National

આગામી મે મહિનામાં અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ શરૂ થશે, IICFએ કરી તૈયારી

અયોધ્યા: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ (Babri Masjid) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC) દ્વારા આપવામાં આવેલા નિર્ણય બાદ અયોધ્યામાં (Ayodhya) બાબરી મસ્જિદનું નિર્માણ કાર્ય મે (May) મહિનામાં શરૂ થવાની સંભાવના છે. ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટને (IICF) અયોધ્યાના ધન્નીપુરમાં મસ્જિદના (Masjid) નિર્માણનું કામ સોંપવામાં આવ્યું છે. તેમજ તેઓ મસ્જીદ માટે ફંડ (Fund) ભેગું કરવા ફેબ્રુઆરીથી વિવિધ રાજ્યોમાં ઈન્ચાર્જની (In charge) નિમણૂક કરે તેવી સંભાવના છે.

ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી ઝુફર ફારૂકીએ આ મામલે જણાવ્યું હતું કે, ‘મસ્જિદની અંતિમ ડિઝાઈન ફેબ્રુઆરીમાં તૈયાર થઈ જાય તેવી સંભાવના છે. ત્યાર બાદ તેને વહીવટી ખાતાની મંજૂરી માટે મોકલવામાં આવશે. ત્યાર બાદ ફેબ્રુઆરીના અંત સુધીમાં કેમ્પસમાં સાઇટ ઓફિસની સ્થાપના કરવામાં આવશે. આ મામલે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ફારૂકીએ કહ્યું, ‘આશા છે કે અમે આવતા વર્ષે મે મહિનામાં મસ્જિદનું બાંધકામ શરૂ કરવાની સ્થિતિમાં આવી જઈશું.’

ફારૂકીએ કહ્યું કે મસ્જિદની ડિઝાઇનમાં ફેરફાર અને નાણાકીય અવરોધોના કારણે મસ્જિદના નિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે. તેમજ મસ્જિદની ડિઝાઇન પહેલા ભારતમાં બનેલી મસ્જિદો જેવી જ હતી. પરંતુ આ ડિઝઅઇનને નકારી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આ મસ્જિદ હવે 40,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. જ્યારે અગાઉ આ મસ્જીદને 15,000 સ્ક્વેર ફૂટમાં બનાવવાની યોજના હતી.

IICF એ અગાઉ મધ્ય પૂર્વના દેશોમાં બનાવવામાં આવેલી મસ્જિદની “ભવ્ય” ડિઝાઇનમાં ફેરફાર કરી નવી બાબરી મસ્જીદનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ નાણાકીય અવરોધો જણાતા તેને મોકુફ રાખવામાં આવી હતી. ત્યારે હવે આ સમસ્યાને દૂર કરવા માટે ક્રાઉડફંડિંગની જરૂરિયાત જણાતા ટ્રસ્ટ ફેબ્રુઆરી સુધીમાં આ વિષયે નિર્ણય લેશે તેવી સંભાવના છે.

ફારૂકીએ કહ્યું કે ‘ક્રાઉડ ફંડિંગ એક મોટું કાર્ય છે અને તેને સંભાળવું ખૂબ મુશ્કેલ છે. અમે પ્રોજેક્ટ માટે ભંડોળ ભેગો કરવાની જવાબદારી વિવિધ રાજ્યોમાં અમારા સ્વયં સેવકોને સોંપવાનો વિચાર કરી રહ્યા છીએ. તેમજ અમે પારદર્શિતા અને જવાબદારી બંને સુનિશ્ચિત કરવા માટે કામ કરીશું.

ફારૂકીએ વધુમાં કહ્યું કે હાલમાં ટ્રસ્ટ સાથે જોડાયેલી મુંબઈની ટીમ આ યોજના ઉપર કામ કરી રહી છે. તેમજ અમને આશા છે કે દોઢ મહિનામાં અમારી પાસે પૂરતું ભંડોળ હશે. આ સાથે જ ફારુકીએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો દાન આપવા ઇચ્છુક લોકો પાસેથી ઑનલાઇન દાન માંગવામાં આવશે.

Most Popular

To Top