Charchapatra

મોટા ઉદ્યોગોને રજા ન આપો

કાશ્મીર એ પૃથ્વીના સ્વર્ગ તરીકે પંકાયેલું છે. જેણે-જેણે કાશ્મીરનાં ગુલમર્ગ અને સોનમર્ગની મુલાકાત લીધી છે એમને ખરે જ સ્વર્ગ જેવો અનુભવ થતો માલુમ પડ્યો છે. ભારતના નકશામાં કાશ્મીર માથાની પાઘડી જેવું દેખાય છે. પણ સાથે સાથે, આઝાદીકાળથી પાડોશી પાકિસ્તાન, એનો હક કાશ્મીરમાં હોય એ રીતે દુશ્મનની જેમ આપણી સાથે વહેવાર કરતું રહ્યું છે. પાકિસ્તાને, કાશ્મીરમાં આતંકવાદને ખૂબ જ ભડકાવ્યો છે.

અનેક નાગરિકો અને સૈનિકોને એ કારણે મોત વહાલું કરવું પડ્યું છે. કાશ્મીરમાંની નડતરરૂપ 370 અને 35A કલમોને 2019માં ભાજપ સરકારે સમાપ્ત કરી દીધી છે. એટલે હવે કાશ્મીરમાં ભારતનાં અન્ય રાજ્યોનાં લોકો ત્યાં જમીન ખરીદી શકે છે. ઉદ્યોગો સ્થાપિત કરી શકે છે તથા ખેતીવાડી પણ કરી શકે છે. આ સબબ સરકારે એક ખાસ કાળજી એ રાખવાની છે કે, અંબાણી તથા અદાણી જેવા મોટા ગૃહઉદ્યોગોને કાશ્મીરમાં મહાકાય ઉદ્યોગો શરૂ કરવા માટે પરવાનગી આપવી હિતાવહ નથી. કારણકે મોટા ઉદ્યોગોથી કાશ્મીરનું પર્યાવરણ બગડી શકે છે.

સરવાળે, કાશ્મીરના પહાડોનો બરફ પીગળી શકે છે અને ઝાડવાં સુકાઈ જઈ શકે છે. માટે કરીને કાશ્મીરની જે સુંદરતા છે એને નુકસાન ના થાય એવા ગૃહ ઉદ્યોગો તથા કૂટિર ઉદ્યોગો ત્યાં ચાલુ કરવા જોઈએ. જેથી ત્યાંની પ્રજાને કામ ધંધો પણ મળી રહે. કાશ્મીરમાં ઉચ્ચ શિક્ષણ, ઘર આંગણે મળી રહે એ માટે વધુ મેડિકલ કોલેજો, આઈ.આઈ.એમ. તથા આઈ.આઈ.ટી. જેવી ઉચ્ચ કક્ષાની સંસ્થાઓ શરૂ કરવી જોઈએ. કુદરતે કાશ્મીરમાં જે છૂટે હાથે સુંદરતા વેરી છે, એનું જતન થવું જ રહ્યું. માટે મહાકાય ઉદ્યોગોને કાશ્મીરમાં ઘૂસવા દેવા જોઈએ નહિં જ. એમ નહિ થાય તો કાશ્મીર લાંબે ગાળે રેગિસ્તાન થઈ શકે છે.
સુરત     – બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top