SURAT

કોરોનાની માર ઉપરથી મોંઘવારીની માર: પેટ્રોલ ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવ આસમાને

સુરત : પેટ્રોલ-ડીઝલ (PETROL-DIESEL), ખાતર, જંતુનાશક દવાઓના વધેલા ભાવ વચ્ચે સુરત શહેર જિલ્લામાં તાજેતરમાં તૌકતે વાવાઝોડા (CYCLONE TAUKTAE)ને લીધે સુરત જિલ્લા (SURAT DISTRICT)ના ઓલપાડ,કામરેજ, મહુવા, ઉમરપાડા, બારડોલી અને ચૌર્યાસી સહિતના તાલુકાઓમાં શાકભાજી (VEGETABLE)ના પાકને પણ વ્યાપક નુકશાન થયુ છે. તેવીજ રીતે ગુજરાતના જે જિલ્લાઓમાંથી શાકભાજી, સુરત મોકલવામાં આવતી હતી. તે પણ ઓછી થતા ડિમાન્ડ સામે ડોમેસ્ટિક સપ્લાઇ (DEMAND AND SUPPLY) ઓછી પડી રહી છે. તેને લીધે તુરિયા, કારેલા, ગલકા, ચોળી, ફ્લાવર, ગુવાર, સરગવા, લીલા વટાણા, મરચા, લીંબુ સહિતની શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. તેને લીધે ગરીબ અને મધ્યમ વર્ગને ઘરના બે છેડા જોડવા મુશ્કેલી બની રહ્યા છે. મોંઘવારીએ તેમાં વધુ અસર કરી છે.

બીજી તરફ સિંગતેલ સહિત રાંધણ તેલ અને ગેસના ભાવ પણ ખુબ વધ્યા છે. તેને લીધે માસિક 10 હજારથી 25 હજારનુ વેતન મેળવનાર મઘ્યમવર્ગના પરિવારજનો માટે ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. સહકારી અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે પ્રતિ વર્ષ શહેરમાં ઉનાળાના સમયગાળા દરમિયાન શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. કારણ કે, ઉનાળુ શાકભાજી માટે પયાપ્ત માત્રામાં જિલ્લામાં પિયતની વ્યવસ્થા પૂરતા ­પ્રમાણમાં ઉપલબ્ધ ન થતાં મોટા ભાગના ખેડૂતો ચોમાસાના ખરીફ પાકોના વાવેતર માટે જમીનને ખેડીને આવનારી સિઝન માટે તૈયારીમાં લાગી પડતા હોય છે. આથી ઉનાળુ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને આવા જ સમયે ઉનાળાના મધ્ય ગાળામાં વાવાઝોડું ત્રાટકતા જિલ્લામાં ઉનાળુ શાકભાજીની માત્ર 10 થી 15 ટકા ફસલ બચી છે. આથી હાલમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

શાકભાજી પ્રતિ કિલો જૂનો ભાવ પ્રતિ કિલો નવો ભાવ

કારેલાં 45 60
તુરિયાં 70 120
ગલકાં 25 40
કોબીજ 15 40
ચોળી 60 100
ફ્લાવર 60 100
ગુવાર 50 80
સરગવો 20 80
ટામેટાં 20 25
લીલા વટાણા 80 120
ગાજર 25 40
મરચાં 40 60

જિલ્લાના મોટા ભાગનાં ગામડાં શાકભાજીની માંગ પૂરી કરે છે

જિલ્લાનાં આધારભૂત સૂત્રો મુજબ સુરત જિલ્લાના નવેનવ તાલુકામાં ખેડૂતો શાકભાજીનું વાવેતર કરે છે. એમાં દરિયા કાંઠાના ઓલપાડ અને ચોયાસી તાલુકામાં સૌથી વધુ વાવેતર થાય છે. ઓલપાડનાં અમરોલી, મંદરોઈ, અસનાદ, દેલાસા, સોંદલાખારા, કદરામા તેમજ ચોર્યાસીનાં કુંભારિયા, વરિયાવ, ભેંસાણ, મલગામા, રાજગરી, પરવટ સહિતનાં ગામોમાં શાકભાજીનું વાવેતર થાય છે. એટલે કે, જિલ્લાનાં મહત્તમ ગામડાંમાંથી શહેરમાં શાકભાજી આવે છે. પરિણામે શાકભાજીની અછત સર્જાતી નથી. પરંતુ તાઉતે વાવાઝોડું ફુંકાતાં ખેડૂતોનો શાકભાજીનો પાક નષ્ટ થઈ ગયો છે.

Most Popular

To Top