Columns

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની કાયાપલટ થશે!

માયાનગરી મુંબઈનો એક ભાગ એવો પણ છે જ્યાં જોઈને અને સમજીને પગલું ભરવું પડે!આલીશાન ઈમારતની બાલ્કનીમાંથી પણ જેનો ગૂંચવાયેલો આ વિસ્તાર જોઈ અવાક થઈ જવાય તેનું નામ ધારાવી છે! તે ધારાવી કેટલી કિંમતી હતી પણ ગણાઈ નહીં તે ઘણાને હવે સમજાશે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રક્રિયા 3 મહિનામાં શરૂ થશે,ધારાવી પુનઃવિકાસ ફકત ધારાવી નહીં પણ મુંબઈનો ચહેરો કાયમ માટે બદલવાનો ધરખમ પ્રયાસ છે! મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મુંબઈની ધારાવી એટલે કે એશિયાના સૌથી મોટા ઝૂંપડપટ્ટીના ક્લસ્ટર પૈકીના એકના વિસ્તાર અને પુનઃવિકાસ માટે નવી બિડ આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. સુધારેલ કનેક્ટિવિટી અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઉપરાંત, રાજ્ય આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા અને ધારાવી વિસ્તારના સંકલિત વિકાસ માટે વિવિધ પ્રકારની રાહતો પણ આપી રહ્યું છે.

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવા માટે નવા બિડર્સને આમંત્રિત કર્યા છે. હાઉસિંગ ઓથોરિટીએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા ધારાવીના સંકલિત પુનઃવિકાસ માટે ભારત અને વિદેશમાંથી અનુભવી અને આવા પ્રોજેક્ટ યોગ્ય બિડરોને આમંત્રિત કર્યા છે. આ કાર્ય સરળ નથી. 56000 પરિવારોને ફરીથી વસાવવાના છે. તે માટે બન્યું છે 20000 કરોડનું ગ્લોબલ ટેન્ડર! કોઈ પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ આ પ્રકારનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. ધારાવી પુનઃવિકાસ “મુંબઈનો ચહેરો કાયમ માટે બદલવા” માટે તૈયાર છે! વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંના એક ધારાવીના પુનર્વસનનું કામ 2 દાયકાથી પણ અગાઉથી ચાલી રહ્યું છે.

તેનું મધ્ય મુંબઈ સ્થાન તેને મહાનગરમાં એક મૂલ્યવાન સંપત્તિ બનાવે છે! જ્યાં જમીનના ભાવ વિશ્વમાં સૌથી વધુ છે. રસપ્રદ વાત એ છે કે, બિડર્સને આકર્ષવા માટે રાજ્ય સરકારે ભૌગોલિક નકશો દેખાડ્યો છે. જેમાં લાભના અવસર છે. ધારાવી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની સાવ નજીક આવેલું છે, જે દેશના નાણાંકીય કેપિટલ તરીકે ઓળખાય છે. તેવી જ રીતે તે મુંબઈનું કેન્દ્રબિંદુ છે અને તમામ પ્રકારના જાહેર પરિવહન સાધનો સાથે સારી રીતે જોડાયેલું છે. સાયણ, માહિમ, ચુનાભઠ્ઠી, જીટીબી નગર અને કિંગ્સ સર્કલ ખાતેનાં રેલ્વે સ્ટેશન ધારાવીને અડીને આવેલાં છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ધારાવી મેટ્રો સ્ટેશન (મુંબઈ મેટ્રો લાઇન-૩) વિકસાવી રહી છે, જે દક્ષિણ મુંબઈ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે કનેક્ટિવિટી ધરાવે છે.

વધુમાં ધારાવી નજીક બાંદ્રા વર્ક સી લિંક સાથે વધુ એક રોડ લિંકેજ વિકસાવવાની મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની યોજનાઓમાં વિસ્તારની કનેક્ટિવિટીને વધુ નિકટ લાવી મજબૂત બનાવશે. મધ્ય મુંબઈને ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડતી બાંધકામ હેઠળની મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક ધારાવીની ખૂબ નજીક છે. જેમ જેમ પ્રકલ્પ આકાર લેશે તેમાં અનેક તકો દેખાશે! ધારાવી 240 એકરમાં ફેલાયેલી છે જે પુનર્વસન માટે સૂચિત છે, તે એક નાના પાયે અને અસંગઠિત ઉદ્યોગનું કેન્દ્ર છે જે દવાઓ, ચામડા, ફૂટવેર અને કપડાંનું ઉત્પાદન કરે છે.10 લાખની અંદાજિત વસ્તી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના ધારાવીના પુનઃવિકાસ માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું હતું, જે એશિયાના સૌથી મોટા ઝૂંપડપટ્ટીના ક્લસ્ટરોમાંનું એક છે, આ પ્રોજેક્ટ પર રૂ. 20000 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે.

મહારાષ્ટ્ર સરકાર વર્ષના અંત સુધીમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે અને બિડિંગ મેળવનારને 56000થી વધુ પરિવારોના પુનર્વસન સહિતના પૂર્ણ કામ જોવા માટે 7 વર્ષની મુદત ફાળવવામાં આવશે. વૈશ્વિક ટેન્ડર બહાર પડ્યું છે હવે ઝડપ સાથે બિડિંગ પ્રક્રિયા પૂર્ણ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. જો કે કામ શરૂ થવાની તારીખ અંગે ટિપ્પણી કરવી હાલ યોગ્ય નથી. વિજેતા બિડર પાત્ર ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ઓળખવા માટે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ બનાવશે. વિજેતા બિડર દ્વારા પાત્રતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે અને અધિકારીઓ તેમાં મદદરૂપ બનશે.

ઓથોરિટી બિડર્સને તેમની બિડ એક તબક્કામાં બે એન્વલપ્સ ઇ-ટેન્ડરિંગ પ્રક્રિયામાં સબમિટ કરવા આમંત્રણ આપે છે.જે ટેન્ડર દસ્તાવેજો,બિડ દસ્તાવેજ સંબંધિત છે. રૂ. 1600 કરોડનાં લઘુતમ નિર્ધારિત રોકાણ કરતાં સૌથી વધારે રકમ ટાંકીને લાયક બિડરને પ્રોજેક્ટ એનાયત કરવામાં આવશે, જે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપનીના મુખ્ય ભાગીદાર સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપનીના નિયમો અને શરતો અનુસાર લાવવા માટે તૈયાર છે. સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ એ પેટા કંપની છે જે ચોક્કસ વ્યવસાય હેતુ અથવા પ્રવૃત્તિ હાથ ધરવા માટે રચવામાં આવી છે.

SPVનો સામાન્ય રીતે ચોક્કસ માળખાગત ફાઇનાન્સ એપ્લિકેશન્સમાં ઉપયોગ થાય છે, જેમ કે એસેટ સિક્યોરિટાઇઝેશન, સંયુક્ત સાહસો, પ્રોપર્ટી ડીલ્સ અથવા પેરેન્ટ કંપનીની અસ્કયામતો, કામગીરી અથવા જોખમોને અલગ કરવા ઉપયોગી બનશે. રૂ. 400 કરોડની ઇક્વિટી સિવાય પ્રોજેક્ટ માટે જરૂરી કોઈ પણ રોકાણ લીડ પાર્ટનર દ્વારા ફરજિયાત કન્વર્ટિબલ ડિબેન્ચર્સ કે ફરજિયાત પ્રેફરન્સ શેર્સ જેવી ફરજિયાત કન્વર્ટિબલ સિક્યોરિટીઝના સ્વરૂપમાં લાવવામાં આવશે. સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ યોગ્યતા ધરાવતાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ અને અન્ય રહેવાસીઓ માટે મફત આવાસ બાંધવા માટે જવાબદાર રહેશે, જેમાં નાગરિક સગવડો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

જ્યારે તેના બદલે તે બજારમાં વેચવા માટે મફત વેચાણ વિસ્તાર બાંધવા માટે હકદાર રહેશે. 11 ઓક્ટોબરના પ્રી-બિડ મીટિંગ યોજાશે. અને બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2022 છે.નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જેઓ હાઉસિંગ પોર્ટફોલિયો પણ ધરાવે છે, તેમણે સ્પષ્ટતા કરી કે રાજ્ય સરકાર આગામી 4 મહિનામાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા પર વિચાર અને કામ કરી રહી છે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સ્પેશ્યલ પર્પઝ કંપની મોડલ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમાં રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રેલવેની જમીનના ટ્રાન્સફરનો ઉલ્લેખ કરતા નિયમો અને શરતો હશે. બે બિડરોએ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો પરંતુ ટેક્નિકલ કારણોસર બિડ રદ કરવામાં આવી હતી.

ઓક્ટોબર 2020માં તત્કાલીન મહારાષ્ટ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે અગાઉના ટેન્ડરને રદ કર્યું, જે 2 દાયકાથી વધુ સમયથી નિર્માણમાં છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે એશિયાના સૌથી મોટા સ્લમ ક્લસ્ટર પૈકીના એક – ધારાવીના પુનઃવિકાસ માટે નવા ટેન્ડરો આમંત્રિત કરવાની દરખાસ્તને મંજૂરી આપ્યાના એક અઠવાડિયા પછી, મહારાષ્ટ્ર હાઉસિંગ ડિપાર્ટમેન્ટે એક સરકારી ઠરાવ બહાર પાડ્યો છે જેમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ માટે જાહેરાત કરવામાં આવી છે. પુનઃવિકાસ સાથે વિકાસકર્તા દ્વારા ચૂકવવામાં આવેલાં પ્રીમિયમના સ્વરૂપમાં ઘણી છૂટછાટો, નિરીક્ષણ શુલ્ક, માલ અને સેવા કરની વિગતો છે.

ધારાવી પુનઃવિકાસ મહારાષ્ટ્ર સરકાર સમયસર પૂર્ણ થશે તો વધારાની છૂટ આપશે. પુનઃવિકાસ લગભગ 2 દાયકાથી પેન્ડિંગ છે. આગામી દિવસોમાં પુનર્વિકાસ ટ્રેક પર આવશે તેવી અપેક્ષા છે. રોગચાળા પછી ધારાવીની પરિસ્થિતિ બગડી હતી. એક ચોક્કસ કાયાપલટની રૂપરેખા હવામાનમાં પલટો લાવશે સ્વચ્છ મહારાષ્ટ્ર અને સ્વચ્છ મુંબઈની યોજના આગળ ધપાવી શકાશે!સમય સાથે ઈચ્છાશક્તિ અને બાંધકામની ટેકનોલોજી બદલાઈ છે. નવેસરના પ્રયત્નો રંગ લાવશે તો મુંબઈમાં પણ ચોતરફ બદલાવ જરૂર દેખાશે!

Most Popular

To Top