SURAT

સુરત કાપડ માર્કેટો બંધ પડતા વેપારીઓનો અનોખો ટાઈમ પાસ: કોઈ ક્રિકેટ તો કોઈ બેડ મિન્ટન…

સુરત: કોરોના સંક્રમણની પ્રથમ લહેર (CORONA FIRST WAVE) પછી બીજી લહેર (SECOND WAVE) પણ આક્રમક રહેતાં કાપડના વેપાર (CLOTHE MARKET)ને સૌથી વધુ અસર થઇ છે. કોરોનાની બીજી લહેરમાં દક્ષિણ અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં સતત લોકડાઉન (LOCK DOWN) રહેતાં બહારગામના વેપારીઓ સુરત આવી શકતા નથી. એવી જ રીતે લગ્નસરાં અને રમજાન ઇદની સિઝન વીતી જતાં ડોમેસ્ટિક વેપાર (DOMESTIC BUSINESS) પણ ઠપ્પ થયો છે.

કોરોનાની ગાઇડલાઈનને લીધે સુરતની કાપડ માર્કેટો (SURAT TEXTILE MARKET)ની દુકાનો સવારે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખૂલે છે. પરંતુ વેપારીઓ માંડ 3-4 કલાક માટે માર્કેટમાં આવે છે. તે સ્થિતિમાં કોઇ ખરીદદાર નહીં હોવાથી મોટી માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓ પ્લાસ્ટિક બોલથી ક્રિકેટ (CRICKET) અને બેડમિન્ટન (BADMINTON) સહિતની રમતો રમી સમય પસાર કરી રહ્યા છે. શુક્રવારે રઘુવીર બિઝનેસ એમ્પાયર માર્કેટમાં વેપારીઓ બેડમિન્ટન અને ક્રિકેટ રમી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતા રમૂજ ફેલાઇ છે.

જાણકારો કહે છે કે, અગાઉનાં વર્ષોમાં સામાન્ય રીતે આ દિવસોમાં દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી કાપડની ડિમાન્ડ જોવા મળતી હોય છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં આ ડિમાન્ડ લોકડાઉનને લીધે સદંતર જોવા મળી નથી. મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, બિહાર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કર્ણાટકમાં કોરોનાની બીજી લહેર ઘાતક રહી હોવાથી મોટા ભાગનાં રાજ્યોમાં જૂનના પ્રથમ સપ્તાહ સુધી લોકડાઉનની સ્થિતિ છે. તેની સીધી અસર સુરત કાપડ માર્કેટ પર વર્તાઇ રહી છે. જ્યાં સ્થાનિક અને રાજ્યોના બાયર્સ ગાયબ છે.

કાપડના વેપારી ધનપત જૈને જણાવ્યું હતું કે, કોરોનાને લીધે ઓર્ડર નહીં મળતાં વેપારીઓ પાસે કોઈ માર્ગ ન હોવાથી સમય પસાર કરવા અવનવા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે. જેની સરકારે નોંધ લેવી જોઈએ. જે વેપારીઓ પાસે ચા પીવાનો ટાઈમ નથી હોતો. તેઓ આ રીતે સમય પસાર કરવા માટે મજબૂર બન્યા છે.

લગ્નસરાંની બે સિઝન નિષ્ફળ જતાં મંડપનું કાપડ વેચનાર વેપારીઓની હાલત સૌથી વધુ ખરાબ: 1200 કરોડનું નુકસાન

સુરત મંડપ ક્લોથ એસોસિયેશનના પ્રમુખ દેવ સંચેતીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ લગ્નસરાંની સિઝન શરૂ થાય એ પહેલાં કોરોનાની પ્રથમ લહેર આવી ગઇ હતી. તે પછી બીજી લહેરમાં લગ્નસરાંની સિઝનને વ્યાપક અસર થઇ હતી ખાસ કરીને માત્ર પચાસ લોકોને છૂટ આપતાં મંડપ ડેકોરેશનનું કાપડ બિલકુલ વેચાયું નથી. ગયા વર્ષનો સ્ટોક બીજા વર્ષે પણ પડી રહ્યો છે. હવે આ સ્ટોકનો ઉપયોગ નવેમ્બર-ડિસેમ્બરની લગ્નસરાંમાં થવાની આશા છે. 14 મહિનામાં આ ઉદ્યોગને 1200 કરોડનું નુકસાન થયું છે.

Most Popular

To Top