SURAT

‘આ ચાઈનીઝ માલ છે, વિશ્વાસ કરશો નહીં’: સુરતમાં સી.આર. પાટીલ કોના વિશે આવું બોલ્યા..

સુરત: (Surat) ‘આ તો ચાઈનીઝ (Chinese) માલ (Goods) છે, જો વિશ્વાસ કરશો તો ધોયા સો રોયા જેવી હાલત થશે. એટલા વિશ્વાસ કરશો નહીં..’ સુરતમાં કાપડ ઉદ્યોગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CRPatil) દ્વારા જાહેરમાં ઉચ્ચારવામાં આવ્યા હતા, જે સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી દર્શના જરદોષ સહિત તમામ ઉપસ્થિત મહેમાનો અને કાપડના ઉદ્યોગકારો, વેપારીઓ હસી પડ્યા હતા.

સુરત શહેરના કાપડના ઉત્પાદકો એવા વીવર્સના (Weavers) સંગઠન ફોગવા દ્વારા ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેના ઉદ્દઘાટન પ્રસંગે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી દર્શના જરદોષ સહિતના રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સી. આર. પાટીલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. સી.આર. પાટીલે કહ્યું કે, હમણાં એક ભાઈ અહીં આવે છે અને મફત પાણીની વાત કરે છે. ગુજરાતમાં પ્રતિદિન 1.10 રૂપિયામાં પાણી મળે છે. દેશમાં સૌથી સસ્તુ પાણી અહીં મળે છે. તો કોઈ અમને મફત પાણી આપવાની વાત કરે નહીં. પાવર ફ્રીમાં આપવાની વાત કરે છે પરંતુ પાવર આપશે ક્યાંથી તે નક્કી નથી? પાવર આવશે કેમ તેની કોઈ ગેરન્ટી આપતા નથી. આ તો ચાઈનીઝ માલ જેવું છે. ધોયા સો રોયા એવું એનું કામ છે. વિશ્વાસ કરશો તો ફસાઈ જશો.

ગુજરાતના યુવાનોને 10 લાખ રોજગારી આપવાની વાત કરી છે, પરંતુ વચન આપવામાં કાંઈ જાય છે. ગુજરાતમાં 5.50 લાખ નોકરી છે તે 10 લાખ નોકરી ક્યાંથી આપશે. જુઠ્ઠું જ બોલવું હોય તો વધારે બોલવું એમ તે બોલી રહ્યાં છે, પરંતુ નક્કર કોઈ વાત કરતા નથી. પરંતુ એ ભૂલી જાય છે કે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. ગુજરાતનો કોઈ વ્યક્તિ બહાર નોકરી માટે જતો નથી. ગુજરાતમાં નોકરીની લાલચ આપવાનું તે બંધ કરી દે. આખા દેશના યુવાનોને ગુજરાત રોજગારી આપે છે. આવા ખોટા વચનો આપનારથી ગુજરાતની પ્રજા સજાગ રહે.

અશોક જીરાવાળાને આયારામ ગયારામ તરીકે સંબોધ્યા
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા વિશે સી.આર. પાટીલ બોલ્યા, આમ તો તેમનું આયારામ ગયારામ જેવું હતું. સી.આર. પાટીલના આ શબ્દો પર સભાખંડમાં ઉપસ્થિત સૌ કોઈ ખડખડાટ હસી પડ્યા હતા. પછી વાત વાળતા પાટીલ બોલ્યા કે ખરેખર તો તેઓના મનમાં કાપડ ઉદ્યોગનું હિત સમાયેલું છે. કોંગ્રેસમાં તે કરી શકતા નહોતા તેથી તે ફરી ભાજપ સાથે જોડાયા છે.

Most Popular

To Top