Columns

હિસાબ રાખતો જ નથી

એક દિવસ ૮૪ વર્ષના દાદાને વ્હાલા પૌત્રએ કહ્યું, ‘દાદા આવતા મહીને તમારો ૮૫ મો જન્મદિવસ આવશે અને મારી ઈચ્છા છે આપણે તેને ધામધુમથી ઉજવીએ.’દાદા હસ્યા અને બોલ્યા, ‘અરે દીકરા ઉજવણી એટલે આનંદ અને આનંદ કરવાનો વિચાર આવ્યો તો જન્મદિવસની રાહ શું જોવાની આવતી કાલે જ ઉજવી નાખ મારો જન્મદિવસ …ભેગાં મળી આનંદ કરશું.’પુત્રને પહેલા થયું દાદા મજાક કરે છે પણ પછી તે સમજી ગયો કે દાદા તો સાચે જ તૈયાર થઇ ગયા છે તે તરત જ તૈયારીમાં લાગી ગયો. નજીકના મિત્રોને બોલાવી બધી તૈયારી કરી લીધી…લગભગ સો મિત્રો,સ્વજનો ,પડોશીઓ ,દાદાના મિત્રોને નિમંત્રણ વોટ્સ એપ પર મોકલાવી દીધું ..કેક મંગાવી લીધી..

કલાકોમાં સરસ પાર્ટીનું આયોજન થઈ ગયું.બીજે દિવસે સાંજે મહેમાનો આવવા લાગ્યા.કેક કાપવામાં આવી …પૌત્રએ દાદાની મિમિક્રી પણ કરી…અને ઘણી ગેમ્સ રમ્યા …પછી દાદાને સ્ટેજ પર બોલાવ્યા ખુરશી પર બેસાડી ઘરના બધાએ આરતી ઉતારી અને આટલો પ્રેમ આપવા માટે થેન્કયુ કહ્યું….દાદા આટલો બધો પ્રેમ જોઇને ભાવવિભોર થઇ ગયા. પુત્રએ કહ્યું, ‘પપ્પા, તમે હવે તમારા જીવનના અનુભવનો નીચોડ અમને કહો …તમારા જીવનનું સરવૈયું કાઢતા તમને શું મળ્યું?? જીવનમાં તમે શું ગુમાવ્યું ?? શું મેળવવાનું બાકી રહી ગયું બધું કહો…’

દાદા ખડખડાટ હસ્યા અને બોલ્યા, ‘અરે દીકરા, મેં તો જીવનભર કોઈ હિસાબ રાખ્યો જ નથી …ભલે ધંધામાં એકાઉન્ટ સાચવ્યા પણ જીવનમાં કોઈ હિસાબ કોઈ રોજમેળ કોઈ સરવૈયું મેં રાખ્યું નથી…..આટલા અનંત સમયમાં …અનંત બ્રહ્માંડમાં આપણે માંડ અમુક વર્ષો માટે પૃથ્વી પર રહેવા આવ્યા તે થોડા વર્ષોનો શું હિસાબ રાખવાનો ….જીંદગીમાં ડગલે ને પગલે ભરી ભરીને ખુશી અને આનંદ મળ્યા છે ત્યારે શું નથી મળ્યું તેનો હિસાબ કરીને જે મળ્યું છે તેનો આનંદ શું કામ એક પળ માટે પણ ઓછો કરવો….હું તો ૮૫ વર્ષનો થવાનો મળેલો દરેક દિવસ મારા માટે બોનસ છે ત્યારે તે બોનસના દિવસોમાં જુના દિવસોમાં શું ના કરી શક્યો તેનો હિસાબ કરવા કરતા બોનસ દિવસોમાં બોનસ આનંદ મળે તે જ હું જોઉં છું એટલે જ તો આજે જ આવતા મહીને આવતો મારો જન્મદિવસ તમારા બધા સાથે ઉજવી લીધો અને બેહિસાબ આનદ મેળવી લીધો.’

એક મિત્રએ પૂછ્યું, ‘દોસ્ત તારી બધી વાત સાચી પણ જુના દિવસો તો આ ઉંમરે ખાસ યાદ આવે તો શું જુના દિવસોની યાદો તને ખુશી જ આપે છે એવી કોઈ યાદ નથી જે ઉદાસ કરી જાય.’દાદા બોલ્યા, ‘દોસ્ત જીઈવ્ન તો મારું હોય કે તારું…. બધાનું જીવન ખાટીમીઠી યાદોથી ભરેલું જ હોય ,કેટલીક યાદો કડવી પણ હોય પણ જીવનમાં ખુશ રહેવા આનંદણી બે ક્ષણો પણ પૂર્તિ હોય તો ઉદાસીભરેલી કડવી યાદોનો શું હિસાબ કરવો…મધુર યાદો જ યાદ કરવી.બસ મારુ તો જીવન સરવૈયું જ એ છે કે કોઈ હિસાબ ન રાખવો.’દાદાએ બહુ ઊંડી સમજ આપતી વાત સહજ રીતે સમજાવી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top