National

ગેરકાયદે વિદેશ મોકલવાનું કૌભાંડ: દિલ્હી એરપોર્ટ પરથી મળી આવ્યા 325 પાસપોર્ટ, 175 નકલી વિઝા

નવી દિલ્હી: (New Delhi) દિલ્હી એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય નકલી પાસપોર્ટ અને વિઝા (Passport And Visa) રેકેટ ચલાવતા ચાર લોકોની ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) પોલીસે ધરપકડ કરી છે. IGI એરપોર્ટ DCP તનુ શર્માએ જણાવ્યું કે આરોપીઓ પાસેથી 325 નકલી પાસપોર્ટ, 175 નકલી વિઝા અને અન્ય સંબંધિત વસ્તુઓ મળી આવી છે. આ સૌથી મોટું રેકેટ હોવાનું મનાય છે જે પકડાયું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ટોળકીનો માસ્ટર માઈન્ડ ઝાકિર યુસુફ શેખ છે. IGI યુનિટને ગેંગ વિશે માહિતી મળી હતી ત્યારબાદ તેનો પર્દાફાશ થયો હતો. અગાઉ IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં PP એક્ટનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ગાંધીનગરમાં રહેતા મુસાફર રવિ રમેશભાઈ ચૌધરી નકલી પાસપોર્ટના આરોપમાં કુવૈતથી ઝડપાયો હતો.

  • દિલ્હી એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય નકલી પાસપોર્ટ અને વિઝા રેકેટ પકડાયું
  • IGI યુનિટને ગેંગ વિશે માહિતી મળી હતી ત્યારબાદ તેનો પર્દાફાશ થયો
  • આરોપીઓ પાસેથી 325 નકલી પાસપોર્ટ, 175 નકલી વિઝા અને અન્ય સંબંધિત વસ્તુઓ મળી આવી
  • DCP તનુ શર્માએ જણાવ્યું, આ સૌથી મોટું રેકેટ હોવાનું મનાય છે
  • ગેંગ પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ બનાવવા માટે રંગ, બે લેમિનેશન મશીન, એક પેપર કટર મશીન મળી આવ્યું

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નકલી પાસપોર્ટની વ્યવસ્થા મુંબઈના રહેવાસી ઝાકીર યુસુફ શેખ અને મુસ્તાક ઉર્ફે જમીલ રવાલા નામના એજન્ટો દ્વારા ગોઠવવામાં આવી હતી. તેઓનો પરિચય ગુજરાતના નારાયણભાઈ ચૌધરી નામના સ્થાનિક એજન્ટ દ્વારા રવિ રમેશભાઈ ચૌધરી સાથે થયો હતો. તપાસ દરમિયાન પોલીસે ઝાકીર શેખ અને જમીલ રવાલા, તેના સાથી ઈમ્તિયાઝ અલી શેખ ઉર્ફે રાજુભાઈ અને સંજય દત્તારામ ચવ્હાણની મુંબઈથી ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ફરાર એજન્ટ નારાયણભાઈને પકડી પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.

ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પોલીસને મળી આ વસ્તુઓ
325 ભારતીય પાસપોર્ટ, 175 વિઝા, 1200થી વધુ સ્ટેમ્પ, 11 આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ, 75 પાસપોર્ટ જેકેટ, 17 આધાર કાર્ડ, 12 કલર પ્રિન્ટર, નકલી ભારતીય પાસપોર્ટ બનાવવા માટે રંગ, બે લેમિનેશન મશીન, એક પેપર કટર મશીન, બે ફોટો પોલિમર મશીન, યુવી સ્ટેમ્પ બનાવવાનું મશીન અને અન્ય ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા હતા.

Most Popular

To Top