National

દિલ્હીમાં મિશન 2024ની તૈયારી: ભાજપના સેન્ટ્રલ કાર્યાલયમાં પહોંચ્યા દિગ્ગજો

નવી દિલ્હી: (New Delhi) કેન્દ્રમાં નવા જુનીના અણસાર સામે આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ (BJP) દિલ્હીમાં મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની ચર્ચા છે. દર્શના જરદોશ સુરતનો (Surat) કાર્યક્રમ રદ કરી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં ભાજપના સેન્ટ્રલ કાર્યાલયમાં જેપી.નડડાએ બોલાવેલી બેઠકમાં અમિત શાહ, સ્મૃતિ ઈરાની, પ્રહલાદ જોશી, કૌશલ કિશોર, બી.એલ.વર્મા, અર્જુન મુંડા, વિકે.સિંહ, ભુપેન્દ્ર યાદવ અજય મિશ્રા, અનુરાગ ઠાકુર પહોંચ્યા હતા.

આવનારા સમયમાં યોજાનારી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તે 144 લોકસભા બેઠકો જીતવા માટે એક વ્યૂહરચના ઘડવાની તૈયારીઓ કરાઈ હતી જેના પર ભાજપ છેલ્લી ચૂંટણીઓમાં ઓછા માર્જિનથી ચૂકી ગઈ હતી. આ બેઠકોને જૂથોમાં વહેંચવામાં આવી હતી અને દરેક જૂથનું નેતૃત્વ એક કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. મંત્રીઓના અન્ય જૂથને પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આ મતવિસ્તારોની અંદરના તમામ વિધાનસભા મતવિસ્તારોની મુલાકાત લેવા અને રાજકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમને સંભવિત ઉમેદવારોને ઓળખવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી.

મંત્રી પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્ર સિંહ તોમર, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનોએ ભાજપ મુખ્યાલયમાં યોજાનારી આ બેઠકમાં ચર્ચા કરવા પહોચ્યા હતા. બેઠક દરમિયાન મંત્રીઓએ આ મતવિસ્તારો અંગે વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. આ 144 લોકસભા બેઠકોની યાદીમાં તે મતવિસ્તારોનો પણ સમાવેશ થાય છે જ્યાં 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપી બીજા કે ત્રીજા ક્રમે રહી હતી.

મંત્રીઓએ લોકસભા મતવિસ્તારોની મુલાકાત લીધી છે
સૂત્રોએ જણાવ્યું કે મંત્રીઓએ લગભગ તમામ મતવિસ્તારોની મુલાકાત લીધી છે અને ચૂંટણીલક્ષી મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરી છે. સૂત્રોએ જણાવ્યું કે મંત્રીઓએ આ મતવિસ્તારોમાં ભાજપની સ્થિતિનું વિશ્લેષણ કર્યું અને 2024ની ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાંની ઓળખ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીએ આ મતવિસ્તારો પર વિગતવાર બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે જેમાં ધર્મ, જાતિ, ભૌગોલિક ક્ષેત્ર, મતદાર મતદાન અને તેની પાછળના કારણોની માહિતી શામેલ છે.

બીજી તરફ ટેક્સટાઈલ મિનિસ્ટર દર્શના જરદોશ પણ દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ સિલ્ક ફેબ એક્ઝિબિશનનું સાંજે 5 વાગ્યે સુરતના સિટીલાઈટ ખાતે આવેલ મહારાજા અગ્રસેન ભવન ખાતે ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ દિલ્હીથી તેડું આવતા તેઓ કાર્યક્રમ રદ્ કરી દિલ્હી જવા રવાના થયા હતા.

Most Popular

To Top