National

સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસને રાહત, આવકવેરા વિભાગે કહ્યું- ટેક્સ નોટિસ પર હાલ કોઈ કાર્યવાહી નહીં થાય

નવી દિલ્હી: (New Delhi) આવકવેરા વિભાગ સામાન્ય ચૂંટણીઓને (Election) ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વિરુદ્ધ આવકવેરાની નોટિસના મામલે કોઈ દંડાત્મક પગલાં લેશે નહીં. સુપ્રીમ કોર્ટમાં આવકવેરા વિભાગ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં આ મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આવકવેરા નોટિસ કેસમાં કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

સોલિસિટર જનરલ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વતી જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલનું નિવેદન રેકોર્ડ પર લીધું હતું જેમાં સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું હતું કે વર્તમાન સંજોગોમાં કેસમાં અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસ વિરુદ્ધ તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવશે નહીં. આ પછી કોંગ્રેસ વિરૂદ્ધ ઈન્કમ ટેક્સ નોટિસ સંબંધિત કેસની સુનાવણી જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

સોમવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ ત્યારે આવકવેરા વિભાગ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા અને કહ્યું કે અમે આ મામલે નિવેદન આપવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે અને હાલમાં દેશમાં સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. અમે પાર્ટી વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લઈશું નહીં. તેમણે કહ્યું કે આવકવેરા વિભાગ કેસની યોગ્યતા પર ટિપ્પણી કરી રહ્યું નથી અને તમામ સત્તાઓ અને દાવાઓ ખુલ્લા છે. સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ પગલાની પ્રશંસા કરી છે. જણાવી દઈએ કે કોંગ્રેસને માર્ચથી શરૂ થતા વર્ષો માટે કુલ રૂ. 3500 કરોડની આવકવેરાની નોટિસ મળી છે.

કોંગ્રેસ પાર્ટી તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. બેન્ચે 2018માં હાઈકોર્ટના 2016ના નિર્ણય સામે કોંગ્રેસ પક્ષની અપીલ પર સુનાવણી કરી હતી. આ પેન્ડિંગ અપીલમાં સુપ્રીમ કોર્ટે માર્ચમાં આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલી નોટિસને ટાંકીને આ નોટિસ પર સ્ટે મૂકવાની માંગ કરતી વચગાળાની અરજી દાખલ કરી હતી. તુષાર મહેતાએ આ દરમિયાન જણાવ્યું હતું કે તાજેતરની આવકવેરાની નોટિસ અંગે કોઈ અપીલ નથી પરંતુ અમે કોર્ટને કહેવા માંગીએ છીએ કે વર્તમાન સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિભાગ શિક્ષાત્મક કાર્યવાહી મોકૂફ રાખી રહ્યું છે.

Most Popular

To Top