ચોમાસાની મોસમ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય છે એટલે ચોમાસાની માોસમને હવે 37થી 40 દિવસ જ બાકી રહ્યાં છે. રાજયમાં હાલમાં 47 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધીમાં 42 ટકા જ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કચ્છમાં 31.74 ટકા , ઉત્તર ગુજરાતમાં 31.98 ટકા , મધ્ય- પૂર્વમાં 37.93 ટકા , સૌરાષ્ટ્રમાં 37.05 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 41.71 ટકા વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 32 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. જેમાં ભાવનગરના જેસરમાં સવા એક ઈંચ જેટલો વરસાદ થયો હતો. આજે સાંજ સુધીમાં ઉમરપાડામાં 17 મીમી વરસાદ થયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને આજે વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના અઘિકારીએ જણાવ્યુ હતું કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે જો કે આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના રહેલી છે.

કૃષિ વિભાગના અધિકારીએ બેઠકમાં કહ્યું હતું કે, ચાલુ વર્ષે તા. તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૦.૦૬ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૦.૬૪ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૩.૫૯ ટકા વાવેતર થયુ છે.જો કે સૌરાષ્ટ્ર અે ઉત્તર ગુજરાતમાં વરસાદની ખેંચના કારણે આ પાક પૈકી મોટાભાગનો પાક બળી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Most Popular

To Top