Sports

ક્રિકેટ અને વડોદરાનું લેણું ગજબનું : અહીં ઘણા ભાઇઓની જોડીએ ક્રિકેટ ક્ષેત્રે આગવી સફળતા મેળવી છે

એશિયા કપમાં જ્યારે હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં છગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી ત્યારે તેના મોટાભાઈ કૃણાલની છાતી ગર્વથી ફુલી ગઇ હતી. હાર્દિકના આ શોટ પહેલા જે આત્મવિશ્વાસ દેખાયો હતો તેનાથી દરેકને આશ્ચર્ય થયું હતું, પરંતુ કૃણાલને નહોતું થયું. તે લાંબા સમયથી એક છેડે ઉભા રહીને હાર્દિકને બીજા છેડે આવા વિધ્વંસક શોટ મારતા જોઈ રહ્યો છે. હાર્દિક અને કૃણાલ વડોદરાની હોમ ટીમમાં એકસાથે રમતા રહ્યા છે અને તે લાંબા સમય સુધી તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો પણ ભાગ હતા. એટલું જ નહીં તેઓ ટીમ ઈન્ડિયામાં પણ એકસાથે ઘણી મેચો રમી ચૂક્યા છે. માત્ર હાર્દિક અને કૃણાલ જ નહીં પણ ઇરફાન અને યુસુફ, કેદાર અને મૃણાલ દેવધર, સૌરીન અને સ્મિત ઠક્કર, શત્રુંજય અને અનિરૂદ્ધ ગાયકવાડ, દીપક અને આશિષ હુડા આ એવી ભાઇઓની જોડીઓ છે જેઓ વડોદરા વતી ક્રિકેટ રમી ચૂક્યા છે. વિજય હજારે અને તેમના ભાઇ વિવેક પણ વડોદરા માટે રણજી રમી ચૂક્યા છે, તો લેસ્લી ફર્નાન્ડીઝ અને એન્થની ફર્નાન્ડીઝ પણ તેમાં સામેલ છે. આ સિવાય વિક્રમ હજારે અને રણજીત હજારે પણ તેમાની જ એક જોડી છે. વડોદરા શહેરમાંથી ક્રિકેટની આટલી પ્રતિભા સામે આવવાનું કારણ અહીંનું સ્પોર્ટસ કલ્ચર છે.

મૂળ સુરતી પણ વડોદરામાં રહીને નીખરેલી હાર્દિક-કૃણાલની જોડી
તમને એ જાણીને નવાઈ લાગશે કે પંડ્યા બંધુઓની આ જોડી મૂળ તો સુરતની રહીશ હતી. પણ તે પછી તેમની ક્રિકેટની ટેલેન્ટને કારણે તેમના પિતાએ વડોદરા જવાનો નિર્ણય કર્યો અને આજે તેમનો એ નિર્ણય સાચો ઠર્યો છે. વડોદરા એક એવું શહેર છે કે જ્યાં ઘણાં ભાઇઓની જોડીઓ ક્રિકેટમાં એકસાથે રમતી થઇ છે, તેમાંથી કેટલાક ભાઇઓની જોડી તો માત્ર સ્થાનિક ટૂર્નામેન્ટમાં જ સાથે રમ્યા નથી, પરંતુ લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ લેવલે ટીમ ઈન્ડિયાને પણ ગૌરવ અપાવ્યું છે. ભારતના મહાન ક્રિકેટર વિજય હજારે અને તેમના ભાઈ વિવેકે 1940ના દાયકામાં વડોદરા માટે રણજી રમી હતી. લેસ્લી ફર્નાન્ડિસ અને તેનો ભાઈ એન્થોની ફર્નાન્ડિસ પણ 1970માં વડોદરા તરફથી રમ્યા હતા. વિક્રમ હજારે અને તેમના મોટા ભાઈ રણજિત 1972 થી 1983 સુધી રણજી ટીમનો ભાગ હતા.

પઠાણ બુંધુના નામથી જાણીતી ઇરફાન અને યુસુફની જોડી
હાર્દિક અને કૃણાલ પહેલા જો વડોદરામાંથી કોઇ બંધુઓએ એકસાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નામના કરી હોય તો તે છે ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણની જોડી. પઠાણ બંધુઓનું નામ આ મામલે હાલના નજીકના ઇતિહાસને ઘ્યાને લેતા સૌથી પહેલા આવે છે. ઈરફાન પઠાણે 2000માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેનો મોટોભાઇ યુસુફ 2001માં રણજી ટીમ સાથે જોડાયો હતો. તેઓ ઇન્ટરનેશનલ ખ્યાતિ મેળવનાર ક્રિકેટર ભાઈઓની દુર્લભ જોડીમાંથી એક હતા. બંનેએ મહેંદી શેઠની ક્લબમાં તાલીમ લીધી અને પછી વડોદરા રણજી ટીમમાં જોડાયા. પઠાણ બંધુઓ 2007 અને 2009માં ટી-20 વર્લ્ડકપમાં પણ ભારત માટે રમ્યા હતા. તેમનું એવું કહેવું છે કે તેઓ એકબીજાની રમત જાણતા હોવાથી તેઓ હંમેશા સાથે રમવામાં સહજતા અનુભવતા હતા.

કેદાર અને મૃણાલ દેવધરની જોડી પણ અલગ જ હતી
હાર્દિક 2013માં વડોદરાની રણજી ટીમ સાથે જોડાયો હતો અને ત્યારબાદ 2016માં ભારત તરફથી રમ્યો હતો. કુણાલે 2018માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. તે IPLનો પણ ભાગ છે. ગત સિઝનમાં કેટલીક મેચોમાં એકબીજા સામે રમ્યા છે. આવી જ બીજી અદ્દભૂત જોડી કેદાર અને મૃણાલ દેવધરની છે, જેઓ વડોદરા ટીમ માટે સાથે રમી ચૂક્યા છે. વડોદરા રણજી ટીમમાં એન્ટ્રી મેળવનાર કેદાર કહે છે કે મૃણાલ અને તે ક્લબ લેવલ પર પણ સાથે રમ્યા હતા. તેણે કહ્યું- અમે મેદાન પર અને મેદાનની બહાર પણ ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરીએ છીએ. અમે સાથે મોટા થયા છીએ.

ટ્વીન્સ બંધુ સૌરીન અને સ્મિતને જોઇને વિરોધીઓ પણ છેતરાઇ જાય
2017માં વડોદરાના ટ્વિન્સ સૌરિન અને સ્મિત ઠક્કરે અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેઓ એટલા સમાન દેખાય છે કે વિરોધી ટીમો ઘણીવાર તેમનાથી છેતરાય છે. હવે 23 વર્ષીય સૌરિન વડોદરાની અંડર-25 ટીમમાં રમે છે જ્યારે સ્મિત અંડર-23 ટીમમાં છે. સોરીન કહે છે – ક્યારેક વિરોધીઓને છેતરતા જોવાની મજા આવે છે. પરંતુ અમે મેદાન પર સાથે રમવાનો આનંદ માણીએ છીએ.

કિરણ મોરેના મતે વડોદરાના પાણીમાં કંઈક અલગ હોઇ શકે છે
ભારતના માજી ક્રિકેટર કિરણ મોરે સ્ટાર ક્રિકેટ ભાઈઓનીની જોડીઓને એક અનોખી ઘટના તરીકે જુએ છે. તે કહે છે- મને લાગે છે કે આ શહેરનું સ્પોર્ટ્સ કલ્ચર જ કંઇક એવું છે. જ્યારે એક ભાઈ ક્રિકેટ રમવાનું શરૂ કરે છે, ત્યારે બીજો તેને અનુસરે છે. તેમજ ક્લબ કલ્ચરને કારણે તેમને વધુ તકો મળે છે. ભારતીય ક્રિકેટર દીપક હુડા અને તેનો ભાઈ આશિષ પણ લગભગ પાંચ વર્ષ પહેલા વડોદરાની ટીમ વતી રમતા હતા. આશિષે ક્રિકેટની રમત છોડી તે પહેલા વડોદરા વતી તે રમતો હતો. રાજસ્થાન ટીમમાં જતા પહેલા દીપક વડોદરાની રણજી ટીમ માટે રમ્યો હતો.

અંશુમન ગાયકવાડના પુત્રો શત્રુંજય અને અનિરૂદ્ધ પણ સાથે રમ્યા હતા
માજી ભારતીય ક્રિકેટર અને રાષ્ટ્રીય ટીમના માજી કોચ અંશુમાન ગાયકવાડ તેમના પાર્ટનર કિરણ મોરે સાથે સહમત છે અને કહે છે કે અહીં તકો વધુ સારી છે અને ભાઈ-બહેન માટે આ નાના શહેરમાં સાથે મુસાફરી કરવી અને સાથે ક્રિકેટ રમવું સરળ છે. તેમના પુત્રો શત્રુંજય અને અનિરુદ્ધ ગાયકવાડે 1990ના દાયકામાં વડોદરામાં સાથે ક્લબ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેઓ એમ.એસ. યુનિવર્સિટીની ટીમમાં પણ સાથે રમ્યા હતા, પરંતુ અનિરુદ્ધ પછીથી ક્રિકેટમાંથી ખસી ગયો હતો. બીજી તરફ, શત્રુંજયે ક્રિકેટ રમવાનું ચાલુ રાખીને વડોદરાની રણજી ટીમ માટે રમ્યો. તે કહે છે – આ શહેરમાં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જબરદસ્ત છે. હું મારા પિતા દત્તાજીરાવ ગાયકવાડ પાસેથી ક્રિકેટ વિશે સાંભળીને અને શીખીને મોટો થયો છું, જેઓ ટેસ્ટ ખેલાડી હતા. મારા પુત્રો પણ આ જ વાતાવરણમાં ઉછર્યા અને રમતના પ્રેમમાં પડ્યા કારણ કે અમે હંમેશા ક્રિકેટની ચર્ચા કરતા હતા.

Most Popular

To Top