Comments

ગુજરાતમાં કોંગ્રેસ અને કોંગ્રેસની નેતાગીરી ક્યાં સુધી ટકશે?

મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે ધાર્યું હતું એ જ પ્રમાણે ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે. મનપાની ચૂંટણીના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. જિલ્લા તાલુકા અને નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે તેમજ કેટલીક જ જગ્યાએ આપનું ઝાડુ પણ ફરી વળ્યું. જીતના દાવા કરનારી કોંગ્રેસ માત્ર દાવાઓ કરતી રહી ગઈ અને નેતાઓ એક પછી એક કારણો શોધતા રહી ગયા.

સ્થાનિક સ્વરાજ્યનાં પરિણામોમાં એક વાત આંખે ઊડીને વળગે એવી છે કે  ધીમે ધીમે કયાંક કોંગ્રેસ ખોવાઈ ગઈ હોય કે કોંગ્રેસ ભૂંસાઈ રહી હોય એવું લાગે છે, પરિણામોએ સાબિત કરી દીધું છે કે કોંગ્રેસ એના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે અને એ માટે બીજું કોઈ નહિ, પણ કોંગ્રેસના નેતાઓ અને એમની ચમચાગીરી જવાબદાર છે.

દર પરિણામ પછી આત્મચિંતન કરી પોતાની જવાબદારી નક્કી કરવાની જગ્યાએ બિચારા બાપડા ગરીબો જેવી સ્થિતિ અનુભવતા ઈ.વી.એમ. ને જવાબદાર ઠેરવી દેતાં કોંગ્રેસીઓ અને કોંગ્રેસી નેતાઓ જ્યાં સુધી આત્મનિરીક્ષણ નહિ કરે, જવાબદારીનું ભાન નહિ થાય ત્યાં સુધી આવાં ને આવાં જ પરિણામો આવતાં રહેવાનાં છે.

કોઈ પણ વિધાનસભા કે લોકસભાનો પાયો છે કોર્પોરેશન,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતની ચૂંટણીઓ. કોંગ્રેસના નેતાઓને એવું લાગે છે કે જિલ્લા અને તાલુકામાં શું લેવાનું? સામે ભાજપને લાગે છે કે જે લેવાનું છે એ જિલ્લા અને તાલુકામાં જ લેવાનું છે.

કહેવાય છે કે કોઈ પણ દેશની લોકશાહી માટે મજબૂત વિપક્ષ જરૂરી છે,પણ અહીં તો સત્તામાં રહી રહીને થાકેલી કોંગ્રેસને આટલા વર્ષેય વિપક્ષમાં રહીને શું કરવું એનો ખ્યાલ જ આવતો નથી.

કોંગ્રેસના નેતાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કયારેય મહત્ત્વની લાગતી નથી,એટલે જ જો ગુજરાતમાં ભાજપના ઉદયનો અભ્યાસ કરીશું તો વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે ભાજપે સ્થાનિક સ્વરાજથી શરૂ કરીને ગુજરાત વિધાનસભાની સફર ખેડી.

સામે કોંગ્રેસના નેતાઓ એવું કહીને શાંતિથી બેસી રહ્યા કે હજી તો જિલ્લા પંચાયતમાં જ જીત્યા છીએ ને વિધાનસભા દૂર છે.હજી તો સહકારી ક્ષેત્રમાં જ જીત્યા છીએ, પંચાયત તો દૂર છે અને આ દૂર દૂરના ખેલમાં કોંગ્રેસ પ્રજાથી એટલી દૂર થઇ ગઈ કે આજે પ્રજા દૂર દૂર સુધી કોંગ્રેસ કે કોંગ્રેસની નેતાગીરીને મત આપવા તૈયાર નથી અને હા, કોંગ્રેસના નેતાઓને કદાચ પ્રજાના મતની જરૂર નથી. એમને તો દિલ્હીથી આદેશ આવશે એટલે જીતી જશે.

વર્ષોથી ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ભાજપનું રાજ આવ્યા પછી લોકશાહીને ગળે ટૂંપો દેવાની વાતો કરે છે પણ ક્યારેય કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં  એમની પાર્ટીમાં લોકશાહી છે કે નહિ એનું ધ્યાન આપ્યું છે? ગુજરાતમાં કયારેય નેતાઓએ એમના કાર્યકરો સાથે સીધો સંવાદ કરીને એમને શું તકલીફ છે? શું સમસ્યા છે? કઈ રીતે જીતી શકાય એવું પૂછ્યું છે ?

મૂળ સમસ્યા જ એ છે કે કોંગ્રેસે એમનાં મૂળ ગુમાવી દીધાં છે અને મૂળ વગર પોતાની જીતનું ઝાડ ઉગાડવાનાં સપનાં જુએ છે.ગુજરાતમાં કોંગ્રેસનાં મૂળિયાં ઉખડી ગયાં એની પાછળ પક્ષમાં લોકશાહી ખતમ થવાનું પણ એક મોટું કારણ છે.આજે કોંગ્રેસનો નાનો કાર્યકર કોઈ મોટા નેતાનું કોઈ સમસ્યા પ્રત્યે કે કોઈ મુદ્દા પ્રત્યે ધ્યાન દોરે તો પહેલાં એના પ્રશ્નને સાંભળવા અને સમજવાની જગ્યાએ કયા ગ્રુપનો છે?

કોનો માણસ છે? એ જોવામાં આવે છે. પછી જો ભૂલેચૂકે એ કાર્યકરની કોઈ વાત સાચી હોય કે સત્ય લાગે તો વળી પાછું એની પર અમલીકરણ કરવા માટે દિલ્હીના આદેશની રાહ જોવાય છે.અરે ભાઈ, વાત ગુજરાતની છે. ગુજરાતના નેતાઓને નિર્ણય લેવાની એટલી તો છૂટ હોવી જોઈએ કે નહિ? પણ ભાજપને ભાંડતા કોંગ્રેસના નેતાઓને ખબર છે કે એમના ખાસ કરીને ગુજરાતના નિર્ણયમાં પ્રદેશ પ્રમુખ હોય કે વિપક્ષનો નેતા, જ્યાં સુધી દિલ્હીથી ગ્રીન સિગ્નલ ના મળે ત્યાં સુધી કાંઈ થઇ શકતું નથી અને દિલ્હીના નેતાઓ હાલ આખા દેશમાં વ્યસ્ત હોય છે.

સરવાળે પેલા પાયાના કાર્યકર જેને કોંગ્રેસની ચિંતા છે,જે કોંગ્રેસ માટે દિવસ રાત મહેનત કરે છે,વર્ષોથી ગુજરાતમાં સત્તા વગર પાર્ટી માટે સંઘર્ષ કરે છે,એની સલાહ અને સૂચનો ફાઈલોમાં અટવાઈને એક ખૂણામાં પુરાઈ જાય છે, જ્યાં સુધી ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં એમના મૂળ તરફ પાછા ફરવાની ગાંધી વિચારને આજના સમયમાં જોવાની શક્તિ નહિ આવે ત્યાં સુધી કાંઈ થઇ શકે એવું નથી.ગુજરાત કોંગ્રેસના નેતાઓનું કાર્યકર સાથે સીધું કનેક્ટ અને સાચી વાત અમલીકરણ કરવાની પ્રક્રિયા સાચા અર્થમાં અમલ નહિ થાય તો દિલ્હીમાં ખબર નહિ, પણ ગુજરાતમાં હજી વર્ષો સુધી સત્તા માટે રાહ જોવી પડશે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓની પોતાની એક અલગ જ દુનિયા છે, જ્યાં દર વિધાનસભાની ચૂંટણીએ એમની સરકાર રચાય છે અને પરિણામ પછી આવનાર પાંચ વર્ષ ગુજરાતમાં કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને શોધાય છે.

મજાની વાત તો એ છે કે હવે કોંગ્રેસને લોકો શોધશે કે નહિ એ પણ પ્રશ્ન છે કેમકે ગુજરાતમાં હવે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની મજબૂત દસ્તક થઇ છે. સુરત કોર્પોરેશનનાં પરિણામોએ સાબિત કરી આપ્યું કે આમ આદમી પાર્ટીએ જ્યાં જ્યાં ઉમેદવારો ઊભા રાખ્યા એવી ઘણી જગ્યાએ કોંગ્રેસ ત્રીજા સ્થાને હતી. આ સ્થિતિમાં તમે વિચારો કે કોંગ્રેસનું શું થશે?

કોંગ્રેસનું જે થશે એ. હાલ તો કોંગ્રેસ ફરી એ જ જૂના ઢબે છે. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાએ રાજીનામું આપી દીધું છે, ફરી કેટલાંક જૂથો પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા બનવા માટે લોબિંગ કરી રહ્યા છે અને પ્રજા  કોંગ્રેસ ક્યાં છે એ શોધી રહી છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top