Columns

ન રંગ ન રૂપ, બસ એક સ્મિત!

તન્મયે ફરી એક વાર છોકરી સામે જોયું, ન રંગ ન રૂપ અને ઉપરથી સોડા બાટલીના તળિયા જેવા જાડા કાચના ચશ્મા. તન્મયે વિવશતાથી પોતાના પપ્પા સામે જોયું તો એમણે ડોળા કાઢયા એટલે પરાણે ચહેરા પર એ સ્મિત પહેરીને બેઠો. પપ્પા તો છોકરીના પપ્પા યોગેશભાઈ જોડે જાણે વેવાઈ બની ગયા હોય તેમ તડાકા મારતા હતા. છેલ્લા અઠવાડિયાથી નલિનભાઈ પાછળ પડ્યા હતા. ‘તન્મય છોકરી જોવા જવાનું છે!’ પરંતુ છોકરીનો બાયોડેટા જોઈને તન્મય રોજ બહાના કાઢતો હતો, ‘ના, પપ્પા મારી પાસે ટાઈમ નથી.’

છોકરીનું નામ ઝલક, BBA સુધીનો સ્ટડી અને હોબીમાં ગાવું અને ફરવું. બાયોડેટામાં રહેલો ફોટો જોઈને બીજી વાર જોવાનું મન ન થાય તેવો દેખાવ. નલિનભાઈ એના હિચકિચાટનું કારણ જાણી ગયા. ‘જો બેટા…માત્ર દેખાવ જોઈને ન પરણી જવાય. નથી આપણી પાસે એવી મિલકત કે નથી એવી તારી નોકરી કે તને સારી છોકરી મળે.’ ‘પણ પપ્પા મારે ક્યાં આલિયા જેવી જોઈએ છે? પણ બાજુમાં ઊભી રહે તેવી તો જોઈએ ને!’ તન્મયની દલીલ ખોટી ન હતી. તન્મયનો એવરેજ દેખાવ એને બહુ સુંદર નહીં પરંતુ ઠીકઠાક છોકરી ચોક્કસ મળે તેવો છે.

‘જો બેટા….છોકરી સુશીલ અને સંસ્કારી છે….સાત પેઢી ઘરે બેસીને ખાય એટલા પૈસા છે. પૈસા કરતાં પણ ખાનદાન કુટુંબ એટલે એવું નહીં બને કે કાલે ઊઠીને તને ઘર જમાઈ બનાવી દે અને હું અને તારી મમ્મી એકલાં પડી જઈએ. છોકરી બધામાં ભળી જાય તેવી છે. હું અને તારી મમ્મી જોઈ આવ્યા છીએ. અમને ગમી એટલે તને કહું છું કે એક વાર જોઈ લે!
તન્મયના ચહેરા પરનો દબાવી રાખેલો અણગમો કોઈ પારખુ નજરને દેખાઈ તેમ છોકરીને દેખાઈ ગયો હતો. કદાચ એ નલિનભાઈ જાણી ગયા હતા એટલે પોતાનો દીકરો સાવ છેલ્લે પાટલે બેસી જાય એ પહેલાં કન્યા સાથે વાતચીત કરી લે અને કન્યા કહેવા મુજબ સુશીલ અને સંસ્કારી હોય તો કદાચ બહુ કકળતા મને લગ્ન કરવાની તન્મય ના નહીં પાડે. જો અને તો નો જુગાડ કરવાનો છે પણ પોતાના પરિવારનો 3 પેઢીનો હિસાબ જોતાં આવું પાત્ર મળે તો ફટ કરતાં કરી નંખાય. આખી જિંદંગી બે છેડા ભેગા કરવામાં ગઈ છે. નથી કોઈ દિવસ મોજશોખ કર્યા કે નથી કદી હર્યાફર્યા. લારી પર ચા પીતાં બે વાર વિચાર કરવો પડે અને આ લોકો તો ગાડી વિના પગ ઘર બહાર મૂકતા નથી.

નલિનભાઈના ઈમોશનલ બ્લેકમેલ સામે તન્મય ઝૂકી ગયો. ઝલકને મળવાની હા પડી દીધી. ‘બેટા, તમે બન્ને જરા બહાર બગીચામાં લટાર મારો. એકબીજા સાથે વાતચીત કરો.અહીં ક્યાં ઘરમાં ગોંધાઈ રહ્યાં છો?’નલિનભાઈના સૂચન પર છોકરી એટલે કે ઝલક તરત ઊભી થઈ ગઈ. કમને તન્મય ઊભો થયો. બહાર આવ્યો ત્યારે 2-3 વારમાં ફેલાયેલા મોટા બગીચાને એ જોઈ રહ્યો. લાલ ઇંટનું ચણતર જમીનમાં કરી એની આસપાસ લોન ઉગાડી હતી. આજુબાજુ લતામંડપ અને અનેક પ્રકારના ફૂલથી વાતાવરણ મહેકી રહ્યું હતું. એમાં પણ કાલે રાતે પહેલા વરસાદથી ભીંજાયેલી માટીની સુગંધ મહેકી રહી હતી. તન્મયે ઊંડો શ્વાસ લીધો. અંદર ગોંરભાયેલો અણગમો વિસરાઈ ગયો. એણે સહેજ હસીને ઝલક સામે જોયું. આવ્યો ત્યારથી મોં ચઢાવીને બેઠેલા તન્મયની નિરાશા ઝલકથી છાની ન રહી હતી. એના સ્મિતથી એ સહેજ મલકી. એના મલકાટમાં એની બધી કુરૂપતા જાણે છુપાઈ જતી હતી. એવું તન્મયને લાગ્યું.

‘ગાર્ડનમાં આંટો મારીશું?’ ઝલકના જવાબની રાહ જોયા વિના તન્મય આગળ નીકળી ગયો. ઝલક પાછળ પાછળ ચાલી. પક્ષી-પતંગિયાની ચહેક અને ફૂલોનો પમરાટ તન્મય તન્મયતાથી અનુભવી રહ્યો. એ ભૂલી ગયો કે પોતે લગ્ન કરવા માટે અહીં છોકરી જોવા આવ્યો છે. એ ભૂલી ગયો કે એક પણ એંગલથી એને આ છોકરી પસંદ નથી અને છતાં એ એની પાછળ ચાલી રહી છે. ‘તમને ફૂલછોડ બહુ ગમતા લાગે છે!’ પાછળથી ઝલકનો અવાજ આવ્યો એટલે તન્મયની તન્મયતામાં ગાબડું પડ્યું. ‘હા..હું કુદરતી સૌદર્યનો ચાહક છું.’ દસ પંદર મિનિટ એમ જ વીતી ગઈ. ‘તમારે મને કાંઈ પૂછવું નથી?’ ઝલક સવાલ ભરી નજરે એને જોઇ રહી. એના જેવો જ શ્યામ વર્ણ અને માથે વાળનો આકર્ષક જથ્થો. બાકી નાક-નકશો ઠીક ઠીક એટલે પોતાનાં કરતાં તો તન્મય સારો દેખાય છે એ ચોખ્ખી વાત છે. ‘ના…તારે કાંઈ પૂછવું છે?’ તન્મયે તારે સંબોધન કરીને જણાવી દીધું કે એની હા છે. એટલે ઘડીભર ઝલકના ચહેરા પર આનંદ છવાઈ ગયો.

‘પૂછવું તો નથી પણ કહેવું છે!’ઝલકે સ્થિર નજરે જોયું. તન્મયના ચહેરા પર જિજ્ઞાસા દેખાઈ.
‘તમને હું ગમું છું?’ ઝલકના અનઅપેક્ષિત સવાલથી તન્મય મુંઝવણમાં મુકાઈ ગયો.
હા કહે તો એ જૂઠ કહેવાશે અને સાચું પોતે કહી શકે તેમ નથી.
‘દરેકને પોતાની ઓકાત પ્રમાણે બધું મળે.’ એટલું મનમાં બોલીને એણે યુધિષ્ઠિરની જેમ નરોવા કુંજ રો વા કર્યું.
‘તારી સાથે પરણવામાં વાંધો નથી. જો તને ન હોય તો!’ પોતાની મરજી પૂછી એટલે તન્મયનું કેરેક્ટર ઝલકને સમજાઇ ગયું. ત્રણ પેઢીથી ઘરમાં જાહોજલાલી છે. ત્રીજી પેઢીએ પોતે એકની એક દીકરી એટલે બેસુમાર દોલત માટે કોઈ એરોગેરો નથ્થુખેરો પણ પોતાની સાથે લગ્ન કરવા રાજી થઈ જાય.

પોતાનો દેખાવ એવો નથી કે એને કોઈ જલદી પસંદ કરે પણ સામે બાજુ અઢળક સંપત્તિની લાલચમાં કોઈ લાલચુ ભટકાઈ ગયો તો જીવનભર એને અને એના મા-બાપને રડવાનો વારો આવે. તન્મયને પોતે બહુ ગમી નથી પણ ખાનદાન છોકરો છે એટલું કહી શકાય એટલે તન્મય સાથે એ ખૂબ સુખી થશે એવું કહી ન શકાય પણ દુ:ખી નહીં થાય એટલું ચોક્કસ કહી શકાય. બાકી હરિ ઈચ્છા! ‘હું જીવનભર તારી પાછળ ચાલીશ.’ તન્મયે પહેલી વાર સ્નેહાળ દ્રષ્ટિથી ઝલક સામે જોયું અને ઝલક હસી. એ હાસ્યને મનભરીને તન્મય જોઈ રહ્યો.

Most Popular

To Top