SURAT

મંદીની બૂમો વચ્ચે એપ્રિલથી સપ્ટેમ્બર સુધી જેમ અને જ્વેલરીની નિકાસ 1,61,545 કરોડ પર પહોંચી

સુરત: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચેના યુદ્ધ (War) અને અમેરિકા સહિત યુરોપમાં સ્લોડાઉનની સ્થિતિને લઈ ગંભીર આર્થિક સંકટ અને મંદીની ચર્ચાઓ ચાલી રહી છે. ડાયમન્ડ મેન્યુફેક્ચરિંગના હબ સુરતમાં (Surat) હીરાનાં કારખાનાં ઓવર પ્રોડક્શનને લીધે દિવાળીના 10 દિવસ વહેલાં બંધ થઈ ગયાં છે. બીજી તરફ એક્સપોર્ટના આંકડા ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવા સાથે તેજીનો ઉલ્લેખ કરી રહ્યા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા મુજબ એપ્રિલ-સપ્ટેમ્બર-2022ના સમયગાળા દરમિયાન એક્સપોર્ટ વધ્યો છે. મંદીની બૂમો વચ્ચે એપ્રિલથી સપ્ટેમ્બર સુધી જેમ અને જ્વેલરીની નિકાસ 12.82% વધીને 1,61,545 કરોડ પર પહોંચી છે.

કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ 4.71 % વધીને રૂ.95805.48 કરોડ રહી છે. જ્યારે સાદા ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 26.92 % વધીને રૂ. 16395.42 કરોડ થઈ છે. એવી જ રીતે તમામ પ્રકારના સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 23.43 % વધીને રૂ.22544.21 કરોડ નોંધાઇ છે. એ પૂર્વે એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ 10 % વધીને 130440 કરોડ થઈ હતી. ત્યારે પ્લેન ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 28.73 % વધીને 13302.52 કરોડ નોંધાઇ હતી.
ભારત-યુએઈ અને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મળ્યો છે. તમામ પ્રકારના સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 23.11 % વધીને 17714.51 કરોડ રહી છે.

સિલ્વર જ્વેલરીની કુલ નિકાસ 33.2 % વધીને 10594 કરોડ, રંગીન રત્નોની કુલ નિકાસ 50.66 % વધીને 1271.13 કરોડ, પોલિશ્ડ લેબ-ગ્રોન ડાયમંડની કુલ નિકાસ 64.06 % વધીને 5981.65 કરોડ થઈ છે. જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, જેમ એન્ડ જ્વેલરી સેક્ટર વર્ષ 2022-23 માટે 46 બિલિયન યુએસ ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે તૈયાર છે. છેલ્લાં બે વર્ષથી કોવિડ-19ને લીધે ચીનની અર્થવ્યવસ્થામાં મંદીને કારણે કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસને મોટી અસર થઈ છે. મોટા ભાગે અસર થઈ છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર પણ આ ઉદ્યોગ પર પડી છે. જો કે, એપ્રિલ-ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022ના સમયગાળામાં જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વૃદ્ધિ સાદાં સોનાનાં આભૂષણો અને સ્ટડેડ જ્વેલરીના મજબૂત પ્રદર્શનને આભારી છે. ભારત-UAE CEPA પર હસ્તાક્ષર કર્યા પછી અનુક્રમે 17714.51 કરોડનો વેપાર થયો છે. નાણાકીય વર્ષમાં પોલિશ્ડ લેબ-ગ્રોન ડાયમંડની કુલ નિકાસ 64.06% વધીને 5981.65 કરોડ નોંધાઇ છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં 3646 કરોડ હતી.

Most Popular

To Top