SURAT

‘રાજુએ માર્યો છે મને લેવા આવો’, ફોન આવતા જ ભાઈ યુપીથી સુરત દોડી આવ્યો પણ મોડું થઈ ગયું

સુરત : શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુપીવાસી યુવકનું મોત થયું છે. આ યુવકની હત્યા છે કે અકસ્માત તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

  • સચિન જીઆઈડીસીમાંથી ત્રણ દિવસ પહેલાં ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુપીવાસી યુવકનું મોત
  • રાજુ નામના ઈસમે માર્યો હોવાનો ભાઈને યુપી ફોન કર્યો હતો, પરિવાર યુપીથી સુરત આવ્યો તે પહેલાં યુવકનું મોત થયું
  • બે મહિના બાદ લગ્ન હોઈ તેની તૈયારી ચાલતી હતી, પરંતુ તે પહેલાં જ યુવકનું મોત થતાં પરિવાર શોકમાં

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલાં સચીન જીઆઈડીસીમાંથી એક યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન આજે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. મૃતકના ભાઈ અનિલ ચૌહાણે કહ્યું કે તેના ભાઈ મુકેશ ચૌહાણનું મોત થયું છે. મુકેશનો ત્રણ દિવસ પહેલાં ફોન આવ્યો હતો. મુકેશે ફોન પર કહ્યું હતું કે તેને કોઈ રાજુ નામના ઈસમે માર માર્યો છે. મને લેવા આવો. ત્યાર બાદ આજે સવારે યુપીથી હું સુરત સિવિલ પહોંચ્યો તો મારા ભાઈનો મૃતદેહ જોવા મળ્યો હતો. મને કંઈ સમજ પડી રહી નથી કે મારા ભાઈ સાથે શું થયું છે?

વધુમાં અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે મુકેશ JCB મશીન ઓપરેટર હતો. 5 મહિના પહેલા જ સુરત કામકાજની શોધમાં આવ્યો હતો. તેના ભાઈ મુકેશની ત્રણ મહિના પહેલાં સગાઈ થઈ હતી. બે મહિના બાદ તેના લગ્ન હતા. ઘરમાં લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે મુકેશના મૃત્યુના સમાચારથી પરિવાર શોકમાં સરી પડ્યો છે.

ત્રણ મહિના પહેલા જ સગાઈ થઈ હતી. અને બે મહિના બાદ લગ્ન હતા. આખું પરિવાર લગ્નના ઉત્સાહમાં અને તૈયારીમાં વ્યસ્ત હતું. પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. પરિવારમાં એક ભાઈ, બે બહેન અને માતા-પિતા છે. પોસ્ટ મોર્ટમ બાદ મુકેશના મૃતદેહને વતનમાં કે સુરતમાં અંતિમ વિધિ કરવી તે નક્કી કરાશે

ત્રણ દિવસ પહેલાં રાજુ નામના ઈસમે માર્યો હતો
અનિલ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા મુકેશે ફોન કરી ને કહ્યું હતું કે રાજુ નામના ઈસમે મને માર્યો છે મને લેવા આવો, બસ છેલ્લી વાત થયા બાદ પરિવાર ગભરાઇ ને સુરત દોડી આવ્યું હતું. આજે સુરત સ્ટેશન પરથી સિવિલ આવતા વોર્ડમાં એનો મૃતદેહ જોઈ પગ તળિયે થી જમીન સરકી ગઈ હતી.

Most Popular

To Top