SURAT

અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી પાંચ દસ્તાવેજની બોગસ એન્ટ્રી કૌંભાડમાં ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી

સુરત: અઠવા (Athwa) સબ રજીસ્ટ્રારના 60 વર્ષ જુના દસ્તાવેજનું બોગસ એન્ટ્રી કૌભાંડ (Scam) સામે આવ્યા બાદ સરકારી રેકોર્ડની જાળવણી અને સાચવણીની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે આ સમગ્ર કેસમાં હવે ક્રાઈમ બ્રાંચે (Crime Branch) તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા સબરજીસ્ટ્રાર કચેરીમાં આજે પ્રાથમિક તપાસ હાથ ધરાઈ હતી.

  • ક્રાઈમ બ્રાંચે તમામ કાગળીયા મેળવી લીધા, હવે આગામી દિવસોનાં નિવેદનો લેવામાં આવશે
  • 60 વર્ષ જૂના દસ્તાવેજો અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ગાયબ કરવાનું પ્રકરણ

નાનપુરા બહુમાળી બિલ્ડીંગના એ બ્લોકમાં ત્રીજા માળે આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજ નં. 1143, 1144, 1889, 1890 અને 1897 ના દસ્તાવેજના રેકર્ડમાં છેડછાડ થઈ હોવાની શંકાને આધારે ગાંધીનગરથી રેકર્ડ મંગાવતા વિસંગતતા જણાઈ આવી હતી. અને ત્યારબાદ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી ઓરીજનલ દસ્તાવેજ ગાયબ કરી અન્ય દસ્તાવેજની એન્ટ્રી કરાવી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કૌભાંડ સામે આવતા અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ તપાસ ક્રાઈમ બ્રાંચના સોંપતા જ ક્રાઈમ બ્રાંચના એસીપી આર.આર.સરવૈયા દ્વારા સબરજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે. આજે તેમના દ્વારા આ કેસના કાગળો મેળવી સબરજીસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક તપાસ હાથ ધરાઈ હતી. આગામી દિવસોમાં તેમના દ્વારા જમીનની મૂળ માલિક વૃધ્ધા સહિત રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓના નિવેદન લેવાશે.

બીજા પણ દસ્તાવેજો સાથે ચેડા થયા છે કે કેમ તેની તપાસ પણ થશે
ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારી એસીપી સરવૈયાના જણાવ્યા મુજબ હાલ તો કચેરીમાં પાંચ દસ્તાવેજ ખોટા બનાવ્યાનું દેખાય છે. આ દસ્તાવેજ કોણ અને ક્યારે કઈ રીતે કર્યું તે અંગે તપાસ શરૂ કરી છે. બીજા પણ દસ્તાવેજો સાથે ચેડા થયા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

કલેક્ટર દ્વારા દસ્તાવેજોની લીસ્ટ મંગાવવામાં આવી
અઠવા સબ રજીસ્ટાર કૌભાંડમાં સુરત જિલ્લા કલેકટરે આવા ક્યાં ક્યાં દસ્તાવેજોમાં ચેડાં થયા છે? તેનું એક લિસ્ટ તૈયાર કરાવી ગાંધીનગર ખાતે ખરાઈ કર્યા બાદ સંભવિત દસ્તાવેજોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે. આ સૂચના બાદ જેટલા પણ દસ્તાવેજો હશે તેમાં એન્ટ્રી પડાવતી વખતે સબ રજીસ્ટારનો અભિપ્રાય લેવાશે.

Most Popular

To Top