Gujarat

કોંગ્રેસે નો-રિપીટ થીયરી પડતી મૂકી : તમામ 64 ધારાસભ્યોને પુન: ટિકીટ અપાશે

ગાંધીનગર : આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાત (Gujarat) માટે 19 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઈ છે ત્યારે હવે કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ હવે ગુજરાત કોંગ્રેસની નેતાગીરીએ ઉમેદવારોની પંસદગી પ્રક્રિયા તેજ બનાવી છે. ખાસ કરીને કોંગ્રેસની નેતાગીરીએ હવે નો-રિપીટ થીયરી પડતી મૂકી છે. જેના પગલે હવે હાલના કોંગ્રેસના 64 ધારાસભ્યોને ફરીથી ટિકીટ આપી દેવાશે, તેવુ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં નક્કી થયું છે.

ઉમેદવારોની પહેલી યાદી તા.15મી સપ્ટે. સુધીમાં જાહેર કરી દેવાશે. જ્યારે સોમવારે મોડી સાંજ સુધી ચાલેલી સ્ક્રિનિંગ કમિટીની બેઠકમા 58 ઉમેદાવરોની પસંદગી પૂર્ણ કરી દેવાઈ છે. આ સિવાય અન્ય બેઠકો પર જ્ઞાતિના સમીકરણો જોઈને યુવા ચહેરાઓને ટિકીટ આપવામા આવનાર છે. 11મી સપ્ટે. સુધી ટિકીટ માટે રજૂઆત કરી શકાશે. અગાઉ કોંગ્રેસની નેતાગીરી દ્વારા જમાલપુર – ખાડિયા (ઈમરાન ખેડાવાલા), દરિયાપુર (ગ્યાસુદ્દિન શેખ) તથા વાંકાનેર (મહંમદ જાહેવ પીરઝાદા) બેઠક માટે હાલના ધારાસભ્યોને પુન: ટિકીટ આપવાનો નિર્ણય લેવાયો હતો. પસંદ કરાયેલા 58 ઉમેદવારોની યાદી પર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત મંજૂરીની મ્હોર મારે તે પછી તેને જાહેર કરી દેવાશે. 2017માં ગુજરાત કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ વખતે કોંગ્રેસની નેતાગીરીએ 125 બેઠકો પર વિજયની રણનીતિ બનાવી છે. જો કે ભાજપ અને આપ ચૂંટણીમાં રહેતા સમગ્ર જંગ ત્રિપાંખિયો બની રહેશે.

Most Popular

To Top