Business

વિદ્યાર્થીઓની વિમાસણ

ગયા અઠવાડિયે ભારત સ્થિત અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટોએ જાહેરાત કરી કે, ૧૪મી જૂન, ૨૦૨૧ના દિવસથી ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જવા ઈચ્છે છે, એમને માટે સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યુની તારીખો આપવાનું તેઓ શરૂ કરશે. સોમવાર, ૧૪મી જૂન, ૨૦૨૧ના દિવસે એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં ભણવા જવા ઈચ્છે છે, એમણે અમેરિકાની વેબસાઈટ ઉપર ઈન્ટરવ્યુ મેળવવા માટે લોગઈન કરીને ધસારો કર્યો. થોડીક ક્ષણોમાં જ ભયંકર ધસારાના કારણે અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ.

ભારતીય વિદ્યાર્થીઓ વિમાસમણમાં પડી ગયા કે હવે શું કરવું? સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યુની તારીખ કેમ કરતા મેળવવી? માંડ બે ટકા જેટલી જ વેબસાઈટ જે ક્રેશ થઈ ગઈ હોય એ એકાદ કલાકમાં ફરી પાછી શરૂ થઈ શકે છે. મોટાભાગની વેબસાઈટ જે એકવાર ક્રેશ થઈ જાય એને ફરી પાછી યથાવત્ કામ કરવા માટે ૪ થી ૭૮ કલાક જેટલો સમય લાગે છે. અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટની વેબસાઈટ ક્રેશ થતા વિદ્યાર્થીઓ અકળાઈ ગયા. એમણે ઉપરા ઉપરી ઈમેઈલ, ટ્વીટર અને લેખિત કાગળો દ્વારા અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટને ફરિયાદો કરવા માંડી.

વિદ્યાર્થીઓની આ વિમાસણ પારખી જતા અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટે એમની વેબસાઈટને ફરી પાછી યથાવત્ કામ કરતી કરવા માટે તુરંત જ પગલાં લીધા અને આજ સુધીમાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યુની તારીખો મળી ચૂકી છે. આ કટારના લેખકના ૫૦થી વધુ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યુની તારીખો પ્રાપ્ત થઈ ચૂકી છે.

વિદ્યાર્થીઓ જેમની યુનિવર્સિટીઓ ૧લી ઓગસ્ટ, ૨૦૨૧ કે એ પછી તુરંત શરૂ થાય છે એમને ઈન્ટરવ્યુનો સમય ઓગસ્ટ મહિનામાં મળ્યો છે. આથી તેઓ વધુ વિમાસણમાં પડ્યા છે કે જો ઈન્ટરવ્યુ યુનિવર્સિટી શરૂ થતી હોય એ પછીની તારીખનો હોય તો તેઓ યુનિવર્સિટીમાં કેમ કરતા સમયસર પહોંચી શકશે. આ બધા વિદ્યાર્થીઓએ સંયમ દાખવવો જોઈએ. થોડા સમય પછી ફરી પાછી એમને જે તારીખ મળી હોય એ પહેલાની કોઈ તારીખ ઉપલબ્ધ હોય તો એ મેળવવાની કોશિશ કરવી જોઈએ. એમાં જો એમનો પ્રયત્ન સફળ ન થાય તો પછી ઈમરજન્સી દેખાડીને ઈન્ટરવ્યુની વહેલી તારીખ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટ વિદ્યાર્થીઓની વિમાસણ બરાબર જાણે છે. એ દૂર કરવાનો તેઓ બની શકે એટલો પ્રયત્ન કરે છે. ઉતાવળ કરવાથી, ધાંધલ-ધમાલ કરવાથી, ઉપરાઉપરી ઈમેઈલો મોકલીને, ટ્વીટર ઉપર સંદેશાઓ પાઠવીને, કાગળો લખીને કે અખબારોમાં નારાજગી દેખાડી ફરિયાદ કરવાનો કોઈ જ અર્થ નથી. અમેરિકાએ પરદેશી વિદ્યાર્થીઓ માટે ખાસ અમેરિકામાં પ્રવેશવાની છૂટ આપી છે. એટલે તેઓ વિદ્યાર્થીઓને સમયસર ઈન્ટરવ્યુની તારીખો મળે એ જોવાના જ છે. અકળાવવાની જરૂર નથી.

આજના સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓ જો એમની યુનિવર્સિટી શરૂ થઈ જાય એ પછી પણ થોડા દિવસો બાદ એમાં જશે તો યુનિવર્સિટી વાંધો નહીં લે. તેઓ પણ ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી બરાબર સમજે છે. વેબસાઈટ ક્રેશ થવાના જુદા જુદા દસ કારણો હોય છે. પ્લગઈન એરર, કોડ એરર, હેંકિંગ અને વાઈરસ એટેક, એક્સપાયર ડોમિન, ડોમિન યા હોસ્ટીંગ પ્રોવાઈડરમાં ટેક્નિકલ ખામીઓ, ગુગલે વેબસાઈટને બ્લેકલીસ્ટ કરી હોય, ડીએનએસ એરર, હોસ્ટીંગની ઓછી જગ્યા અથવા તો સરવર અપગ્રેડ કરવામાં આવ્યું હોય તો અને છેલ્લે વેબસાઈટ ઉપર અચાનક ટ્રાફિકનો ભયંકર વધારો થાય તો.

અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટની વેબસાઈટ ઉપર હજારો વિદ્યાર્થીઓએ એક સામટો ધસારો કર્યો હતો એટલે એ ક્રેશ થઈ હતી. હવે એને દુરસ્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ જેમણે હજુ સુધી સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યુની તારીખો મેળવી ન હોય તેઓ એ તારીખ મેળવી શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ જેઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા છે તેઓ ભારતમાંથી સીધેસીધા ડાયરેક્ટ ફ્લાઈટમાં અમેરિકા જઈ શકે છે.

અનેક વિદ્યાર્થીઓ જોડે એમના માબાપો પણ એમના સંતાનોને ત્યાં સેટલ કરવા અમેરિકા જવા ઈચ્છે છે. આ લોકો માટે ઈન્ડિયામાંથી સીધે સીધા અમેરિકા જવાનું શક્ય નથી. આથી તેઓ દુબઈ યા રશિયા જઈ ત્યાં થોડા દિવસ રહીને પછી અમેરિકા જાય છે. બધાને માટે આવું કરવું શક્ય નથી. એમણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે અમેરિકા વિશ્ર્વનો સૌથી વધુ વિકસિત દેશ છે. ત્યાં જીવન જરૂરિયાતની બધી જ સગવડો ઉપલબ્ધ છે. ત્યાંની યુનિવર્સિટીઓ એમના વિદ્યાર્થીઓને બધી જ જાતની સવલત પૂરી પાડવા તત્પર છે. ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ આપણા નવા ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા અને સેટલ કરવામાં મદદરૂપ થવા તૈયાર છે. આથી માબાપો જેઓ એમના સંતાનો જોડે અમેરિકા જઈ ન શકે એમણે ચિંતા કરવાની જરૂર નથી. ઘણાના તો સગાવહાલા, મિત્રો, ન્યાતીલા, ગામ કે શહેરના લોકો પણ અમેરિકામાં રહે છે એટલે તેઓ એમની પણ એમના સંતાનો માટે સહાય માંગી શકે છે.

ભારતીય વિદ્યાર્થીઓ જેમને અમેરિકાની યુનિવર્સિટીઓએ પ્રવેશ આપ્યો છે અને જેમને સ્ટુડન્ટ વિઝાના ઈન્ટરવ્યુનો સમય મળ્યો છે એમણે એવું ધારી લેવું ન જોઈએ કે, એમને સ્ટુડન્ટ વિઝા મળશે જ. સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે ઈન્ટરવ્યુમાં એમણે નીચેની બાબતોની કોન્સ્યુલર ઓફિસરોને ખાતરી કરાવી આપવી પડશે. તેઓ ખરા અર્થમાં એક વિદ્યાર્થી છે અને એમનો અમેરિકા જવાનો ઉદ્દેશ ફકત ત્યાં ભણવા માટેનો જ છે. અમેરિકાની માન્યતા પામેલી યુનિવર્સિટીએ એમને કોમ્પ્યુટર દ્વારા નિર્મિત સેવિસ મોડનું ફોર્મ આઈ-૨૦ આપ્યું છે.

એમણે સેવિસ ફી ભરી છે. એમની પાસે અમેરિકા જવા-આવવાના, ટ્યુશન ફીના, ત્યાં રહેવા-ખાવાના અને પરચુરણ ખર્ચાની જોગવાઈ છે. તેઓ ત્યાં નોકરી કે બિઝનેસ કરવા કે કાયમ રહેવા નથી ઈચ્છતા. એમના સ્વદેશમાં કૌટુંબિક અને નાણાંકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો એમનો અભ્યાસ પૂરો થતા સ્વદેશ પાછા ખેંચી લાવશે. ભારતમાંથી અમેરિકા ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ત્રણ પ્રકારના હોય છે. પ્રથમ પ્રકારમાં એ વિદ્યાર્થીઓ આવે છે જેઓનો ઈરાદો ફકત અમેરિકામાં પ્રાપ્ત થતું ઉચ્ચ શિક્ષણ મેળવવાનો હોય છે. આ પ્રકારના વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૧૦ ટકા જેટલી હોય છે. બીજા પ્રકારના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ તો પ્રાપ્ત કરવા ઈચ્છે જ છે પણ ભણી રહ્યા બાદ અમેરિકામાં ઊંચા પગારે નોકરી મળશે એવા એમના ખ્યાલ હોય છે.

આ પ્રકારના વિદ્યાર્થીઓ લગભગ ૫૦ ટકા જેટલા હોય છે. ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓ એમના ત્યાં સગાવહાલાઓની સાથે તેઓ રહી શકે, એમની મોટેલ કે સ્ટોરમાં કામ કરી શકે અને અમેરિકામાં સ્થાયી થઈ શકે એવા હોય છે. આવા વિદ્યાર્થીઓ લગભગ ૪૦ ટકા હોય છે. પ્રથમ પ્રકારના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા મેળવવામાં કોઈ પણ પ્રકારનો બાધ નથી નડતો. બીજા પ્રકારના વિદ્યાર્થીઓને પણ મોટાભાગે સ્ટુડન્ટ વિઝા આપવામાં આવે છે. ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓમાંના અડધાને જ વિઝા પ્રાપ્ત થાય છે.

Most Popular

To Top