Comments

‘કૉકરોચ જનતા પાર્ટી’–આજનો યુવાન કશુંક ગંભીર કહી રહ્યો છે

યુવાનોમાં સામાજિક-રાજકીય વ્યવસ્થા સામે પ્રવર્તી રહેલો અસંતોષ અવગણવા જેવો નથી. એનો વ્યાપ તમને મનાવવામાં આવે છે એના કરતાં ઘણો મોટો છે. એની સાબિતી મળી ગઈ છે ‘કોન્ક્રોચ જનતા પાર્ટી’ (સીજેપી) ને મળેલા પ્રતિસાદ પરથી. ૧૫ મે, ૨૦૨૬ના રોજ, જસ્ટીસ સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમ્યાન ભારતના બેરોજગાર યુવાનોને ‘કોન્ક્રોચ (વંદા) જેવા’ ગણાવ્યા. તેમણે કહ્યું  કે નોકરી ન મળતાં આવાં યુવાનો સોશ્યલ મીડિયા, પત્રકારિતા અને માહિતી અધિકાર (આર.ટી.આઈ.) તરફ વળે છે અને ‘સિસ્ટમ પર હુમલો’ કરે છે.

તેમણે આવાં લોકોને ‘પરોપજીવી’ પણ કહ્યા. એના જવાબમાં બીજે જ દિવસે, ૧૬ મે ના દિવસે ૩૦ વર્ષના યુવાન, બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અભિજીત દીપ્કેએ પાર્ટીની જાહેરાત કરી. ૨૦મી મે, એટલે કે માત્ર ચાર જ દિવસમાં એક લાખથી વધુ લોકો એના સભ્ય બની ગયા. જે મોટા ભાગના યુવાનો – જેન-ઝી છે. આ ઉપરાંત એ જ દિવસે દિલ્હીના યુવાનોના એક નાનકડા જૂથે ‘હું વંદો છું’ લખેલા પોસ્ટર પહેરી યમુના સાફ કરવાનું કામ કર્યું. સરકાર જે ચિત્ર રજૂ કરે છે એનો જમીની વાસ્તવિકતા સાથે મેળ ના બેસતો હોય તો અસંતોષ તો ઊભો થવાનો.

મુદ્દો માત્ર એક ટીપ્પણીનો નથી – પણ પ્રશ્નોથી ખદબદી રહેલી વ્યવસ્થા અને એમાંથી ઊભી થતી માનવીય પીડા પ્રત્યેના અસંવેદનશીલ અભિગમનો છે. કારણ કે, બેરોજગારીનો પ્રશ્ન કાલ્પનિક નથી, ભણતરની સાથે રોજગારની તકો ઊભી થતી નથી તેમજ કામનાં સ્થળો શોષણથી મુક્ત નથી. આજના યુવા આર્થિક, સામાજિક અને રાજકીય વ્યવસ્થામાં રહેલી અયોગ્ય રીતો સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને પોતાનો પ્રતિરોધ નોંધાવી રહ્યા છે.

આ માત્ર તેમનો અધિકાર જ નથી, પણ તેમનું દાયિત્વ પણ છે.  જો તેમના આ અધિકાર સામે, સુપ્રીમ કોર્ટના  મુખ્ય ન્યાયાધીશ કે જેનું કામ બંધારણીય અધિકારોનું સંરક્ષણ કરવાનું છે, તે જ  આવી ટીપ્પણી કરે તો એક બંધારણીય સંકટ ઊભું થયું હોવાનો ડર લાગે. જો કે જસ્ટીસ સૂર્યકાંતે તેમની ટિપ્પણીનું ખોટું અર્થઘટન થયું હોવાની કરેલી સ્પષ્ટતા તો કરી, પણ તીર છૂટી ચૂક્યું હતું. એટલે કોન્ક્રોચ પાર્ટીને મળી રહેલા પ્રતિસાદ પર એની કોઈ અસર નથી પડી રહી.

પાછલા ત્રણ દિવસમાં ચર્ચા માત્ર જસ્ટીસ સૂર્યકાંતની ટીપ્પણી પૂરતી મર્યાદિત ના રહેતાં દેશની લોકશાહી સામે ઊભેલા વ્યાપક પ્રશ્નોની પણ થઇ રહી છે. સીજેપીનો  મેનીફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) વર્તમાન લોકશાહીમાં ઊઠી રહેલા ગંભીર મુદ્દાઓને આવરી લે છે. એક, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને નિવૃત્તિ પછી મળતાં સ્થાન જેને કારણે ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમાય છે. બે, ચૂંટણી પંચ સામે કાનૂની કાર્યવાહી ના કરી શકવાની જોગવાઈ તેમજ મતદારયાદીમાંથી કરોડો લોકોનાં ભુંસાયેલાં નામ – જેને સીજેપીની વેબસાઈટ આતંકવાદ સમાન પગલું ગણાવે છે.

ત્રણ, પક્ષ બદલાતા ચૂંટાયેલા નેતા અને પુરસ્કારરૂપ ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આરોપ – જેની પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઈ છે. ચાર, કોર્પોરેટ ગૃહો દ્વારા ચાલતા મીડિયા હાઉસ  જેમાં સ્પષ્ટપણે સ્થાપિત હિતો દેખાય છે – જેના બેંક અકાઉન્ટની તપાસની માંગ કરાઈ છે અને પાંચ, મહિલાઓ માટે પચાસ ટકા જેટલા અનામતની જોગવાઈની માંગ અને એ પણ સંસદની સીટ વધાર્યા વિના. આ બધા પ્રશ્નોથી શું આપણે વાકેફ નથી? શું લોકશાહીને નબળી પાડવામાં આ બધા મુદ્દા ભાગ નથી ભજવી રહ્યા?

યુવાનો દ્વારા કરાયેલો એક કટાક્ષ અત્યારે તો સોશ્યલ મીડિયા પર અણધાર્યો પ્રતિસાદ મેળવી રહ્યો છે. અભિજીત દીપ્કે માટે પણ આ આશ્ચર્યની ઘટના છે. એના નામમાં ‘પાર્ટી’ શબ્દ ભલે હોય પણ એ કોઈ રાજકીય પાર્ટી નથી. દીપ્કે એને એક સામાજિક-રાજકીય ચર્ચા કરવા માટેનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તરીકે જુએ છે. આવું પ્લેટફોર્મ કેટલું ટકશે એ તો અત્યારે કહી શકાય નહિ. સમાજમાં કેટલી ચર્ચા આગળ વધારી શકે છે એ કહેવું પણ મુશ્કેલ છે.

વર્તમાન સંજોગોમાં વ્યવસ્થાને પડકારતી ચર્ચા કરવી એટલે એ સામા પ્રવાહે તરવા જેટલું અઘરું છે. તેમની પર પ્રતિબંધ આવી શકે છે. સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઇ શકે છે કે પછી કોઈ સાચા-જુઠા કેસમાં તેઓ ફસાઈ શકે છે. આ બધી શક્યતાની વચ્ચે આ બિનઅનુભવી યુવાનો તેમના જોશના આધારે રાજકારણને કેટલો સમય આપવા માંગે છે એની પર ઘણો મોટો આધાર રહેશે, યાદ રહે, નીટનું પેપર ફૂટ્યાની ઘટનાના ઘા હજુ તાજા છે. ત્રણેક વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા રદ થયા પછી તાણમાં આવીને આત્મહત્યા કરી છે, જેને કારણે સમાજ ભાવનાત્મક રીતે ઘવાયેલો છે એવા સંજોગોમાં રાજકીય વ્યવસ્થાને પડકાર આપતો કટાક્ષ બધાનું ધ્યાન આકર્ષી રહ્યો છે.

આ જુવાળને લાંબા સમય સુધી ટકાવી રાખવાનું અઘરું હોય તો પણ એટલું તો કહેવું જ પડે કે આ યુવાનોએ આપણને આયનો બતાવવાનું કામ કર્યું છે, જેની ગંભીર નોંધ લેવી જોઈએ. આજે જ્યારે મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ બનવાને બદલે સત્તા પક્ષના ખોળામાં બેસવાનું સ્વીકારે છે, પરિણામે ભારતનો પ્રેસની સ્વતંત્રતાનો ઇન્ડેક્સ ઘટતો ઘટતો છેક ૧૫૭મા સ્થાને પહોંચ્યો છે. પ્રધાનમંત્રીની તાજેતરની નેધરલેન્ડ અને નોર્વેની યાત્રા દરમ્યાન પણ આ અંગે ગંભીર ટીપ્પણી થઇ હતી. ત્યારે કોઈકે તો અઘરા સવાલ પૂછવા પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top