Dakshin Gujarat

9-10 સપ્ટેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં વધુ વરસાદની વકી

ગાંધીનગર : બંગાળના અખાત પરથી સરકીને આવી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી તા.9 અને 10મી સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાત (South Gujarat) પર વરસાદની (Rain) વકી રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 અને 10 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ વધુ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. વેસ્ટ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી હોવાને લઈને વરસાદનું જોર વધશે.

રાજ્યમાં હાલમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને હાલમાં 35 ડિગ્રી તાપમાન છે તે વધીને 37 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી સંભાવના છે. વાદળો હટી જતાં અમદાવાદ – ગાંધીનગરમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે.
રાજ્યમાં સરેરાશ 102.30 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 157.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.70 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 83.81 ટકા, સૌરાષ્ટ્રમાં 90.25 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111.29 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

ગાંધીનગરમાં મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નિંગ ૫ર છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત ૮૩,૨૩,૨૨૦ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના આ જ સમયગાળા દરમ્યાન ૮૧,૫૫,૨૨૦ હેક્ટર વાવેતર થયું હતું. રાજ્યમાં હાલ NDRFની ૩ ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-૧, નવસારી-૧, રાજકોટ-૧ NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં ૨ અને વડોદરામાં ૧૦ એમ કુલ-૧૨ ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

Most Popular

To Top