National

કેજરીવાલની ધરપકડ પર ‘INDI’ ગઠબંધન પક્ષોમાં ગુસ્સો, ગઠબંધન ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યું

નવી દિલ્હી: (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મોડી સાંજે તેમના ઘરની તલાશી બાદ ધરપકડ કરી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે ઈન્ડિયા એલાયન્સમાં સામેલ રાજકીય પક્ષોએ પણ કેજરીવાલની ધરપકડ સામે તીખી પ્રતિક્રિયા આપી છે અને કેન્દ્રની NDA સરકાર પર નિશાન સાધ્યું છે.

અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે ઇન્ડી ગઠબંધન ચૂંટણી પંચ પહોંચ્યું છે. વિપક્ષી ગઠબંધને મેમોરેન્ડમ સુપરત કર્યું છે અને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તેમણે પંચને જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. માત્ર થોડા અઠવાડિયાના ગાળામાં કેન્દ્ર સરકારે રાજ્યોના લોકશાહી રીતે ચૂંટાયેલા બે મુખ્ય પ્રધાનોની ધરપકડ કરી છે જેઓ શાસક અને પક્ષના વિરોધી છે.

દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું કે એક ડરેલા સરમુખત્યાર મૃત લોકશાહી બનાવવા માંગે છે. મીડિયા સહિતની તમામ સંસ્થાઓને કબજે કરવી, પાર્ટીઓ તોડવી, કંપનીઓ પાસેથી પૈસા પડાવવા, મુખ્ય વિપક્ષી પાર્ટીના ખાતા ફ્રીઝ કરવા એ ‘અસુરી શક્તિ’ માટે પૂરતું નહોતું, હવે ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બાબત બની ગઈ છે. INDI આનો જડબાતોડ જવાબ આપશે.

NCP નેતા શરદ પવારે X- પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હું વિપક્ષને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓના પ્રતિશોધાત્મક દુરુપયોગની સખત નિંદા કરું છું. ખાસ કરીને જ્યારે સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે. આ ધરપકડ દર્શાવે છે કે ભાજપ સત્તામાં કેટલી હદે નીચે જઈ શકે છે. અરવિંદ કેજરીવાલ સામેની આ ગેરબંધારણીય કાર્યવાહી સામે ‘ઇન્ડી’ એકજૂટ છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે X પર એક પોસ્ટમાં કહ્યું કે જેઓ પોતે હારના ડરના કેદમાં છે તેઓ બીજાને શું રીતે કેદ કરશે? ભાજપ જાણે છે કે તે ફરીથી સત્તામાં આવવાની નથી, આ ડરને કારણે તે ચૂંટણી સમયે કોઈપણ રીતે વિરોધ પક્ષના નેતાઓને જનતાથી દૂર કરવા માંગે છે, ધરપકડ એ માત્ર એક બહાનું છે. આ ધરપકડ નવી લોકક્રાંતિને જન્મ આપશે.

ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને X પર એક પોસ્ટમાં લખ્યું કે 2024ની ચૂંટણી પહેલા એક દાયકાની નિષ્ફળતા અને નિકટવર્તી હારના ડરથી ફાસીવાદી ભાજપ સરકાર દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરીને પાતાળમાં ધસી ગઈ છે. હેમંત સોરેન બાદ અરવિંદ કેજરીવાલને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે.

તેમણે લખ્યું કે ભાજપના એક પણ નેતાને તપાસ કે ધરપકડનો સામનો કરવો પડ્યો નથી જે સત્તાના દુરુપયોગ અને લોકશાહીના પતનનો પર્દાફાશ કરે છે. ભાજપ સરકાર દ્વારા વિપક્ષી નેતાઓની સતત હેરાનગતિથી નિરાશા છવાઈ જાય છે. આ અત્યાચાર લોકોમાં આક્રોશ ભડકાવવાનો છે, જેના કારણે ભાજપના અસલી રંગ ખુલી રહ્યા છે. પરંતુ અર્થહીન ધરપકડો અમારા સંકલ્પને મજબૂત કરી રહી છે. આ ભારતીય ગઠબંધનના વિજયના માર્ગને મજબૂત બનાવશે. જનતાના રોષ માટે ભાજપ તૈયાર રહે!

આરજેડી નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકતાંત્રિક રીતે વિપક્ષ સામે લડવાને બદલે ભાજપ તપાસ એજન્સીઓ અને અન્ય બંધારણીય સંસ્થાઓની પાછળ છુપાવવાનો પ્રયાસ કરી તેઓના મજબૂત સમર્થન સાથે ચૂંટણી લડવા માંગે છે. એનડીએ સરકારે રાજકીય, લોકશાહી અને બંધારણીય નૈતિકતા અને ગરિમાનો ભંગ કરીને દેશ પર અઘોષિત કટોકટી લાદી છે.

Most Popular

To Top