Business

ધોકાયંત્ર

રાજકોટના મફતીયાપરામાં મફત બીડી ન આપતા ખાંભીપૂજક જૂથો વચ્ચે ધોકા ઉડ્યા!’ આવા મંડાણ હચમચાવી નાખે એવા સમાચાર હવે અખબારોમાં નજરે ચડતા નથી. સાવ નાનકડા મુદ્દે મોટાપાયે ધોકા ઉડવાનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટતું જાય છે. નહીં તો ધોકો એક જ એવું પ્રાણી છે જે પાંખ વિના પણ ઉડે છે. તેને કારણે કેટલીકવાર બીજાનું પ્રાણ-પંખેરું પણ પણ ઉડે છે. આ રીતે મફતીયાપરા કે ધરારનગરમાં બીજાને ધોઈ નાખવા માટે ધોકા ઉડતા. હવે આવા દરેક પ્રકારના ધોકાનું ચલણ ઘટતું જાય છે. કપડાં ધોવાના ધોકાની દશા પણ આજકાલ  સારી નથી. જેમ ઘરના એક ખૂણામાં પડ્યા પડ્યા ખખડધજ દાદા નિસાસા નાખતા હોય એ જ રીતે કપડા ધોવાનો ધોકો પણ ચોકડીના એક ખૂણામાં પડ્યો પડ્યો નિસાસા નાખે છે. અને મનોમન કહે છે કે પંદર પંદર દિવસથી કોઈએ મને હાથ નથી અડાડ્યો. જે ધોકો પળવારમાં બીજાનો મેલ કે ધૂળ ખંખેરી નાખતો એવા ધોકા પર આજે ધૂળ ચડી ગઈ છે અને ધોકાને ખંખેરવો પડે એવા દિવસો આવ્યા છે.

વિજ્ઞાનની નજરે જોઈએ તો કપડા ધોવાનો ધોકો એક ‘સાદું યંત્ર’ છે. તે પ્રથમ પ્રકારનું ઉચ્ચાલન છે. પરંતુ આ ઉચ્ચાલનમાં તેનો ‘ભાર’ અને ‘આધારબિંદુ’ ક્યાં આવેલા છે તે વૈજ્ઞાનિકોને હજુ સુધી શોધી શક્યા નથી. હોકાયંત્ર દિશા ભૂલેલા ને સાચી દિશા બતાવે છે એ જ રીતે ‘ધોકાયંત્ર’ પણ દિશા ભૂલેલા ને સાચી દિશા બતાવે છે. ધોકો પોલીસથી માંડીને પત્ની સુધી બધાને ઉપયોગી છે. જેમ મારનાર કરતા બચાવનાર મોટો છે એ જ રીતે ‘ધોકા ખાનાર કરતા ધોકાવનાર મોટો છે.’

એવી લોકવાયકા છે કે ધોકો કપડાં ધોવાના કામમાં આવે છે પણ ના, કપડા ધોવાના નહીં! કપડાં ધોવાનું કામ તો સાબુ અને બ્રશ કરે છે  ધોકાનું કામ તો કપડાને (કે કોઈપણ ને !) ધોકાવવાનું છે. પણ આજકાલ આધુનિક પ્રકારના ધોલાઈ યંત્રો (વોશિંગ મશીન યાર!) આવી જવાથી ધોકો બેરોજગાર બની ગયો છે. આની અસર આખા ધોકાઉદ્યોગ પર પડી છે. અગાઉ દિવસ-રાત ધમધમતો ધોકાઉદ્યોગ હવે સૂમસામ થઈ ગયો છે. નહીં તો અગાઉ ‘ધોકાનું ઉત્પાદન કરવાના’ અને ‘ધોકા નાખવાના’ એમ બંને ક્ષેત્રે ધોકા ઉદ્યોગમાં ધમધોકાર તેજી હતી. અને અર્થતંત્ર પર ધોકાની રીતસરની ધાક હતી. પણ આજકાલ એ ધાક બહુ ઓછી થઈ રહી છે ધોલાઈ કળામાંથી ધોકો પોતાનું સ્થાન ગુમાવી ચુક્યો છે.

હવે ગૃહિણીઓ નદી કિનારે કપડાં ધોવા જતી નથી. નહીં તો વર્ષો પહેલા તમે નદી કિનારે જાઓ તો જેમ ‘ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ’ ની જેમ નદીઓના ઘાટ પર બહેનોની ભીડ થતી ચિત્રકૂટમાં તિલક થતાં અને અહીં બહેનો વચ્ચે માથાકૂટ થતી. કપડા ધોવા માટે નદીકાંઠે મોકાનું પ્લેટફોર્મ (છીપરું) મેળવવા માટે ધોકા ઉડતા. મજબૂત મહિલાઓ વચ્ચે આવી અથડામણ થવાથી કેટલીકવાર તો કપડાની ધોલાઈ પહેલા ધોકો માનવ ધોલાઇના કામમાં આવતો. આમ એક પંથ દો કાજ થતાં. જેમ ચિત્રકૂટના ઘાટ પર સંતોના ભજન કીર્તન કાને પડતા એમ નદીઓના ઘાટ પર ધોકાની ધબ્બા ધબ્બી કાને પડતી.

એ દ્રશ્યો જ અનોખા હતા. નદી કાંઠે આવેલા કાળમીંઢ છીપરાં પર દૂર દૂર સુધી મહિલાઓ પોતાના કપડાના ભારા લઈને આવી પહોંચે પછી કસકસતો કછોટો વાળીને ધોલાઈનો કાર્યક્રમ શરૂ કરતી. એમાં સામે બેઠેલી બહેનો સાથે વાતો પણ કરતી જાય અને કપડાંને ધોકા પણ નાખતી જાય. ધ્યાનથી જુઓ તો (મહિલાઓને નહીં! ધોકા નાખવાની શૈલીને!) તો અનુભવે ખ્યાલ આવી જાય કે અત્યારે કોનું કપડું ધોવાઈ રહ્યું છે.

જો ધીમા હાથે છબછબાવીને બે’ક  હળવા હળવા ધોકા નાખતી હોય તો સમજવું કે પતિના કપડાં ધોવાઈ રહ્યાં છે. પત્નીને કરુણાની મૂર્તિ કાંઈ અમસ્તી કહી છે! પતિના કપડાં પર જોરથી ધોકો ય ન વળગાડે. એને દયા આવે કે આને બિચારાને અહીં શું કામ ધોકાવવો. આમાં તો ‘ઘેર બેઠા ગંગા’ જ કરાય ને! પણ જો કપડાને બે હાથે ધબધબાવીને, દાંત કચકચાવીને, ફેરવી ફેરવીને ધોકા આંટતી હોય તો સમજવું કે એ સાસુના કપડા છે. સાસુના કપડા પર એ પૂરેપૂરી દાઝ ઉતારે છે. સાસુને ઘરમાં જ પહોંચી ને પાછી વળે એવી વહુઓ સાસુના કપડા પર નદી કિનારે કહેર વરસાવતી નથી, એને બે-ચાર ધોકા મારીને બાજુમાં મૂકી દે છે. પણ જો કોઈ કપડાં પર ઘૂંટણભેર  થઈને, દાંત કચકચાવીને ચોળતી-મસળતી હોય અને વચ્ચે વચ્ચે ધોકા પ્રયોગ પણ કરતી જતી હોય તો સમજવું કે તે  નણંદના કપડા છે જેમ સંગીતમાં સૂરોના ચલન પરથી ખબર પડી જાય કે કયો રાગ છે. એ જ રીતે કપડા પરના ધોકાના પ્રહાર પરથી ખબર પડી જાય કે અત્યારે કોના કપડા ધોવાઈ રહ્યા છે. નદી કિનારે બારેમાસ ઉજવાતો આ ધોકાત્સવ હવે નામશેષ થવાની અણી પર છે.

નદીકાંઠે કપડા ધોનારી મજબૂત મહિલાઓ કોઈ વોશિંગ પાઉડરની મોહતાજ નહોતી. એ તો બાવડાના બળે ધોલાઈ કરવામાં માનતી. ‘દૂધ સી સફેદી ફલાણા ઢીંકણા સે આયે’ એ બધું તો ઠીકમારા ભૈ! બાકી દૂધ સી સફેદી તો ધોકાથી જ આવતી. ખાધેલ-પીધેલ (‘પીધેલ’ શબ્દ અહીં ફક્ત પ્રાસ મેળવવા લખ્યો છે.) અને કસાયેલ મહિલાના હાથમાં ધોકો જોઈને જ કપડાંનો મેલ કપડાંનો મોહ છોડી રવાના થઈ જતો.

હવે તો ધોકા ખમે એવા કપડાં જ ક્યાં આવે છે. અમુક ઊંચી કિંમતના કપડા ખરીદ્યા પછી તેમાં સૂચના લખેલી હોય છે કે સારી ક્વોલિટીના વોશિંગ પાવડરમાં હળવા હાથે ઝબોળીને વોશ કરવું. આમ કપડાં ધોવાની મજા જ મારી ગઈ છે. એટલે તો આજકાલની યુવતીઓના બાવડા તવાઈ ગયેલ દૂધી જેવા થઈ ગયા હોય છે. એમાંય પાછા ચરબીના થર દેખાય પણ એ ચરબીના થરથી કોઈ થર થર ન ધ્રુજે(પતિ સિવાય). પાણકોરાના કે માદરપાટના કપડા પર મશીનગનની જેમ ધોકા આંટતી અગાઉની મહિલાઓના બાવડા જોજો! કેવા કસાયેલા અને મસલવાળા હોય છે. આવી ધોકાધારી મહિલાના અવળા હાથની એક પડે તો બીજી માગે નહીં. આ બધું જ ધોકાને આભારી હતું. ધોકો ગુમાવ્યા પછી આપણે કેટકેટલું ગુમાવ્યું છે.

એક જમાનો હતો કે ધોકા વિના કપડા ધોવાની કલ્પના જ ન થઈ શકતી અને આજે વોશિંગ મશીનનો હુમમ હુમમ કરતો ભેદી અવાજ સંભળાય છે. પણ કાનને ટાઢક આપે એવો ધોકાધ્વનિ ક્યાંય સંભળાતો નથી. સવારના પાંચ વાગ્યામાં ગામડાઓમાં ઘેર ઘેર  ઘમ્મર વલોણાંના નાદ  સંભળાતા અને સાડાસાત વાગ્યે તો નદીએ ધોકાની ધબધબાટી બોલતી હોય. ભાતીગળ સંસ્કૃતિના એ દ્રશ્યો હવે નવીપેઢીના નસીબમાં નથી. જુના જમાનાની પેઢી એટલી ટેલેન્ટવાળી હતી કે ધોકાની અને કપડાં ધોવાની ધબધબાટીના માધ્યમથી પ્રેમસંદેશો મોકલી શકતી! માન્યામાં ન આવતું હોય તો ‘એક દુજે કે લિયે’ ફિલ્મ જોઈ લેજો.

નદીકિનારે છૂટથી ચાલતો ધોકો ત્યાર પછી ઘરમાં આવ્યો અને બાથરૂમ, ચોકડી પૂરતો સીમિત બન્યો પછી ચોકડીમાં ધોણ્ય પડે ત્યારે ધોકાનો થોડો ઘણો ઉપયોગ થતો. એટલે ધોકાનું અસ્તિત્વ ટકી રહ્યું હતું. વળી પડોશી ધર્મ બજાવતી વખતે ગૃહિણીને જ્યારે કશું જ હાથનો લાગે ત્યારે ‘હાથ પડ્યું તે હથિયાર’ ના ધોરણે કપડાં ધોવાનો ધોકો લઈને બહાર નીકળતી અને પડોશણને ધોકાનો પૂર્ણ પરિચય કરાવતી. ફ્લેટમાં ગૃહિણીઓમાં ઘણી વાર ધોકાને કારણે ધોકા ઉડતા. ફ્લેટમાં ઉપર નીચે રહેતી ગૃહિણીઓના સંબંધો તણાવયુક્ત બન્યા પછી એકબીજાને ધોબી પછાડ આપવા માટે કેટલાક મૌલિક પ્રયોગો હાથ ધરવામાં આવતા. નીચેવાળી ગૃહિણી પોતે જ્યારે બપોરના બે વાગ્યે કામથી પરવારી થાકીને એકાદ કલાકની (એટલે કે બે ત્રણ કલાકની!) નિરાંતની ઉંઘ ખેંચવાના શુભ ઇરાદાથી પથારીમાં પડે બરાબર ત્યારે જ ઉપરવાળી મજબુત મહિલા કપડાં ધોવાનું શરૂ કરે આ સમયે મહત્ત્વ કપડાંનું નહીં પણ ધોકાનું હોય છે.

મજબૂત મહિલા ચોકડીમાં જોર જોરથી ધોકાંની ધબધબ્બાટી બોલાવે છે. આવા સમયે ધોકો કેટલા હોર્સપાવર પર ચાલે છે તે મહત્વનું છે. નીચેવાળીની બપોરની ઊંઘ પર આ રીતે ઉપરવાળીના નિર્દય ધોકા પડવાથી બંને વચ્ચે મધ્યાહને માથાકૂટ થાય છે. પછી જેમ અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર થોડા સમયમાં સીવીઅર સાયકલોનમાં ફેરવાઈ જાય છે એમ તે માથાકૂટ યુદ્ધ ફેરવાઈ જાય છે. નીચેવાળી ઉપર લડવા આવે એટલાથી જ ઉપરવાળીને સંતોષ થઇ જાય કે તેની ઉંઘ હરામ કરવામાં પોતાને ધારી સફળતા મળી છે. આમ નીચેવાળીની ઊંઘ હરામ કરી ઉપરવાળી નિરાંતે ઊંઘી જાય છે. આ યુદ્ધ વર્ષો સુધી ચાલતું રહે છે ઘણીવાર તો કોઈ ગૃહિણી ફ્લેટ ખાલી કરીને બીજે રહેવા જાય ત્યારે નવા આવનાર ભાડુત ગૃહિણીને પણ નીચેવાળીની સામે લડવા માટે તૈયાર કરતી જાય છે, તેથી વ્યક્તિઓ બદલાય છે પણ યુદ્ધ ચાલતું રહે છે. આ જ મજા હતી ધોકાયુગની જે વોશિંગ મશીનના યુગમાં આજે જોવા મળતી નથી. હવે તો ‘સાપ ગયા ને લીસોટા રહ્યા’ એ જ રીતે ધોકા ગયાને વોશિંગ મશીન રહ્યા.

ગરમાગરમ મારનાર કરતા જીવાડનાર મોટો છે, ખાનાર કરતા ખવડાવનાર મોટો છે અને ‘નહાવનાર કરતા નવડાવનાર મોટો છે’ (ખાસ કરીને શેરબજારમાં.)

Most Popular

To Top