SURAT

કુમાર કાનાણીએ ફરી બાંયો ચડાવી, ખાણીપીણીમાં ભેળસેળ કરનારા સામે આ કલમ લગાવવા CMને પત્ર લખ્યો

સુરત: સુરત (Surat) મનપાના (SMC) ફુડ વિભાગ (Food Department) દ્વારા વાર-તહેવારે ખાદ્ય સામગ્રીઓના સેમ્પલો લેવામાં આવતા હોય છે. હાલ છેલ્લા ઘણા સમયથી લેવામાં આવેલા સેમ્પલો પૈકીના ઘણા સેમ્પલો ધારા ધોરણ મુજબના નહીં હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યો છે.

  • કાયદામાં સુધારો કરી ખોરાકમાં ભેળસેળ કરી લોકોના જીવન સામે જાણી જોઈને જોખમ ઉભું કરનાર દુકાનદારો સામે મનુષ્યવધની કલમ હેઠળ કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ કરવા રજૂઆત

છેલ્લા 1 માસમાં લેવામાં આવેલા વિવિધ ખાદ્યસામગ્રી જેવી કે આઈસ્ક્રીમ, આઈસડીસનું ક્રીમ, કોકો, કેરી, ચીઝ, માયોનિઝ, પનીર, કેક, મસાલાના સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવતા ધારાસભ્ય કુમાર કાનાણીએ (KumarKanani) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (BhupendraPatelCM) પત્ર લખી યોગ્ય પગલા લેવા માંગ કરી છે.

ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ખાણીપીણીમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે જેથી આ અંગે યોગ્ય તપાસ કરી કાયદામાં સુધારો કરીને જે-તે સંસ્થા સામે પગલા લઈને કડકમાં કડક સજા પણ થવી જોઈએ.

ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને આ અંગે લેખિતમાં રજુઆત કરવામાં આવી છે અને રજુઆતમાં તેઓ દ્વારા જણાવાયું છે કે, સુરતીઓ ખાવાપીવાના શોખીન છે અને લારી ગલ્લા તેમજ વિવિધ ખાણીપીણીની સંસ્થાઓ દ્વારા ખાદ્યસામગ્રીઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે તે દેખીતું છે કારણ કે, ઘણા સેમ્પલો ધારાધોરણ મુજબના આવી રહ્યાં નથી. એટલે કે, ખાણીપીણીમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ખુબ જ મોટા પ્રમાણમાં ફુલીફાલી રહ્યું છે.

દુકાનોમાં વેચાતા ખાદ્ય પદાર્થો, ખાદ્ય તેલ, મરી- મસાલા, દુધની બનાવટો, લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે. તેમજ હવે તો શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થ સપ્લિમેન્ટ તેમજ હેલ્થ પ્રોડક્ટમાં પણ ભેળસેળ થવા માંડી છે. જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. લોકોના આરોગ્ય માટે હાનિકારક ભેળસેળ ગંભીર બાબત છે જેથી તાકીદે આ પ્રકારની ભેળસેળ રોકવી જરૂરી હોય, કાયદા કડક કરવા જરૂરી હોવાનું કાનાણીએ જણાવ્યું હતું.

તેઓના મત મુજબ હાલના કાયદાની જોગવાઈ મુજબ સજા ખૂબ ઓછી હોય તેવું લાગે છે. તેમજ મનપા દ્વારા જે સેમ્પલો લેવામાં આવે છે તેના રિપોર્ટ ખુબ જ લાંબા સમય પછી આવે છે. શહેરીજનો આ વાનગીઓ આરોગી લે ત્યારબાદ તેના રિપોર્ટ આવે તેનો કોઈ મતલબ રહેતો નથી. લોકોના ખોરાકમાં ભેળસેળ કરી લોકોના જીવન સામે જાણી જોઈને જોખમ ઉભું કરી આવું અધમ કૃત્ય કરનાર સામે કાયદામાં સુધારો કરી મનુષ્યવધની કલમ હેઠળ કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ કરવામાં આવે તેવી રજુઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top