Comments

આઝાદે મોદીની આરતી તો ઉતારી: હવે શું?

‘….. આપણા વડાપ્રધાન એક ગામડામાંથી આવે છે અને ગર્વપૂર્વક કહે છે કે તેઓ કંઇ પણ ન હતા અને વાસણ માંજતા હતા તથા ચા વેચતા હતા. તેઓ પોતાનાં મૂળિયાં પ્રત્યે સાચા છે તે હકીકતની હું કદર કરું છું…..’

પાંચ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા માટે એક પીઢ કોંગ્રેસી નેતાના મોંમાંથી આ શબ્દો નીકળે તે કેવું? અને તે પણ જયારે પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ અને અગ્રણી રાહુલ નરેન્દ્ર મોદીની નીતિઓ અને કાર્યકરો સામે કોઇ પણ જાતની મર્યાદા વગર આક્રમક પ્રચાર ઝુંબેશ ચલાવતા હોય ત્યારે?!

વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ મોદીની પ્રશંસા કરતા હોય તેની કોંગ્રેસના મોવડીમંડળમાં ગંભીર નોંધ લેવાતી હોય ત્યારે સામસામે ખેંચાઇ ગઇ છે. આ નિવેદને આઝાદના જી-૨૩ એટલેકે ૨૩ બળવાખોરો તરીકે  ઓળખાતા જૂથના સભ્યોને બેબાકળા  બનાવ્યા છે. આઝાદે વડા પ્રધાન માટે  આવું નિવેદન કેમ કર્યું તેની તેમને ખબર જ નથી પડી. વિચિત્રતા એ છે કે આઝાદે પોતાના હવે અવનતિ પામેલા પોતાના રાજયમાંથી આ વિધાન કર્યું છે. તે માત્ર ૨૩ બળવાખોરોને જ નહીં, મોટા ભાગના કોંગ્રેસીઓ માટે આશ્ચર્યકારક.

રાજયસભામાં વિરોધ પક્ષના નેતા આઝાદે રાજકીય રીતે વિસ્ફોટક નૂકતેચીની એવે સમયે કરી કે હવે કાનાફૂસી શરૂ થઇ ગઇ કે કોંગ્રેસ પક્ષ ભાગલાની દિશામાં નહીં જતો હોય તો તેમાં મોટી ઉથલપાથલ થશે? મોદી અને આઝાદ વચ્ચે તાજેતરમાં વધેલા ખુશમિજાજ પછી થયેલા આ નિવેદનનાં જાતજાતનાં અર્થઘટન થઇ શકે.

હકીકત એ રહે છે કે આઝાદે, રાજયસભાના સભ્યપદનો વધુ એક વાર ઇન્કાર કરાયા પછી અને તેના વતન જમ્મુ-કાશ્મીરમાં અભેરાઇએ ચડાવાયા પછી એ સ્પષ્ટ કર્યું છે કે હું ખૂણામાં બેસી રહું તેવો નથી. પણ આ નિવેદન પછી ૨૩ બળવાખોરો વધતી ખાઇ જોતાં આઝાદ હવે શું કરશે?

રાજયસભાના સભ્યપદની મુદત પૂરી થયા પછી પહેલી વારના આ સમયગાળામાં આઝાદ પાસે ૨૩ બળવાખોરોમાંથી છ સભ્યોનો ટેકો છે અને તેથી આઝાદે કોંગ્રેસ સામે બાંય ચડાવવા જમ્મુ-કાશ્મીરનો અખાડો પસંદ કર્યો છે. આઝાદ સહિતના ૨૩ બળવાખોરોએ કોંગ્રેસના વચગાળાનાં  પ્રમુખ સોનિયા ગાંધીને સંગઠનીય બાબતોમાં પડકારનો પત્ર લખતા કંપ સર્જયો હતો અને અનુયાયીઓની વાહવાહ મેળવી હતી, પણ હવે અનુયાયીઓ મોદીની પ્રશંસા કરવા બદલ આઝાદનો વિરોધ કરે છે.

આઝાદના અનુયાયીઓમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દરસિંહ હૂડા, રાજયસભામાં કોંગ્રેસના નાયબ નેતા આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનિષ તિવારી આઝાદનો નબળા પક્ષને બેઠો કરવામાં ઉપયોગ નહીં થયો તેનો વસવસો વ્યકત કર્યો છે, પણ પક્ષે આંખ આડા કાન જેવું જ કર્યું. પણ  આઝાદે મોદીની આરતી ઉતારી તેનાથી બળવાખોરોમાં ચિત્ર જ બદલાઇ ગયું.

હવે વધુ ને વધુ બળવાખોરો આઝાદનો જવાબ માંગી રહ્યા છે કે તમે મોદીની આરતી કેમ ઉતારી? ૨૩ બળવાખોરોનો વ્યૂહ બે પાંખિયો છે: આઝાદની અવગણના ન કરો અને કરશો તો તે તમારા જોખમે હશે અથવા ભારતીય જનતા પક્ષ સામે ટકકર લેવા સરખી વિચારસરણી ધરાવતા બળ એકત્ર થશે તો તેમાં આઝાદની એક મુખ્ય ભૂમિકા હશે. આઝાદને કેન્દ્રમાં રાખીને અને કોંગ્રેસને બાકાત રાખીને વિપક્ષી એકતા થશે? પસંદગી કોંગ્રેસે કરવાની છે.

આમ છતાં આઝાદે મોદીની આરતી એક અલગ સમારંભમાં ઉતારી હતી જેમાં તેમને મુખ્ય મહેમાન તરીકે બોલાવાયા હતા અને આ સમારંભ યોજવા પાછળના ઇરાદા વધુ સ્પષ્ટ થયા હતા. જમ્મુમાં યોજાયેલો આ આખો સમારંભ મોદીની આરતી માટે હતો. ચૂંટણી પ્રચાર દરમ્યાન  જમ્મુમાં યોજાયેલા સમારંભ સત્તા પર પાછા ફરવા માટે ઘુરકિયા સમાન છે. આઝાદ આણિ મંડળી સામે પક્ષમાં શંકાનાં વાદળ ઘેરાયાં છે.

આઝાદ દેશના રાજકારણનો વ્યાપક અનુભવ ધરાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક છે એમાં કોઇ શંકા નથી. તેઓ સંસદની અંદર અને બહાર પક્ષ માટે ખૂબ ઉપયોગી છે.આઝાદને અને પક્ષના વ્યૂહ રચનાકારોને પણ લાગ્યું હશે જ. એટલે આઝાદે પોતાના પક્ષ પર જ આ કાંકરીચાળો કર્યો હશે.

આઝાદની ઓળખ અને વર્તમાન દરજજો કોંગ્રેસને આભારી છે એની કોઇ ના પાડી શકે તેમ નથી અને કોંગ્રેસે ચાળીસ વર્ષ સુધી તેમની શકિતઓમાં વિશ્વાસ મૂકયો છે અને તેનું ૨૩ નેતાઓના બળવા સાથે પૂર્ણવિરામ આવ્યું છે. હરીફ નેતા સાથે અંગત સંબંધ હોય તે એક અલગ વાત છે અને તેની આરતી ઉતારવી એ બીજી વાત છે. આઝાદે મોદીની આરતી ઉતારી છે. આઝાદનો ઇરાદો કંઇક અલગ ન હોત તો આ થઇ શકયું ન હોત.

સવાલ એ છે કે આઝાદ ત્રણ દાયકા કોંગ્રેસના મોવડીમંડળમાં છે પણ એવું તે શું થયું કે તેમની અવગણના થઇ કે તેમને અવગણના થતી હોવાનું લાગ્યું? તેમને વધુ એક મુદત માટે રાજયસભાના સભ્ય નહોતા બનાવવા તો ય પક્ષના વ્યૂહરચનાકારોએ તેમને વિશ્વાસમાં લઇ તેમની સેવાઓનો માનભર્યો ઉપયોગ કરવો જોઇતો હતો.

ભારતીય રાજકારણના સંદર્ભમાં કોઇ પણ પક્ષ પેઢી પરિવર્તનની પ્રક્રિયામાં છે એ સમજવાનું જૂનાજોગીઓ માટે મુશ્કેલ છે. કોંગ્રેસમાં એક પછી એક પેઢી પરિવર્તન થયું અને છતાં તેઓ નવા સ્વરૂપમાં એક મહત્ત્વના ભાગ રૂપે ચાલુ રહ્યા તે આઝાદ સિવાય કોણ વધુ સારી રીતે સમજી શકે?

હવે ‘થોભો અને રાહ જુઓ’નો સમય વીતી ગયો છે. હવે કંઇક કરવાનો સમય પાકી ગયો છે. પક્ષના પોતાના જૂના સાથી મુફતી મોહમ્મદ સૈયદની જેમ આઝાદની રાજકીય સફળતા સાહસવાદ પર ટકેલી નથી. કોંગ્રેસ સંગઠનની ચૂંટણીમાં ૨૩ બળવાખોરોનું આ જૂથ હવે શું કરશે? આઝાદને માર્ગે જશે કે શિસ્તના પગલાનું નિશાન બનશે?

          – લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top