Columns

નરેન્દ્ર મોદીએ નીચે પડેલા સી આર પાટીલનો હાથ પકડી ઉભા કર્યા હોત તો તેમનું કદ વધારે વધી જાત

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રચારકથી મુખ્યમંત્રી થવુ અને ત્યાર બાદ વડાપ્રધાન થવુ કોઈ નાની ઘટના નથી, પણ જેમ જેમ કદ વધતુ જાય તેમ તેમ તમારા મુળીયા જડ સાથે વધારે મજબુત થવા જોઈએ, હાલમાં સ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદીના કદની વાત પણ થઈ શકે તેમ નથી, પરંતુ અમદાવાદમાં ગત સપ્તાહે એક ઘટના ઘટી જેમાં નરેન્દ્ર મોદી એક ડગલુ આગળ આવ્યા હોત તો કદાચ તેમના કદમાં વધુ વધારો થયો હોત.

પણ અફસોસ નરેન્દ્ર મોદી તેવુ કરી શકયા નહીં, આખી ઘટના નરેન્દ્ર મોદીના વિરોધી માટે એક ટીકાનો અવસર હોઈ શકે પણ નરેન્દ્ર મોદીને પ્રેમ કરનાર વર્ગ ભલે જાહેરમાં મૌન બની ગયો હોય પણ તેમનું મન પણ નરેન્દ્ર મોદીના આ વ્યવહારથી રાજી નથી, જયારે આપણને કોઈ પણ પ્રેમ કરવા લાગે ત્યારે જેમને પ્રેમ મળી છે તેમની જવાબદારી વિશેષ રીતે વધી જાય છે કારણ પ્રેમ કરનારાઓની અપેક્ષામાં પણ તેમાં જોડાયેલી  હોય છે. પ્રેમ કરનારી વ્યકિત કોઈ લાભની અપેક્ષા રાખતો હોય નહીં પણ જેમને આપણે પ્રેમ કરીએ છીએ તે માણસ તરીકે ઉત્તમ હોય તેવી અપેક્ષા રાખવી વધારે પડતી નથી.

ઘટના આવી રીતે, અમદાવાદના રીવરફ્રન્ટ ઉપર નરેન્દ્ર મોદીના કેટલાંક કાર્યક્રમ હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી નદીં ઉપર નિર્માણ પામેલા અટલબ્રીજનું લોકાપર્ણ કરવાના હતા, આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર હતા, નરેન્દ્ર મોદીના આદેશ પ્રમાણે તેઓ વડાપ્રધાન થયા પછી તેમના ખાસ કાર્યક્રમનું શુટીંગ અને પ્રસારણ કરવાનો અધિકાર માત્ર દુરદર્શન પાસે જ છે, ખાનગી ન્યુઝ ચેનલો પણ તેમના સમાચાર માટે દુરદર્શન પાસેથી ફીડ મેળવે છે. દુરદર્શનના જીવંત પ્રસારણમાં દેખાય છે કે જયાં લોકાપર્ણ થવાનું હતું, ત્યાં નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઉભા છે, ટીવીના સ્ક્રીન ઉપર માત્ર મોદી અને પટેલ સાથે તેમના સલામતી રક્ષકો દેખાય છે.

અચાનક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ધ્યાન જાય છે કે સામે તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉભા છે તેઓ હાથના ઈશારો કરી સી આર પાટીલને પોતાની સાથે ઉભા રહેવા માટે બોલાવે છે. નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ જયાં ઉભા હતા ત્યાં જવા માટે સી આર પાટીલ આગળ વધે છે તે જીવંત પ્રસારણમાં જોઈ શકાય છે, જેવા સી આર પાટીલ લોકાપર્ણના સ્થળે પહોંચે છે જયાં નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઉભા છે ત્યાં પહોંચતા કોઈ પણ કારણસર સી આર પાટીલનું શારિરીક સંમતુલન બગડે છે અને પાટીલ નીચે ગબડી પડે છે,. રસ્તે જતો અજાણ્યો માણસ પણ ગબડી પડે તો સ્વભાવીક અને સહજ રીતે આપણે તેનો હાથ પકડી તેને ઉભો કરવાનો પ્રયત્ન કરીને પુછીએ છીએ કે કઈ વાગ્યુ તો નથી.

પાટીલ ગબડી પડતા મુખ્યમંત્રી સી આર પાટીલ એક સામાન્ય માણસ જેવો જ વ્યવહાર કરે છે, તેઓ તરત પાટીલની મદદે પહોંચે છે એટલુ જ નહીં નરેન્દ્ર મોદીની પાછળ ઉભો રહેલો એક રક્ષક પણ મદદ માટે આવે છે પટેલ અને રક્ષક પાટીલને ફરી ઉભા થવા મદદ કરે છે અને પાટીલ ઉભા થઈ સ્વસ્થ થવાનો અને સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે ગબડી જવાને કારણે પાટીલને કોઈ નાની ઈજા પણ થઈ છે કે નહીં તેની ખબર નથી, પણ આખી ઘટનામાં પાટીલને આધાત લાગ્યો કે નહીં તેની ખબર નથી પણ આ દર્શ્ય જોનારને જરૂર આધાત લાગ્યો છે.

પોતાની તરફ આવી રહેલા પોતાના વર્ષો જુના સાથી સી આર પાટીલ ગબડી પડે છે, પરંતુ નરેન્દ્ર મોદી તેમને ઉભા થવા માટે મદદ તો નથી કરતા પણ તેમના ચહેરા અને વ્યવહારમાં કોઈ ફેરફાર થતો નથી. એટલુ જ નહીં નરેન્દ્ર મોદી ગબડી પડેલા સી આર પાટીલ સામે નજર સુધ્ધા કરતા નથી, એક માણસ આવો વ્યવહાર કેવી રીતે કરી શકે, આપણે સ્કુટર લઈ જતા  હોઈએ અને કબુતર આડુ આવે તો પણ અચાનક આપણી બ્રેક વાગી જાય છે.

આપણને સ્કુલમાં કે આરટીઓએ શીખવાડયુ નથી કે કબુતર આડુ આવે તો બ્રેક મારવી આ કરુણા આપણી અંદર જન્મજાત હોય છે, નરેન્દ્ર મોદી અને સી આર પાટીલે અઢી દાયકા સાથે કામ કર્યુ છે, અને નિરાશાના દિવસોમાં પાટીલ તેમની પડખે હતા, 1995માં શંકરસિંહના બળવા પછી નરેન્દ્ર મોદીને ગુજરાતનો વનવાસ ભોગવવો પડયો ત્યારે પાટીલએ તેમની સાથે ઉભા રહ્યા હતા, માની પણ લઈએ પાટીલ ત્યારે તેમની સાથે ન્હોતા તો પણ એક માણસ તમારી સામે ગબડી પડે ત્યારે તમારો હોદ્દો- તમારી સત્તા અને તમારો પ્રોટોકલ તમને મદદ કરતા રોકે તો લાગે છે બધુ વ્યર્થ છે

અહિયા ઈરાદો માત્ર નરેન્દ્ર મોદીની ટીકા કરવાનો નથી, નરેન્દ્ર મોદીએ ગબડી પડેલા પાટીલને ઉભા તો ના કર્યા પણ તેમને કોઈ તકલીફ પણ પડી નહીં તે કાયદેસર કોઈ ગુનો નથી પણ એક માણસ તરીકે આપણને વ્યકિતગત અફસોસ થવો જોઈએ હું કોઈની મદદ કરી શકયો નહીં પણ નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર તેવો અફસોસ પણ ન્હોતો, દરેક માણસ પોતાની જાતને પ્રેમ કરતો હોય છે, નરેન્દ્ર મોદી બીજા કરતા પોતાની જાતને વિશેષ પ્રેમ કરે છે તેમાં પણ કઈ વાંધો નથી પણ આપણે માત્ર પોતાના જ પ્રેમમાં ગળાડુબ રહીએ તો આપણે ધાતક રસ્તે આગળ વધી રહ્યા છીએ, કેમેરાની ફ્રેમમાં માત્રને માત્ર હું નજરે પડે તેવો નિર્ણય પણ વ્યકિતગત હોઈ શકે છે.

તેની સામે પણ વાંધો ના હોઈ શકે પણ લોકો મને અને માત્ર મને જુવે તેવી જીજીવીષા વચ્ચે પણ ગબડી પડેલા સી આર પાટીલને કેમેરા માટે પણ જો નરેન્દ્ર મોદીએ ઉભા કર્યા હોત તો પણ તેમના સમર્થકો આફરીન પોકારી ગયા હોત. દિલ્હીના એક પાર્કના ઉદ્દઘાટનમાં  સ્ક્રીપ્ટ પ્રમાણે  ઉપર પડેલો કચરો આપણે ઉપાડી લઈ ડસ્ટબીનમાં નાખીએ છી તો અમદાવાદમાં એક જીવતો માણસ પડી ગયો હતો પણ આપણે એટલુ પણ કરી શકયા નહીં કારણ પાટીલનું પડી જવુ સ્ક્રીપ્ટ આધારીત ન્હોતુ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top