Charchapatra

દેશના ચુંટણી કાયદા માંગે સુધારા

લોકસભાની ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પક્ષપલ્ટાની મોસમ શરૂ થઇ ગઇ છે. થોડા દિવસમાં એ પૂરબહારમાં નીલ ટી સત્તા માટે અને સત્તાથી મળતા લાભ અંકિત કરવાના આ બધા ખેલ છે. આ પક્ષપલ્ટુઓ પ્રજાના મતની કોડીની કિંમત પણ રાખતા નથી. લોકશાહીના ધજાગરા ઉડે છે અને લોકશાહી જ હવે હિંબકા ભરી રહી છે. આ બધું દૂર કરવા માટે હવે ચુંટણી કાયદાઓ તાત્કાલિક સુધારા માંગે છે. મારા મત પ્રમાણે નીચેના સુધારા ત્વરિત કરવાની જરૂર છે. (1) જે ઉમેદવાર સામે કોર્ટમાં ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય એ વ્યક્તિ ચુંટણી લડી શકે નહિ.

(2) ગ્રામ પંચાયતથી લઇને જીલ્લા પંચાયત સુધીના ઉમેદવારની મીનીમમ લાયકાત 12મું ધોરણ પાસ હોવું જોઈએ.  (3) ચુંટાયા પછી કોઇ પણ સભ્ય પક્ષપલ્ટો કરે તો ધારાસભા કે પાર્લામેન્ટની મુદત પુરી થાય ત્યાં સુધી એ સભ્ય ચૂંટણી લડી શકે નહિ અને એ સીટ ખાલી રાખવી જોઈએ. કોઇ પણ પક્ષના 2/3 સભ્યો પણ પક્ષપલ્ટો કરે, તો પણ આશરત લાગુ કરવી જોઈએ.  (4) કહેવાતા લોકસેવકોને પેન્શન આપી શકાય નહિ. તેમ છતાં જો આપવું જ હોય તો કોઇ પણ વ્યક્તિ ધારાસભ્ય અને સંસદ સભ્ય તરીકે સરકારી કર્મચારીની જેમ 20 વર્ષ હોદ્દા પર રહે તો જ 60 વર્ષની ઉંમર પછી 15000 થી 25000 રૂપિયા પેન્શન આપવું જોઈએ.
નવસારી – દોલતરાય એમ. ટેલર      – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કુરિવાજોનું ખંડન થવું જ જોઇએ
હું હમણાં જ મારા એક નજીકના સગાના લગ્ન પ્રસંગમાં ગઇ હતી. લગ્નની વિધિમાં હિંદુ રિવાજ પ્રમાણે ગ્રહશાંતિ પુરી થયા પછી નાળિયેર હોમવાની વિધિ કરવામાં આવે છે એમાં સૌ કુટુંબીજનો એટલે કાકા કાકી પરિવાર તથા પોતાના ઘરના મા બાપ દીકરા વહુ પૌત્ર વગેરે ભાગ લેતા હોય છે બધા એક બીજાને હાથ અડાડીને આ વિધિમાં ઉભા રહે છે અને ગોર મહારાજ વિધિ સંપન્ન કરે છે.

પહેલાના સમયમાં આ વિધિમાન વિધવાને માંગલિક વિધિમાં ભાગ લેવા દેવામાં નહોતો આવતો જયારે હું જે લગ્ન પ્રસંગમાં ગઇ હતી તેમાં કુટુંબીજનો સહિત દીકરી જમાઇ અને વરના દાદી કાકીમા જેઓ વિધવા હતા તેઓને સાથે ઉભા રાખ્યા હતા અને સૌ સાથે આનંદસભર વિધિ આટોપી રહયા હતા. એ જોઇને મને ખૂબ જ આનંદ થયો.વિધવા થવુ એ ગુનો તો નથી જ કે આમ શુભ પ્રસંગોમાં ભાગ ન લઇ શકાય અને આ દ્રશ્ય જોઇને મને સંતોષ એ વાતનો થયો કે સમાજ ખરેખર પ્રગતિ કરી રહ્યો છે.

સોળમી સદીના રિવાજોનું ખંડન કરી તેમાંથી બહાર આવી રહ્યો છે. સૌ પ્રથમ તો એક જણે પહેલ કરવા જેવી છે જેથી બીજા પણ તેમને અનુસરે. કુરિવાજોનું ખંડન કરવું એ પ્રશંસનીય કાર્ય છે. આવા તો ઘણા કુરવાજો છે જેને આપણે સુધારવા રહ્યા. જો સમાજમાં પરિવર્તન લાવવુ હોય તો આવા રિવાજોનું ખંડન કરવું જ રહ્યું. વિધવા પણ એક સ્ત્રી જ છે એને પણ સન્માન મળવું જોઇએ અને દરેક શુભ પ્રસંગોમાં એના હાથે માંગલિક કાર્ય કરાવવુ જોઇએ એમ મારૂ માનવું છે. પરિવારના શુભ પ્રસંગોની વિધિમાં વિધવા કેમ નહીં?
સુરત               – શીલા એસ. ભટ્ટ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top