Columns

સાગરની જેમ સમાવી લેવાની શક્તિ કેળવીએ..

ઈશ્વરની સરખામણી સાગર સાથે કરવામાં આવે છે. ઇશ્વર જ્ઞાનના સાગર છે. પ્રેમના સાગર છે, શાંતિના સાગર છે, કરૂણાના સાગર છે, સુખના સાગર છે અને પવિત્રતાના સાગર છે. સાગર બહુ વિશાળ હોય છે. ભરપૂર હોય છે, પરંતુ બીજો એક બહુ મોટો ગુણ સાગરમાં છે અને તે છે સહુને સમાવી લેવાનો ગુણ. કેટકેટલી નદીઓ, નાળા, ઝરણાઓ તથા એમના દ્વારા લવાયેલો કચરો પણ સાગર પોતાનામાં સમાવી લે છે.

છતાં તે કેટલો સ્વચ્છ અને ગંભીર દેખાય છે. આપણે પણ સાગરની જેમ સમાવાની શક્તિ કેળવવાની છે.સમાવી લેવાની ભાવના એટલે બીનજરૂરી, અયોગ્ય વાતોને વિસરી જવી, મનમાં ન રાખવી, એનું વર્ણન ન કરવું, પોતાનું સમાયોજન કરવું, પોતાની જાતને પરિસ્થિત અનુસાર ઢાળી દેવી, સારી બાબતોને ગ્રહણ કરવી વગેરે. ઇશ્વરે આપણને સૌને સમાય જવાની શક્તિ વરદાન રૂપે આપી છે, જેનો આપણે ઉપયોગ કરવો જોઇએ. સમાવી લેવાની શક્તિને બે ભાગોમાં વહેંચી શકાય. (1) પોતાનામાં સમાવી લેવાની શક્તિ. (2) અન્યમાં સમાઇ જવાની શક્તિ.

(1) થોડું પણ ધન, પદ, યશ, સમ્માન મળવાથી એનું વારંવાર વર્ણન નહીં કરવું જોઇએ. એ સંબંધે ગર્વ ન કરવો જોઇએ, એની બડાશ ન હાંકવી જોઇએ, કારણ કે કોઇપણ વસ્તુ સદાને માટે રહેતી નથી. વળી ગર્વ-અભિમાન પતનની ખાઇ છે. આ વાત આપણે એક દૃષ્ટાંતથી સમજીએ. એક વખત એક શેઠે કોઇ એક સંતને પોતાને ઘેર તેડાવ્યા. શેઠ તેમને પોતાનું ઘર, ખેતર, બાગ-બગીચો, જમીન-મિલ્કત, દુકાન વગેરે બતાવી રહ્યા હતા અને એમની વાતોમાં અભિમાન દેખાઇ આવતું હતું. સંતતો સમજી ગયા, એમણે શેઠજી પાસે વિશ્વનો એક નકશો મંગાવ્યો અને પૂછ્યું આમા ભારત કયાં છે.

શેઠે શોધીને આંગળી મૂકી. પછી પૂછ્યું, આમાં તમારુ રાજ્ય કયાં છે. શેઠને થોડી મુશ્કેલી પડી, છતાં પોતાના પેનની અણીને રાખીને બતાવ્યું. સંતે ફરી પૂછ્યું આમા તમારું શહેર કયાં છે. હવે તો શેઠ સાચે જ મુશ્કેલીમાં મુકાઇ ગયા. એમાં શહેર શી રીતે બતાવી શકે. એક ટપકાં જેટલું પણ ન હતું. ત્યારે સંત હસતા રહ્યા. પછી બોલ્યા વારૂ એમાં તમારું ઘર, બાગ-બગીચો વગેરે બતાવો. શેઠજી સ્તબ્ધ થઇ ગયા. સંત બોલ્યા કે જે માલ-મિલકત માટે નકશામા એક ટપકું પણ મુકી શકાતુ નથી તેને માટે તમે નિરર્થક ગર્વ કરો છો.

તમને ને જે કાંઇ મળ્યું છે તેને ઇશ્વરની કૃપા સમજી નમ્ર ચિત્ત બનીને એનો ઉપયોગ કરશો તો સૌ કોઇ તમારા પ્રશંસક બની રહેશે. (2) કોઇપણ પ્રકારની કોઇનામા પણ ખોડ-ખાપણ કાઢવી, કોઇના પણ નુકસાન અંગે નિંદા કરવી, કોઇની મહેનતની અસફળતા માટે વર્ણન કરવું જોઇએ નહી. એને પણ સમાવી લેવાની કળા આવડવી જોઇએ. એનું વારંવાર વર્ણન કરવાથી, અફસોસ કરવાથી વાતાવરણ બગડે છે. આપણે હકીકતમાં સમભાવી થવું જોઇએ. યોગીઓ માટે કહેવત છે કે તેઓ નિંદા, પ્રશંસા, માન-અપમાન, જય-પરાજ્ય, લાભ, નુકશાનથી હંમેશા પર રહે છે.

અન્યમાં સમાઈ જવાની શકિતનો ઉપયોગ. કોઈની શારીરિક ખોડ જોવી, એનામાં ખામીઓ જોવી, તો એ વાતને ઉદાર બની દિલમાં સમાવી લેવી જોઈએ. વારંવાર એની ખોડનો ઉલ્લેખ ન કરવો. એવી વ્યકિતની મજાક ન ઉડાવવી. ગંભીરપણે વિચારો એ વ્યકિતને કેટલું દુઃખ થતું હશે. આ દુનિયા એક પરિવાર છે, સૌ કોઈ આપણા ભાઈ- બહેનો છે, સૌ પ્રત્યે આપણે પ્રેમ રાખવો જોઈએ. એક માતા પોતાના બાળકોની ગમે તેવી ખોડ હશે, તે સમાવી લઈને તેમને પ્રેમ આપે છે. ધરતી માતા પણ ગમે તેવા દુ:ખો સહન કરીને આપણને અન્ન આપે છે, આપણું પોષણ કરે છે. બીજાઓ માટે આપણે જેટલો પ્રેમ, આદર, સમ્માન રાખીશું એટલી વધુ સમાવાની શકિત આપમેળે આપણામાં કેળવાતી જશે.

કોઇની માનસીક કમજોરીનું પણ આપણે વર્ણન ન કરવું જોઈએ. દરેક મનુષ્યમાં એક સરખી બુધ્ધિ હોતી નથી. આપણે કોઈને કહીએ કે એ તો ખુદ ભૂલક્કડ છે, એને તો કશું થાદ રહેતું નથી, તો એ વ્યકિતને કેટલું દુ:ખ થશે. આપણે તો એનું મનોબળ વધારવાનું અને એને બુધ્ધિવાન બનાવવાનું વિચારવું જોઇએ. કોઈની ભૂલનું વારંવાર વર્ણન પણ ન કરવું જોઇએ. કોઈ વ્યકિતમાં અવગુણ હોય તો તેની નિંદા ન કરવી જોઈએ. આપણે આપણી જાતને તપાસવી જોઈએ કે આપણામાં પણ કેટલાં અવગુણો ભરેલા છે. આપણને બીજાના અવગુણો જોવાની જરૂર નથી. આપણે દરેક સાથે એડજસ્ટમેન્ટ કરતા સીખી લેવું જોઈએ.

આ વાત આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ. એક વખત એક માણસ એક સુંદર બગીચામાં ફરવા માટે ગયો. ત્યાં કોયલ બહુ મીઠું ગાતી હતી. એ સાંભળીને એણે કહ્યું, કોયલ તું મીઠું મીઠું બોલે છે, પરંતુ જો તું કાળી ન હોત તો કેવું સારૂ થાય ? તે આગળ ગયો અને ગુલાબને જોઇને બોલ્યો, ઓ ગુલાબ તુ સુંદર તો છે જ પરંતુ તને કાંટા ન હોત તો કેવું સારૂ થાય ? આ રીતે તે ખામીઓ શોધતો જ રહ્યો અને થાકી ગયો એટલે એક ઝાડ નીચે બેઠો. એ ઝાડ મોટું, ઘટાદાર, છાયાદાર હતું. એટલે એની છાયામાં આરામ કરવાથી એને ઠંડક મળી. પછી તે વૃક્ષ જોઈને કહ્યું ઓ વૃક્ષ તુ તો બહું મોટું છે પરંતુ તારા ફળ કેટલા નાના છે, જો એ પણ મોટા હોત તો કેવું સારૂ થાત ?

એટલામાં એક ફળ એના માથા પર પડયું, અને બોલ્યું ઓ મનુષ્ય જો હું મોટુ હોત તો તારૂ માથું ફૂટી ગયું હોત, તુ તો બહુ સમજુ છે, પરંતુ બીજાઓના દોષ ન ગણાવે તો કેવું સારૂ થાય ? આના પરથી આપણે બોધ લેવો જોઈએ કે આપણે કોઈની પણ ટીકા ન કરવી, ખામી, કમજોરી ન જોવી. એને સમાવી લેવાની કળા કેળવવી જોઈએ. મિત્રો, જેમ સાગર સર્વસ્વ સમાવી શકે છે, ઈશ્વર પણ ગુણ, જ્ઞાન અને શકિતઓનો સાગર છે તે રીતે આપણે પણ રોજીંદા વ્યવહારમાં મિત્રો, સંબંધીઓ તેમજ પરિવારજનો સાથે દરેક વાતમાં, દરેક પ્રસંગમાં સમાવાની શકિત કેળવીએ તો જીવનમાં સુખ-શાંતિ જે આપણા ગળાનો જ હાર છે તેનો અનુભવ કરી શકીએ. ઓમ શાંતિ….

Most Popular

To Top