Columns

8 વર્ષમાં એવો કમાલ કર્યો કે આ મહિલા ધનિક ભારતીયોની ટોચની યાદીમાં આવી ગઈ!

નેહા નારખેડે. ડેટા ટેક્નોલોજી કંપની કન્ફ્લુઅન્ટના કો-ફાઉન્ડર છે. તેણે હુરુન ઈન્ડિયા અને IIFL (IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022)ના સૌથી ધનિક ભારતીયોની યાદીમાં સ્થાન બનાવ્યું છે. 37 વર્ષની નેહા ભારતની સૌથી યુવા સેલ્ફ મેડ વુમન છે. તેમની કુલ સંપત્તિ 13,380 કરોડ રૂપિયા છે. એક રિપોર્ટ અનુસાર, નેહા ભારતની સૌથી અમીર મહિલાઓની યાદીમાં 8મા નંબરે છે. નેહાનું નામ આ લિસ્ટમાં પહેલી વાર સામે આવ્યું છે. તેમના સિવાય નાયકા ફાઉન્ડર ફાલ્ગુની નાયર અને બાયકોન ફાઉન્ડર કિરણ મઝુમદાર શૉનું નામ પણ આ લિસ્ટમાં છે. ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક નેહા નારખેડેનો જન્મ પુણેમાં થયો હતો. તેણે પૂણે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને તે પછી તેણે જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી માસ્ટર ડિગ્રી લીધી હતી. આ પછી તેણે ઓરેકલ અને પછી LinkedInમાં કામ કર્યું હતું.

LinkedIn પર કામ કરતી વખતે, નેહા અને તેની ટીમે એક ઓપન સોર્સ મેસેજિંગ સિસ્ટમ બનાવી હતી. આ સોર્સને અપાચે કાફકા નામ આપ્યું હતું. આ સિસ્ટમ સાઇટ પર પડતા ડેટાના ભારને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવી હતી. ફોર્બ્સ અનુસાર, વર્ષ 2014માં નેહા અને તેની ટીમે વિચાર્યું કે ડેટાની સમસ્યાથી ઝઝૂમી રહેલી અન્ય કંપનીઓને આ સિસ્ટમનો લાભ કેમ ન આપવો જોઈએ અને આ હેતુ માટે તેણે 2014માં કન્ફ્લુઅન્ટની શરૂઆત કરી હતી. જે વિશ્વના લોકપ્રિય ડેટા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાંથી એક છે.

વર્ષ 2017માં નેહાએ ગ્વેન શાપિરા અને ટાઉટ પાલિનો સાથે મળીને તેમણે ‘કાફકા: ધ ડેફિનેટિવ ગાઈડ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તક ટેક્નોલોજી વિશે વાત કરે છે, જેની મદદથી કાફકા સિસ્ટમ બનાવવામાં આવી છે. અગાઉ નેહાએ ફોર્બ્સની અમેરિકાની સૌથી અમીર સેલ્ફ-મેડ વુમન 2022ની યાદીમાં 57મો રેન્ક મેળવ્યો હતો. તે જ સમયે વર્ષ 2018માં ફોર્બ્સે ટેકમાં તેમને વિશ્વની ટોચની 50 મહિલાઓની યાદીમાં પણ સ્થાન મેળવ્યું હતું. બ્યૂટી એન્ડ વેલનેસ પ્લેટફોર્મ નાયકા નવેમ્બર 2021માં શેરબજારમાં લિસ્ટેડ થયું હતું.

આ પછી નાયકાએ એક નવી સક્સેસ સ્ટોરી લખી હતી. નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયર આ વર્ષે હુરુનની યાદીમાં સૌથી ધનિક સ્વ-નિર્મિત મહિલા તરીકે ઊભર્યા હતા. આ પહેલાં બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શૉ આ યાદીમાં ટોચ પર હતા. હુરુન ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આ યાદીમાં 1103 લોકોએ જગ્યા બનાવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આ યાદીમાં 96 વધુ લોકો ઉમેરાયા છે. આ યાદીમાં સામેલ લોકોની સરેરાશ ઉંમર 63 વર્ષ છે, જ્યારે માત્ર મહિલાઓની વાત કરીએ તો સરેરાશ ઉંમર 61 વર્ષ છે. 10 વર્ષ પહેલાં આ યાદીમાં માત્ર 13 મહિલાઓ હતી, આ વખતે 55 મહિલાઓએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

Most Popular

To Top