Vadodara

ભગવાન નરસિંહજીના વરઘોડામાં ભક્તોનું ઘોડાપુર

વડોદરા: દેવ દિવાળીના દિવસે વડોદરા શહેરમાં પરંપરાગત નરસિંહ ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. ભગવાન નિજ મંદિર ખાતેથી નીકળી તુલસી વાડી ખાતે પહોંચ્યા હતા જ્યાં તુલસીજી સાથે ભગવાનની લગ્ન વિધિ યોજવામાં આવી હતી.
દેવ દિવાળીના દિવસે વડોદરા શહેરમાં નરસિંહજીની પોળ ખાતે આવેલ નરસિંહ મંદિર ખાતેથી ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળે છે. આ વર્ષે ભગવાનનો 287 મો વરઘોડો નીકળ્યો હતો. સવારે ચાંલ્લા વિધિ સહિતની વિધિ યોજવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. તો બપોર બાદ નિજ મંદિર ખાતેથી ભગવાનનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

ભગવાન તુલસીજી સાથે લગ્ન કરવા માટે તુલસીવાડી પહોંચ્યા હતા. વરઘોડો માંડવી, ચાંપાનેર ગેટ, ફતેપુરા થઇ તુલસીવાડી ખાતે પહોંચ્યો હતો. ભગવાન સાજન માજન સાથે વાજતે ગાજતે વરઘોડો લઈને નીકળ્યા હતા ત્યારે વાતાવરણ પુલકિત થઇ ગયું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. તુલસી વિવાહ બાદ આ વરઘોડો મોડી રાતે પરત ફરે છે. તે પુર્વે રવિવારે મોડી સાંજે વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભગવાનના લગ્ન નિમિત્તે નરસિંહજી મંદિર પાસે ભજન મંડળીઓએ અને મહિલા મંડળોએ લગન ગીતો ગાયા હતા. રવિવારે મોડી રાત સુધી માહોલ જામેલો રહ્યો હતો.નરસિંહજીની પોળમાં રવિવારે રાતે મેળા જેવો માહોલ જામ્યો હતો.

સિદ્ધેશ્વરી માતા નરસિંહ ભગવાનના કુળદેવી છે
વડોદરા શહેરના નરસિંહજીની પોળમાં 200વર્ષ જૂનું શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, માન્યતા અનુસાર સિદ્ધેશ્વરી માતા નરસિંહ ભગવાનના કુળદેવી છે, દેવદિવાળી ના દિવસે નરસિંહ મંદિરથી ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળે છે ત્યારે પરંપરા અનુસાર નરસિંહજી ભગવાનનો વરઘોડો સિદ્ધેશ્વરી માતાના મંદિરે આવે છે અને માતાજીના દર્શન કરી તુલસીજીને પરણવા માટે તુલસીવાડી જાય છે

Most Popular

To Top