Entertainment

દર્શકોની આંખમાંથી આંસુ ચોરી લેતી ફિલ્મ ‘બેલાશુરુ’…

બળબળતા તાપમાં અચાનક ક્યાંકથી એક શીતળ વાયરો- ઠંડા પવનની લહેરખી આપણને સ્પર્શી જાય તો કેવી શાતા પહોંચે ?! અહીં આપણે માત્ર કુદરતી ઉકળાટ કે પછી શીતળતાની વાત નથી કરવી. જિંદગીના અનેક મુકામ એવા છે જ્યાં તકલીફોના તડકામાં છાયો મળી જાય ત્યારે વર્ણવી ન શકાય એવી પરમ શાંતિ તમે અનુભવો. …આવો છાયો આપણને સ્વજન – મિત્રના સથવારાથી મળે. એમાંય પરિવાર તરફથી મળતી હૂંફ અનેરી હોય છે.

વિધિની વક્રતા એ છે કે આજે બહોળા પરિવાર સંકોચાતા જાય છે. મમ્મી-પપ્પા-સંતાનો ને કોઈ અપવાદ કિસ્સામાં સાથે માતા-પિતા…એટલે બસ, ફેમિલી પૂરું. આમ છતાં, કુટુંબકથા ધરાવતી ફિલ્મો કે નાટકો દર્શકોને જલદી સ્પર્શી જાય છે. પરિવારલક્ષી કથાનક ધરાવતી ફિલ્મ- TV સીરિયલ કે પછી વેબ શો માત્ર હિન્દી ભાષામાં જ બને છે એવું નથી. અનેક ભારતીય ભાષામાં ય એનું ખાસ્સું ચલણ છે. સાઉથ-દક્ષિણની ફિલ્મોની વાત કરીએ તો તાજેતરમાં બોકસઓફિસ પર તહેલકો મચાવી ગયેલી RRR- KGF-2 અને એની પહેલાં ‘પુષ્પા’ જેવી જ માત્ર મારફાડ ફિલ્મો ત્યાં સફળ થાય છે એવું નથી. કૌટુંબિક કથા પણ ત્યાં સફળ થાય છે.

આમ તો ઋત્વિક ઘટક- સત્યજિત રાય કે મૃણાલ સેન જેવા બંગાળી ફિલ્મોના સર્જકો હંમેશાં ચીલાચાલુથી અલગ ચીલો ચાતરીને અવનવા વિષયો પર ફિલ્મો બનાવીને દર્શકોના લાડીલા થયા. આ ભાષામાં પણ તપન સિન્હા-સુમન ઘોષ-અરિનંદમ સિલ જેવા અન્ય ફિલ્મ નિર્માતા- દિગ્દર્શકો પણ એમની ફેમિલી ફિલ્મોને કારણે લોકપ્રિય થયા છે.
આ બધા વચ્ચે, તાજેતરમાં બંગાળી ફિલ્મજગતમાં એક ફિલ્મ- ચલચિત્ર ખાસ ચર્ચામાં છે. નામ છે એનું ‘બેલાશુરુ’ . બંગાળીમાં ‘બેલા’ એટલે સમય. આમ આ શબ્દ ‘બેલાશુરુ’ નો અર્થ થાય છે : ‘સમયની શરૂઆત’ હકીકતમાં આ જ ફિલ્મના નિર્માતા- દિગ્દર્શક- કલાકારો વગેરેની એક ફિલ્મ 7 વર્ષ પહેલાં પણ પરદા પર રજૂ થઈ ચૂકી છે, જેનું નામ હતું : ‘બેલાશેષે’ જેનો અર્થ થાય ‘સમયના અંતે’. અગાઉ આવેલી ફિલ્મ ‘બેલાશેષે’ના અનુસંધાનમાં-સિક્વલમાં આવેલી આ બીજી નવી ફિલ્મનું ટાઈટલ છે ‘બેલાશુરુ’!

આમ પૂર્વાર્ધ અને એના ઉત્તરાર્ધની ફિલ્મનાં શીર્ષક થોડાં ભ્રામક અને વિરોધાભાસી કેમ લાગે છે એ તો આ બન્ને ફિલ્મ જાતે જોયા પછી જ તમને ખ્યાલ આવશે.… પહેલી નજરે આ પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ દર્શાવતી બન્ને ફિલ્મની વાર્તા ઉત્સુકતા જગાડે એવી છે. હમણાં રજૂ થયેલી ‘બેલાશુરુ’ની વાત જાણતા પહેલાં 7 વર્ષ પહેલાં દર્શકોની જબરી લોકચાહના મેળવીને બૉકસઑફિસ પર પણ સુપરહીટ નીવડેલી ફિલ્મ ‘બેલાશેષે’ની કથા જાણવી જરૂરી છે.

આ ફિલ્મમાં એક વયોવૃદ્ધ દંપતીના પરિવારની વાત છે. આયુના 7 દાયકા વટાવી ચૂકેલા વિશ્વનાથ મજુમદાર અને એમની 66 વર્ષીય પત્ની આરતીના હર્યાભર્યા પરિવારમાં 1 પુત્ર અને 3 પુત્રી છે. એ બધાય પરિણીત છે. બધા પોતપોતાનાં લગ્નસંસારમાં મગ્ન છે-સુખી છે. વિશ્વનાથબાબુ અને આરતીદેવીએ પણ એમના લગ્નજીવનનાં 49 વર્ષ સાંસારિક સુખ-દુ:ખમાં ખભેખભા મીલાવીને પસાર કર્યા છે. બાબા-માના લગ્નજીવનની 50મી જયંતીની ઉજવણી અવસરે સમગ્ર પરિવાર ઉત્સાહભેર એકઠો થયો છે. બધા બહુ ખુશ છે ત્યારે એ ઉજવણીની વેળા ઘરના મોભી એવા વિશ્વનાથબાબુ બધાની સમક્ષ જાહેર કરે છે કે 49 વર્ષના વિવાહિત જીવન બાદ એ પત્ની આરતીને છૂટાછેડા આપી રહ્યા છે…!

ભર મધ્યાહ્નને જાણે વીજળી ત્રાટકી હોય તેમ બધા ચોંકી જાય છે- સ્તબ્ધ થઈ જાય છે. આરતીદેવીને પહેલાં લાગે છે કે એના પતિ મજાક કરે છે પણ પતિ કહે છે : ‘આ મજાક નથી. હું ખરેખર આરતીને તલ્લાક દેવા ઈચ્છું છું. …બહુ વર્ષો સાથે રહ્યાં. હવે વિખૂટાં પડવાનો સમય આવી ગયો છે!’

લગ્નજીવનની સુવર્ણજયંતી અવસરે ત્યાં હાજર પુત્ર-પુત્રીઓનો પરિવાર પણ બઘવાઈ ગયો છે – એમને સમજાતું નથી: જીવનસંધ્યાએ બાબા શા માટે માને તરછોડી રહ્યા છે? શું વાંધો પડ્યો એ બન્ને વચ્ચે અને એ બન્ને ખરેખર વિખૂટાં પડી જશે તો આ ઉંમરે એમની સંભાળ કોણ રાખશે? આવા અનેક સવાલના જવાબ આ ફિલ્મના અંતે દર્શકોને જાણવા મળે છે….
આવી ઉત્કંઠા સર્જતી મધ્યમ વર્ગના એક બંગાળી પરિવારની આ ફિલ્મ ‘બેલાશેષે’ 7 વર્ષ પહેલાં પ્રદર્શિત થઈ ત્યારે બંગાળે એને વધાવી લીધી હતી. આ ફિલ્મે એક મલ્ટિપ્લેકસમાં સતત 227 દિવસ અને સિંગલ થિયેટરમાં 250થી વધુ દિવસ ચાલવાનો વિક્રમ પણ સર્જ્યો હતો.

અવનવા જ પ્રકારની પારિવારિક કથા- ચુસ્ત દિગ્દર્શન-કર્ણપ્રિય ગીત-સંગીત અને સરળ છતાં સચોટ અદાકારીને લીધે આ ફિલ્મ જબરી ઊપડી હતી. એના મુખ્ય પાત્રો પરિવારના મોભી એવા વિશ્વનાથબાબુ અને એમની સ્ત્રી (પત્ની) આરતીની ભૂમિકા અદભુત રીતે અદા કરી હતી સત્યજિત રાયના ખૂબ જ માનીતા એવા બંગાળના બહુ પ્રતિભામુખી ક્લાકાર સૌમિત્ર ચેટરજી અને સ્વાતિલેખા સેનગુપ્તાએ.. આ જ બે કલાકારે 32 વર્ષ પહેલાં સત્યજિત રાયની જ બહુચર્ચિત ફિલ્મ ‘ઘરબાહિરે’માં પણ પતિ-પત્નીના પાત્રમાં નામના મેળવી હતી.

‘બેલાશેષે’ પછી 7 વર્ષે એના સિક્વલ-ઉત્તરાર્ધરૂપે હમણાં રજૂ થયેલી ‘બેલાશુરુ’ ફિલ્મમાં મોટાભાગનાં જ પાત્રો-કલાકારો પૂર્વાર્ધમાં હતાં એ જ છે. આમાં પણ કુટુંબના વડા બાબા(પિતા)ની તેમ જ માની ભૂમિકા અનુક્રમે સૌમિત્ર ચેટરજી અને સ્વાતિલેખા સેનગુપ્તા જ ભજવે છે. પૂર્વાર્ધની ફિલ્મ ‘બેલાશેષે’ની જ કથા જાણે આગળ વધતી હોય તેમ બાબા-મા પોતાના સયુંક્ત પરિવારના સભ્યો સાથે રાબેતા મુજબ ઓતપ્રોત છે ત્યાં કથામાં અચાનક વળાંક આવે છે.

મા આરતી ‘અલ્ઝાઈમર’નો ભોગ બને છે. એ ઝડપથી વર્તમાન સ્મૃતિ ગુમાવતી જાય છે ને સતત ભૂતકાળમાં જીવવા લાગે છે. ઘર-પરિવારના સભ્યોને એ વિસરી રહી છે. અરે,ખુદના પતિને પણ એ ઓળખી નથી શકતી. એની માનસિક અવસ્થા ઘરના બધા માટે વ્યથા બનતી જાય છે. વિશ્વનાથદા એની પત્ની આરતીની સતત સાથે રહી સંભાળ રાખે છે. ભૂતકાળમાં સરી ગયેલી વ્હાલી પત્નીને એ ફરી વર્તમાનમાં ખેંચી લાવવાના પ્રયત્ન કરતા રહે છે. બધા તબીબી ઉપાય નિષ્ફળ નીવડતા માનસિક સારવારરૂપે આરતી જ્યાં જન્મી હતી-બાળપણ જયાં વીત્યું હતું એ પૂર્વ બંગાળ અને આજના બાંગ્લાદેશ એને લઈ જવામાં આવે છે એવી આશા સાથે કે આરતીની સ્મૃતિ પાછી ફરે….

એની આ બીમારી દરમિયાન અગાઉ પુત્ર-પુત્રી-જમાઈઓનો જે બધી રીતે સંસાર સુખી દેખાતો હતો એમાં હવે વિષાદ-વિખવાદનાં વમળ સર્જાવાનાં શરૂ થઈ ગયાં છે…. અહમના ટકરાવને લીધે મોટો પુત્ર પત્નીથી અળગો થઈ જાય છે… એક પુત્રી તો હતાશામાં લગ્નેતર સંબંધ બાંધી બેસે છે. અન્ય સંતાનોનાં લગ્નજીવન પણ બહારથી દેખાય છે એવાં સુખી નથી…. આ બધા વચ્ચે સ્મૃતિ ગુમાવી રહેલી આરતી સાજી થશે ખરી? આવા અનેક પ્રશ્નના ઉત્તર તાજી ફિલ્મ ‘બેલાશુરુ’ કઈ રીતે આપે છે એની ઉત્સુકતા દર્શકોને રહે છે.… વયોવૃદ્ધ દંપતીથી લઈને એમની યુવા પેઢી વચ્ચે કૌટુંબિક હૂંફ-વાત્સલ્યની અનોખી કથા કહેતી પૂર્વાર્ધ એવી ‘બેલાશેષે’ અને ઉત્તરાર્ધ એવી ‘બેલાશુરુ’ના બે સંવાદ તો બહુ સૂચક છે.


પોતાના અવસાન પછી પોતાના વગર પાકટ વયનો પતિ કેમ જીવી શકશે એની ચિંતા કરતી પત્ની ઈચ્છે છે કે પતિ પોતા કરતાં પહેલાં વિદાય લે તો સારું….(‘બેલાશેષે’) તો બીજી તરફ પોતે નહીં હોય તો સ્મૃતિભ્રંશ પત્નીની સારવાર –સંભાળ કોણ કરશે એની ચિંતા કરતો ‘બેલાશુરુ’ ફિલ્મમાં પતિ ઈચ્છે છે કે પોતાની હયાતીમાં જ પત્ની વિદાય લે તો સારું…!
આવી આ બન્ને ફિલ્મની રજૂઆત વચ્ચે 7 વર્ષનો ગાળો છે. ઉત્તરાર્ધ એવી ‘બેલાશુરુ’ ફિલ્મ એકદમ તૈયાર હતી પણ એની રજૂઆતને કોરોના મહામારીનું બે – અઢી વર્ષનું ગ્રહણ નડ્યું. એ દરમિયાન, ફિલ્મનાં મુખ્ય બન્ને પાત્રને ઉત્કટતાથી રજૂ કરનારાં અદાકાર સૌમિત્ર ચેટરજી અને સ્વાતિલેખા સેનગુપ્તા અવસાન પામ્યાં. એ દ્રષ્ટિએ અત્યારની આ ફિલ્મ એમના ચાહકો માટે વિશેષ મૂલ્યવાન બની ગઈ છે.
‘બેલાશેષે’ અને ‘બેલાશુરુ’ના જેવી હૃદયસ્પર્શી ફિલ્મકથાનાં લેખિકા છે નંદિતા રોય અને પટકથા-સંવાદ છે શિવકુમાર મુખરજીના. આ બેલડીએ સાથે મળીને આ ઉપરાંત બીજી અનેક સફળ ફિલ્મોનું સહિયારું દિગ્દર્શન કર્યું છે. અહીં આપણા હિન્દી ફિલ્મોના ચાહકો માટે આનંદના સમાચાર એ છે કે ‘બેલાશેષે’ અને ‘બેલાશુરુ’ની લેખિકા-દિગ્દર્શિકા નંદિતા રોયની ખૂબ વખણાયેલી બંગાળી ફિલ્મ ‘પોસ્તો’ (ફિલ્મમાં બાળક્નું હુલામણું નામ) હવે હિન્દીમાં ‘શાસ્ત્રી વર્સિસ શાસ્ત્રી’ના નામે આવી રહી છે. મૂળ બંગાળી ફિલ્મમાં જે મુખ્ય ભૂમિકા સૌમિત્ર ચેટરજીએ ભજવી હતી એ પાત્ર હવે આપણા અભિનયના મહારથી પરેશ રાવલ ભજવી રહ્યા છે…!

Most Popular

To Top