Editorial

પેટ્રોલ-ડિઝલનો સતત ભાવ વધારો કેન્દ્ર સરકારને દઝાડે તેવી સંભાવના

નોટબંધી અને જીએસટીને કારણે દેશમાં શરૂ થયેલો મંદીનો માહોલની કળ હજુ લોકોને વળી નથી ત્યાં ધીમેધીમે પેટ્રોલ-ડિઝલ અને હવે સીએનજી તેમજ પીએનજીના ભાવમાં કરવામાં આવી રહેલા વધારાએ લોકોની કમર તોડી નાખી છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. જ્યારે ડિઝલનો ભાવ પણ ખૂબ ઝડપથી 100 રૂપિયાને પાર થઈ જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. બુધવારે તા.6ઠ્ઠી ઓકટોબર, 2021ના રોજ સરકારી તેલ કંપનીઓ દ્વારા ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 26થી 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો અને તેને કારણે દિલ્હીમાં જ પેટ્રોલનો ભાવ 102.94 રૂપિયા અને ડિઝલનો ભાવ 99.17 રૂપિયા પર પહોંચી ગયો હતો.

જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 108.96 રૂપિયા અને ડિઝલનો ભાવ 99.17 રૂપિયા થઈ ગયો હતો. કોલકત્તામાં પણ પેટ્રોલનો ભાવ લિટરે રૂપિયા 103.65 રૂપિયા અને ડિઝલનો ભાવ 94.83 રૂપિયા નોંધાયો હતો. ચેન્નાઈમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરીને 100.49 રૂપિયા અને ડિઝલનો ભાવ 95.93 રૂપિયા થઈ ગયો હતો. સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત ભાવવધારો કરતા રહેવાને કારણે હાલમાં જ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિસા, જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે.

જે લોકો વાહનો ધરાવે છે તે એવું વિચારતાં હતાં કે પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે તો સીએનજી આધારીત વાહનો ચલાવીશું પરંતુ હવે કંપનીઓ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીમાં સરકારે પહેલા 2 રૂપિયા વધાર્યા હતા અને હવે સીધો 3.65 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. સરવાળે થોડા જ સમયમાં સીએનજીમાં પાંચ કરતાં પણ વધુ રૂપિયાનો વધારો થઈ જવા પામ્યો છે.

જે સીએનજીનો ભાવ અગાઉ 54.45 રૂપિયા પ્રતિ કિલો હતા તેનો ભાવ હવે 58.10 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. પેટ્રોલ અને ડિઝલે ગરીબ, મધ્યમવર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગનું બજેટ ખોરવી જ નાખ્યું છે ત્યાં હવે સીએનજી અને પીએનજીના વધેલા ભાવોએ લોકો માટે પડતા પર પાટું મારવા જેવો ઘાટ કર્યો છે. સરકાર દ્વારા એવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડિઝલના ભાવ સાત વર્ષમાં સૌથી વધુ છે. જેને કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવો વધી રહ્યા છે. દેશમાં 26 રાજ્યોમાં પેટ્રોલની કિંમતનો આંક 100ને પાર થયો છે. છ રાજ્યોમાં ડિઝલનો આંક 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થયો છે.

જોકે, હકીકત એ છે કે ક્રુડ ઓઈલના ભાવો વધે છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવો વધારવામાં આવે છે પરંતુ જ્યારે ક્રુડ ઓઈલના ભાવો ઘટે છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવો ઘટાડવામાં આવતાં નથી. ઉપરથી એક્સાઈઝ ડ્યુટી વધારીને ક્રુડ ઓઈલના ઘટેલા ભાવોનો લાભ લોકોને આપવામાં આવતો નથી. પેટ્રોલ અને ડિઝલના સતત વધી રહેલા ભાવને કારણે દેશના લોકોમાં ભારે રોષની લાગણી પણ ઊભી થઈ રહી છે. પેટ્રોલનો ભાવવધારો સીધો લોકોને સ્પર્શે છે. જ્યારે ડિઝલનો ભાવવધારો લોકોને સીધાની સાથે પરોક્ષ રીતે પણ અસર કરે છે.

ડિઝલના ભાવ વધારાને કારણે દેશમાં મોટાભાગની વસ્તુઓના ભાવો વધી જાય છે. કારણ કે કાર્ટિંગ મોંધુ થઈ જાય છે. આ સંજોગોમાં લોકોએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો બેવડો માર સહન કરવાનો આવે છે. પેટ્રોલ અને ડિઝલના ભાવને સરકાર જીએસટી હેઠળ લાવવા માટે પણ વિચારતી નથી. કારણ કે સરકારને ડ્યુટીમાં જે કરોડો રૂપિયાની આવક થાય છે તે બંધ થઈ જાય તેમ છે. સરકારે હવે સમજી લેવાની જરૂરીયાત છે કે પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો તેના જ સમર્થકોને પણ વિચારતા કરી રહ્યો છે. આ સંજોગોમાં જો કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને કંટ્રોલ નહીં કરે તો આગામી દિવસોમાં લોકોના રોષનો તેણે ભોગ બનવું પડશે તે નક્કી છે.

Most Popular

To Top