Editorial

કોંગ્રેસે હારનું ચિંતન કરવાનું છોડી ભાજપની જીતના કારણો પર કામ કરવું પડશે

હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં હતાશાજનક દેખાવ પછી દેશમાં કોંગ્રેસના રાજકીય પદચિન્હો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે સંકોચાઇ ગયા છે અને આ જૂનો રાજકીય પક્ષ હવે ખાસ કરીને આમ આદમી પાર્ટી જેવા પ્રાદેશિક પડકારોના વિકાસ સાથે રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રસ્તુતતા ગુમાવવાના આરે આવીને ઉભો રહી ગયો છે. ઉત્તર પ્રદેશમાં તો રાજા ભૈયા તો એવું કહેવા લાગ્યા છે કોંગ્રેસ અને પણ તેમને સમકક્ષ આવી ગઇ છે કારણ કે, તેમણે પણ ઉત્તર પ્રદેશમાં બે બેઠક જીતી છે.  દાયકાઓ સુધી દેશના રાજકારણમાં જેનું પ્રભુત્વ હતું તેવી આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીનું પતન ચાલુ જ રહ્યું છે અને પંજાબ રાજ્ય તેણે ગુમાવી દીધું છે અને રાજકીય રીતે મહત્વના ઉત્તર પ્રદેશમાં  તેણે ૪૦૩માંથી બે જ બેઠકો મળી છે. ઉત્તરાખંડ અને મણીપુરમાં પણ તે હારી ગઇ છે.

પંજાબ ગુમાવ્યા પછી હવે દેશના બે જ રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં તેની સત્તા રહી છે અને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સત્તામાં તે નાનો ભાગીદાર છે. પક્ષના ઘણા પીઢ નેતાઓ હવે કહે છે કે પરિવર્તન લાવો, નહીંતર હવે એન્ડગેમ હશે. કોંગ્રેસનો પરાજય હવે મુખ્ય વિપક્ષ તરીકેના તેના દરજ્જાને હચમચાવી શકે છે અને અરવિ઼ંદ કેજરીવાલનો આપ પક્ષ બે રાજ્યોમાં તેની પાસેથી સત્તા આંચકી ગયો છે અને ભાજપ સામેના મુખ્ય પડકાર તરીકે તો દાવો કરવા જ માંડ્યો છે. મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ પણ સારુ ગજું કાઢવા માંડ્યો છે.  આ પરાજય સાથે કોંગ્રેસમાં રાહુલ ગાંધીના નેતૃત્વ સામે વધુ પડકારો ઉઠી શકે છે અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રિયંકા ગાંધીની ચૂંટણી વ્યુહરચના સામે પ્રશ્નો ઉઠી શકે છે જેમણે કેટલાક  વિવાદાસ્પદ ચહેરાઓને ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા.

બંને ભાઇ-બહેન જ યુપીમાં પક્ષના સ્ટાર પ્રચારક હતા, છતાં પક્ષનો ખૂબ જ ખરાબ દેખાવ રહ્યો છે. પંજાબની વાત કરીએ તો કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની બંને બેઠકો પરથી હારી ગયા છે. પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ પણ જીતી શક્યા નથી. ઉત્તરાખંડમાં પણ મુખ્યમંત્રીના કોંગ્રેસના દાવેદાર હરીશસિંહ રાવતે પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. એટલે દરેક હાર પછી કોંગ્રેસે હવે હારના કારણો પર ચિંતન કરવાનું છોડી દેવું જોઇએ અને ભાજપની જીતના કારણો પર કામ શરૂ કરી દેવું જોઇએ. કોઇપણ પાર્ટી જે રાષ્ટ્રીય હોય કે રાજકીય તેના નાનામાં નાના કાર્યકરને પણ ખબર છે કે, ચૂંટણી સંગઠન જ જીતાડે. આટલી નાની વાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગળે કેમ નથી ઉતરતી.

હવે ગુજરાતની જ વાત કરીએ તો અહીં ભારતીય જનતા પાર્ટીના પેઇજ પ્રમુખ અને પેઇજ કમિટી પણ બની ગઇ છે. જ્યારે કોંગ્રેસ હજી શહેર, જિલ્લા અને તાલુકા પ્રમુખની પૂરી યાદી પણ તૈયાર કરી શકી નથી. તો બુથની વાત તો દૂર રહી અને પેઇજ પ્રમુખની તો તે કલ્પના પણ કરી શકે તેમ નથી. તેણે ભાજપની આ દિશામાં કામ શરૂ કરી દેવું જોઇએ. બીજી વાત કે ભાજપ નાની હોય કે મોટી કોઇપણ ચૂંટણીને ગંભીરતાથી લે છે. પરંતુ કોંગ્રેસ આટલી આક્રમક બની શકી નથી. ભાજપની બી ટીમ હોય કે સી ટીમ. એ વાત સાચી છે કે ખોટી તેના પર રાજકીય પંડિતો પણ માત્ર ચર્ચા જ કરી રહ્યાં છે પરંતુ હકીકત એ છે કે, ચૂંટણી જીતવા માટે બી ટીમ કે સી ટીમ બનાવવી એમાં ખોટું શું છે? હિન્દીની એક કહેવત છે કે ‘ પ્યાર ઔર જંગ મેં સબ જાયઝ હૈ’ આ વાત ભાજપ સમજે છે પણ કોંગ્રેસને ગળે ઉતરતી નથી. કોંગ્રેસને બી કે સી ટીમ ઊભી કરતાં ભાજપ તો રોકતો નથી. ચૂંટણી જીતવા માટે કંઇ પણ કરવું પડે તેમાં ખોટું શું છે કારણ કે છેલ્લે વાત તો એ જ આવે છે કે, જો જીતા વહી સિકંદર. ગુજરાતમાં કોંગ્રેસ માટે સત્તા મેળવવી એ કોઇ કાળે શક્ય નથી પરંતુ સન્માનજનક હાર માટે પણ અત્યારથી જ મજબૂત સંગઠનનું માળખું ઊભું કરવું પડશે.

Most Popular

To Top