Comments

નો લંચ ઇઝ ફ્રી: પણ ભૂખ્યાને તમે એ કેવી રીતે સમજાવશો?

પ્રજાને નેતાઓ પ્રજાને શેરી ટેવ પાડે છે? બે પાંચ વરસ સત્તા પર કાબીજદાર રહેવા માટે દેશને કે રાજયને કઇ રીતે ખાઇમાં ધકેલવા તૈયાર થાય છે તેના પરથી એની તથાકથિત દેશભકિતનું, સ્વાર્થનું માપ નીકળે છે. આજકાલના નેતાઓને માત્ર આવતીકાલથી લઇને પાંચ વરસ સુધીનું દેખાય છે. તે પણ જેમાં પોતાનું ભલું હોય એ જ દેખાય છે. 2019ની સામાન્ય ચૂંટણીઓ ટાણે રાહુલ ગાંધીએ દેશમાં કુટુંબદીઠ બાસઠ હજાર રૂપિયાની વાર્ષિક લહાણીનું વચન આપ્યું હતું. રાહુલે જાહેરસભામાં અને પત્રકા પરિષદમાં એ વચનને બોમ્બ વિસ્ફોટ સમાન ગણાવ્યું હતું. લોકો મોદીજીના પ્રેમમાં એટલા પાગલ હતા કે બોમ્બનું સૂરસૂરિયું થઇ ગયું. ભાજપ વધુ બહુમતીથી ચૂંટાઇ આવ્યો. દિલ્હી રાજય, મ્યુનિસિપલ નિગમ અને પંજાબમાં મફતની લહાણીઓથી આમ આદમી પક્ષ ચૂંટાઇ આવ્યો અને કર્ણાટકમાં કોંગ્રેસ ચૂંટાઇ આવી. પણ તેઓ માત્ર મફતના વાયદાઓથી જ ચૂંટાઇ આવ્યા તેમ ખાતરીપૂર્વક કહી ન શકાય. તો પણ ફ્રીબીનો ચૂંટણી જીતવામાં મહત્વનો ભાગ તો રહ્યો હશે. કર્ણાટકમાં કોંગ્રેસે વચનો આપ્યા બાદ ભાજપે પણ આપ્યા હતા. ભાજપ હારી ગયું તેની પાછળ લોકોની નારાજગી પણ કારણભૂત હતી.

ઘણા સમયથી એ ચર્ચાએ જોર પકડયું છે કે મફતની લહાણીઓ કરવી તે દેશ કે પ્રજાના હિતમાં છે ખરૂ? જગતનો આદિકાળથી અનુભવ છે કે રાજા, સરકાર કે કોઇ અન્યની ખૈરત પર જીવતો સમાજ આખરે રાજયનો, રાજાનો અને સ્વવિનાશ નોતરે છે. દેશની પ્રજા આળસુ બને. મફતમાં મળે તેથી વ્યસને વળગે અને વાયરસની જેમ દેશને કોરી ખાય. દુનિયાના સામ્યવાદી દેશો, પ્રચંડત્તમ સોવિયેત યુનિયન સહિત, આ પ્રકારના સમાજવાદમાં ખતમ થઇ ગયાં. પાયમાલીના આરે પહોંચી ગયા હતા.

બીજો સવાલ: શું કોઇ અસામાજિક કે સ્વાર્થી તત્વો કોઇ મંડળી રચે અને લોકોના નાણા, કરદાતાઅના એક મોટા વર્ગના નાણાંના ભોગે જ, લોકોને મફતમાં ચીજ-સેવાઓ પૂરી પાડવાનું વચન આપે અને સત્તા પર સવાર થઇ જાય તે યોગ્ય કહેવાય ખરૂ? શું મફતની ચીજોની કોઇપણને સત્તા મળે તે માટેનું માધ્યમ બનવા દેવાય ખરી? આવતી કાલે પહોંચેલી ગુંડા શકિતઓ, જેમ કે દાઉદ ઇબ્રાહીમ, અતીક, છોટા-મોટા રાજન વગેરે પરદા પાછળ રહી, રેવડીઓ વહેંચી સત્તાનો કબજો મેળવે તો દેશની શી હાલત થાય?

તેઓને ખબર પડી જાય કે માત્ર આ રીતે સત્તા મેળવી શકાય છે તો તેઓ દેશની પ્રગતિ માટે જરૂરી એવી બીજી કોઇ પ્રવૃત્તિઓ કરે પણ શા માટે? શિક્ષણ, વ્યવસ્થા, તંત્રો અને લોકોના મગજને લૂણો લાગી જાય. આ અને આ સિવાયના અનેક તથ્યોના આધારે કોઇપણ વ્યકિત નિષ્કર્ષ પર આવી શકે કે મફતનું એટલું ઝેર છે. કૂદરતનો નિયમ છે કે નો લંચ ઇઝ ફ્રી. મફતમાં કંઇ મળતું નથી. કયાંક તો તેની કિંમત ચુકવવી પડે છે. પણ શું માત્ર મફતની લહાણી ના કરવી એ જ દેશભકિતની મિસાલ છે? અહીં વધુ એક સવાલ એ છે કે લોકો મફતનું સ્વીકારે છે શા માટે?

સમાજ, મ્યુનિસિપાલીટી, સરકાર, હાઉસિંગ સોસાયટી, પંચાયત વગેરે એક સિધ્ધાંત પર કામ કરે છે કે લોકો અમુક ચોક્કસ રકમ કરવેરા, ફી તરીકે ચૂકવે અને પોતાના રોજબરોજના ખર્ચાઓ તેમજ ભવિષ્યના પ્રગતિલક્ષી ખર્ચાઓનું સામુહિક નિર્વહન કરે. હવે ઉદાહરણ તરીકે હાઉસિંગ સોસાયટીના અરધા ફલેટોના માલિક લોકોના ખર્ચ બાકીના ફલેટોના માલિકોએ ઉઠાવવાનો આવે ત્યારે આખી હાઉસિંગ સોસાયટીની શી હાલત થાય? રંગરોગાન, મેન્ટેનન્સ ન થઇ શકે. પાણીની, આગની, ચોકીદારીની, વીજળીની વ્યવસ્થા તૂટી પડે. સરકારો વ્યાજ પર નાણાં લેતી હોય છે તેથી અમુક વરસ કરજનો બોજો વધારી વચનોનું પાલન કરી શકે. પણ આખરે પાઘડીનો વળ છેડે આવે જ છે. સોસાયટીના સંચાલકો, મેયરો, મુખ્યમંત્રીઓ કે સરકારી બાબુઓ કંઇ પોતાના બાપના પૈસા થોડાં ચૂકવવાના છે? તેઓમાંથી મોટા ભાગના ખાઇ-પીને તારાજ કરીને હાથ ખંખેરી નાખવાના!

સરકારી મદદનું ગણિત જટિલ છે. આપણા દેશમાં દાવા સાથે કહી શકાય કે પચાસ ટકાથી વધુ લોકોને ભારત કયાં સુધી વિસ્તરેલો છે, કયાં કયાં તેની સરહદો આવેલી છે તેનું જ્ઞાન નહીં હોય. તેમાં સરકારની સહાય, સબસીડીઓનાં જટિલ ગણિતો એમને કયાંથી સમજાય? નેતાઓ આ અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવે છે. એક સમયે ભારતીય જનતા પક્ષ સબસીડીઓનો વિરોધ કરતા હતા અને મનમોહન સિંહ પણ સબસીડીની તરફેણમાં ન હતા. અર્થતંત્રના જ્ઞાન માટે મનમોહન સિંહને હંમેશા યાદ કરાશે.

બંને પક્ષોના શાસનમાં સબસીડીઓ બંધ કરાઇ હતી અને તેના સારા પરિણામો આવ્યા. પણ કેટલી હદ સુધી મદદ આપવી અને કેટલી હદ સુધી રાજકીય ફાયદો મેળવવો તે વચ્ચેની ભેદરેખા નેતાઓ સમજે એ જરૂરી છે. કોંગ્રેસે સાચા કારણસર મનરેગા અને ભાજપે અન્ન, આરોગ્ય ઉપરાંત કેટલીક સેવાઓ ચાલુ રાખી છે. સાચા કારણો પણ સાવ સાચા નથી. કોંગ્રેસની સરકારોએ લગભગ ચાલીસ વરસ સુધી સમાજવાદી નીતિઓને દિલરૂબા તરીકે પકડીને દેશનો વિકાસ દર અઢીથી ત્રણ ટકા રાખ્યો. કોઇકે તેને હિન્દુ ગ્રોથ રેટ જેવું અતાર્કિક નામ આપ્યું.

તે સ્થિતિમાં મોંઘવારી વધતી રહી. કરોડો લોકો શહેરોની અસહય ઝુપડપટ્ટીઓમાં વસવાટ માટે મજબૂર બન્યા. જાણે કે ભારતની આ એક સિધ્ધિ હોય તેમ હોલીવૂડવાળાઓએ ફિલ્મો બનાવી. ઓસ્કારો મળ્યા. વાહ વાહ થઇ. મુંઆઓ, શરમથી ડૂબી મરો. દરેક બાબતો સરકારી પરમિટોને આધીન બનાવી દીધી તેથી આ હાલ થયા હતા તેની કોઇએ શરમ પણ ન અનુભવી.

લોકોને સલાહ આપવામાં આવે છે કે રેવડી ન સ્વીકારો. આખરે મોંઘી પડે છે. પણ કોઇ ઠંડીથી ઠુંઠવાતા જણને કહો કે ‘બીજાનો આપેલો ધાબળો ન ઓઢવો. આખરે એ મોંઘો થશે. મેલો થશે તો તને ચામડીનો રોગ લાગુ પડશે.’ તો એ માનવાનો? તરસ્યાને પાણી પીવાની ના કહો કારણ કે એ પાણી પાકિસ્તાનની ધરતી પરથી આવી રહ્યું છે તો શું એ માનવાનો? તમે એને વિકલ્પ આપ્યો નથી. એની પાસે હતા એ છીનવી લીધા છે. નેતાઓ, સરકારી બાબુઓ, ઉદ્યોગપતિઓ અબજો રૂપિયા વાપરીને લગ્નો યોજે છે. લોકો જાણે છે કે તેમાંના મોટા ભાગના રાજકીય કે સરકારી હોદ્દા પર હતા તેથી નાણા ખર્ચવા માટે મજબૂત બન્યા છે. નોઇડાના સરકારી મુખ્ય એન્જીનીઅર યાદવ પાસેથી એક હજાર કરોડથી વધુ મળી આવ્યા. કેજરીવાલના શીશ મહલનો દાખલો લો.

જેઓ દસ વરસ અગાઉ મુફલીસ હતા એવા વિધાનસભ્યો, અમલદારોએ પોતપોતાના ગામ, જિલ્લા મથકે આલીશાન બંગલાઓ ઉભા કર્યા છે. લાખો કરોડોની લોન ગપચાવીને ઘણા વિદેશ ભાગી ગયા છે. પ્રજા તે જૂએ છે. આ પછી શાણી શાણી વાતો, સલાહો પ્રજા શા માટે સ્વીકારે? આશારામ બ્રહ્મચર્યના ફાયદા સમજાવતા હોય તેવું લાગે. લીડર, સ્ટેટસમેન લીડર એ કહેવાય જેના વાણી-વર્તન આવનારી પેઢીઓ, સરકાર, સમાજ માટે ઉદાહરણ બની જાય. જેમકે સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકર. હાલમાં તો જેઓ સહાયની તરફેણ કરે છે અને જેઓ તેનો વિરોધ કરે છે તે બંને પક્ષની દલીલો ગળે ઊતરતી નથી. મફતની મદદો બંધ કરવા બાબતે સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ છે. સર્વોચ્ચ અદાલતે તેનું સંજ્ઞાન લીધું છે. તલસ્પર્શી અભ્યાસ બાદ જરૂર કોઇ માઇલસ્ટોન કહેવાય તેવો ચૂકાદો આવશે અને તેની જરૂર પણ છે.
            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top